કિસ્મત
વિશ્વામૈત્રી નદીનાં કિનારે વસેલું વડોદરા એટલે સંસ્કૃતિની નગરી શાંત ,સુલભ વડોદરા મન મુકીને માણવાલાયક શહેર. આજ શહેરમાં નટખટ, ચુલબુલી અને ખુબસુરત અંજલી રહે. આંખોમાં હજારો સપના અને હંમેશા કંઈક નવી તાજગી ભરેલી હોય. અંજલીનાં રૂપને જોઈ ભલભલા હબક ખાય જાય. કૌશીકભાઈ અને કેતનાબેનની લાડલી અંજલી આ વખતે કોલેજમાં આવી. કેટલાય સપના સજાવ્યા હતાં કેટલુંય જાણ્યું હતું કે કોલેજ એટલે જલસા, મોજ મજા કરવાનાં દિવસો અરે! બહુ ભણ્યા હવે થાકયા. મિત્રો બનાવો અને જલ્સા કરો. અંજલી ઘરમાં સૌથી મોટી તેનો નાનો ભાઈ હેત હજુ ધોરણ દશમાં આવ્યો. આજે અંજલીનો કોલેજમાં પહેલો દિવસ હતો. પોતાની સખી નીયા સાથે અંજલી કોલેજ જાય છે. અને પહેલા જ દિવસે તેની મુલાકાત રાજ સાથે થાય છે. રાજ ખુબ જ હેન્ડસમ અને દિલફેંક યુવાન હતો. તેનો પણ કોલેજમાં આજે પહેલો દિવસ હતો. બ્લુ જીન્સ અને યલો ઓફ સ્લિવ ટોપમાં અંજલી ગજબ લાગતી હતી. તો ડેનિમ જિન્સમાં રાજ પણ કોઈ રાજકુમારથી કમ ન હતો. અંજલી રાજની પાસેથી પસાર થઈને રાજનાં દિલમાં જાણે સંગીત વાગવા લાગ્યું.
"તુજે દેખા તો યે જાના સનમ, પ્યાર હોતા હૈ દિવાના સનમ."
બસ, અંજલી તો રાજનાં દિલમાં વસી ગઈ. આ રોજનો ક્રમ થયો અંજલી આગળની બેન્ચ પર ને રાજ પાછળની બેન્ચ પર હોય અંજલી પ્રોફેસરનાં લેકચર સાંભળતી હોય ને રાજ અંજલીને નિરખતો હોય. રાજનો એક પાકો મિત્ર અમીત પણ સાથે જ હોય. શરૂઆતમાં તો અંજલીને કઇ ખાસ ખબર ન પડી પણ ધીમે-ધીમે તેને લાગવા માંડ્યું કે રાજ તેને લાઈક કરે છે. એકવાર હિંમત કરીને રાજે અંજલી પાસે નોટ્સ માંગી. અને અંજલીએ પણ શરમાઈને આપી. ધીમે ધીમે બોલવાનો સંબંધ બંધાયો. અને હવે અંજલી, રાજ, અમીત અને નીયા સાથે જ કેન્ટીનમાં હોય. પણ અંજલી રાજને ફકત મિત્ર જ માનતી હતી. એક વર્ષ તો આમ જ પસાર થઈ ગયુ. હવે અંજલીનાં દિલમાં પણ રાજ માટે થોડી લાગણી થઇ. રાજ એક પૈસાદાર કુટુંબમાંથી આવતો હતો. ભણવામાં ખાસ રૂચી ન હતી. બસ ગ્રેજેયુએશન પુરૂ કરવા માંગતો હતો. હસતા રમતા કોલેજનું પહેલુ વર્ષ તો ચાલી ગયુ. હવે અંજલી અને રાજ કોલેજનાં બીજા વર્ષમાં આવ્યા. હવે બંને એકબીજાની લાગણીને મહેસુસ કરતાં હતાં. બન્નેની આંખો ઘણુ કહી દેતી હતી. અંજલી રોજ સવાર પડે ને જલ્દી કોલેજ જવા ઉતાવળી થતી. રાજ સાથે સમય વિતાવવો તેનું વ્યસન થઈ ગયુ. બીજી બાજુ રાજને પણ જ્યાં સુધી અંજલીને જુએ નહીં ત્યાં સુધી ચેન પડતુ નહી.
રાજનાં પિતાને વડોદરાનાં પ્રખ્યાત એવા ઓ.પી. રોડ પર ઓટો સ્પેર પાર્ટની મોટી દુકાન હતી. નાનપણથી જ રાજ ખુબ જાહોજલાલીમાં ઉછર્યો હતો. રમણભાઈ અને રંજનબેનનો લાડકો દિકરો હતો. કોલેજ પુરી કરીને રાજ પણ પોતાના પિતાનાં ધંધામાં જ જોડાવવાનો હતો. એકવાર રાજનાં પિતાએ કોઈ કામ માટે રાજને સુરત મોક્લ્યો. અને રાજનું દિલ ઉદાસ થઈ ગયુ. આજે અંજલીનો ચહેરો જોવા મળશે નહીં. પણ તે પિતાને ના ન કહી શકયો. અને સુરત જવા રવાના થયો. આ બાજુ અંજલી કોલેજમાં રાજને ન જોતા તેને ફોન કરે છે. અને રાજ આજે કોલેજ નહીં આવે તે સાંભળી અંજલીનું દિલ ક્યાંય લાગતુ નથી. બસ, તેનુ દિલ તો રાજ પાસે હતુ. આટલો સમય બંને સાથે રહેવા છતાં રાજે કયારેય અંજલી સાથે આછકલાઈ ભર્યુ વર્તન કર્યુ ન હતુ. આજ કારણે અંજલીને રાજ માટે માન હતું. આજ અંજલીને ઉદાસ જોઈને નીયા પણ તેને ચીડવે છે. અને ગાય છે." મેરે પીયા ગયે રંગુન વહા સે કીયા હૈ ટેલિફોન હમારી યાદ સતાતી હૈ". અને બંને હસવા લાગે છે. ઘરે જઈને અંજલી તેનું મન બીજે વાળવા કોશશ કરે છે. ત્યાં જ તેના મોબાઈલમાં રાજનો ફોન આવે છે. સ્ક્રીન પર રાજનું નામ જોતા જ અંજલીનાં ચહેરા પર હાસ્ય આવી જાય છે. આટલા સમયમાં આજે પહેલી વાર એવુ બન્યુ કે અંજલીને રાજ મળ્યા ન હોય. હવે બંનેનો એક પ્રેમનો મીઠો અહેસાસ થવા લાગ્યો. બન્નેની લાગણીઓ અવિરત વહેવા લાગી. જાણે બંને એકમેક માટે જ સર્જાયા હોય.
સવારનો સમય હતો. કૌશીકભાઈ, કેતનાબેન, હેત અને અંજલી પૂજારૂમમાં આરતી કરતાં હતાં. કૌશીકભાઈનો પરિવાર થોડો રૂઢિચુસ્ત હતો. સવારની આરતીમાં પરિવારનાં બધા જ સભ્યો હાજર રહેવા જોઈએ. પછી જ કૌશીકભાઈ પોતાની રેડીમેઈડની દુકાને જતાં. અને બધા સભ્યો પોતપોતાનાં કામે જતાં. કેતનાબેન સ્વભાવે ખુબ માયાળુ હતાં. ઘરનાં બધાનું ઘ્યાન રાખતાં. અંજલીને પણ લાડકોડથી ઉછેરી હતી. વણીક કુટુંબમાં એમનું મોટું નામ હતું. અંજલી પીચ કલરનો ડ્રેસ પહેરીને વાળને ખુલ્લા રાખી પોતાની પિંક જયુપીટરને લઈને નીયાને લેવા જાય છે. રાજને મળવા ઉતાવળી અંજલી કોલેજ જવા નીકળે છે. રસ્તામાં સામેથી આવતી કાર સાથે અંજલી અને નીયાનો એક્સિડન્ટ થાય છે. અને ત્યાંનાં લોકો બંનેને દવાખાને લઈ જાય છે. નીયાને તો ખાસ વાગ્યું ન હતુ પણ અંજલીનાં પગમાં ફ્રેક્ચર આવ્યુ. હવે પંદર દિવસ ડોકટરે ઘરે રહીને આરામ કરવાનું કહ્યુ. એક દિવસ રાજને જોયા વગર અંજલીનો દિવસ ઉગતો નહી હવે આટલા દિવસ કેવી રીતે નીકળશે? એ અંજલી વિચારવા લાગી. અને અંજલી ઉદાસ થઈ ગઈ.
આજે રાજ અને અમીત વહેલા કોલેજ આવી ગયા. પણ અંજલી અને નીયાને ન જોતા મુંજાણા. ઘણા ફોન કરવા છતાં કોઈ ઉપાડતું ન હતું. રાજનાં દિલને ક્યાંય ચેન પડતું ન હતું, એક દિવસ બે દિવસ એમ કરતાં અઠવાડિયું ગયુ અને રાજની દિલની ધડકનો વધી ગઈ. તેનુ મન બસ અંજલીને જોવા બેતાબ હતું. પણ અંજલીનાં રૂઢિચુસ્ત પરિવારમાં નીયા સિવાય કોઈની એન્ટ્રી ન હતી.બીજી બાજુ અંજલી થોડી બરાબર થતાં તેણે રાજને ફોન કર્યો. અને પોતાની સાથે બનેલી ઘટના જણાવી. આ સાંભળી રાજના તો હોંશ ઉડી ગયા. આટલા સમયથી બંને વચ્ચે વાત થતી પણ બસ કામ પુરતી વાત થતી બંને પોતાની લાગણીઓ એકબીજાનાં દિલથી અનુભવતાં. કયારેય ફોન પર લાંબી વાતો નહી "જાનુ" "બેબી" જેવા ઉપનામો નહી. "Hi" "Hello" જેવા મેસેજો નહી બસ દિલથી જ એકબીજાની ચાહતને મહેસુસ કરતાં હતાં. અરે!!!! બંને એ કયારેય એકબીજાને "I love you" પણ કહ્યું ન હતું. રાજ અને અંજલી મિત્રમાંથી થોડા નજીક આવ્યા અને એકબીજા માટે કૂણી લાગણી મહેસુસ કરતાં હતાં. પણ અંજલીનું કુટુંબ ખુબ જ રૂઢિચુસ્ત હતું. તે અંજલી અને રાજના પ્રેમ ને કયારેય સ્વીકારશે નહી. હવે બંને પોતાના પ્રેમને સિરિયસ લેતા હતાં. એક દિવસ રાજ અને અંજલી કમાટી બાગમાં મળે છે. અને નકકી કરે છે કે હવે આપણા ઘરનાને જણાવવુ જોઈએ. રાજ બેફિકર હતો પણ અંજલી ઉદાસ થઈ ગઈ તેને ઉદાસ જોઈને રાજ અંજલીનો હાથ પોતાના હાથમાં લે છે આ બે વર્ષમાં પ્રથમ બનાવ હતો કે રાજ અંજલીને સ્પર્શ કરે છે. રાજ અને અંજલીનો પ્રેમ નિર્મળ હતો. આજના આધુનિક પ્રેમીઓની દોસ્તી, પ્રેમ અને કીસ સુધી પહોંચી જાય છે. વડોદરાનાં ઓ.પી રોડ પર આલીશાન બે માળની દુકાન હતી પૈસાની રેલમછેલ હતી. રાજ એકનો એક દિકરો હતો. જેનું નાજુક દિલ અંજલી પર ફિદા હતું. આજે રાજ તેના મમ્મી રંજનબેન સાથે અંજલીની વાત કરવાનો હતો. રાજને આમ પણ તેના પિતા કરતાં માતા સાથે વધુ ફાવતું. હોલમાં સોફા પર રંજનબેનનાં ખોળામાં માથુ રાખી રાજ સુતો છે અને રંજનબેન તેના વાળમાં તેલ નાખે છે. અને મોકો જોઈને રાજ કહે, "મા તું એકલી ઘરનું કામ કરી થાકી જતી હશે. મેં વિચાર્યું તારા માટે એક વહુ લઈ આવુ." આ સાંભળી રંજનબેન રાજનો કાન પકડીને કહે, "મને ખબર છે એટલે જ આજ સવારથી માખણ પોલીશ થાય છે કોણ છે એ ખુશનસીબ? જેને મારો કુંવર પસંદ આવ્યો?" બસ રાજ અંજલી વિષે બધી વાત કરે છે. અને પિતાને કહેવાનું કહે છે. રાજ આજ બહુ ખુશ હતો. કોલેજનો સમય થતાં તે તેની બાઈક લઈને કોલેજ જવા ઉપડે છે.
અંજલી ,નીયા અને અમીત તેની રાહ જોઈ બેઠા હોય છે. રાજ આવતા જ બધા પુછે છે. "અરેરે! આજ તો લાટસાહેબ ક્યાંક વધારે ખુશ દેખાય છે" અને રાજ ખુબ જ આતુરતાથી બધાને કહે છે કે આજે મેં મા ને આપણા સંબંધ વિષે વાત કરી. હવે તારે પણ તારા ઘરમાં જણાવવું પડશે. એ સાંભળી અંજલી ઉદાસ થઈ ગઈ. પણ અમીત અને નીયા સાથ આપે છે કે તું ચિંતા ન કર બધું બરાબર થઈ જશે.
સાંજનો સમય હતો અંજલી ઘરે આવે છે પણ પોતાના પિતાને આજ ઘરે વહેલા આવેલા જોઈ ચિંતા થઇ. વાતાવરણ શાંત હતું હંમેશા તોફાન મચાવતો હેત પણ આજ શાંત હતો. અંજલીને થયુ નકકી કંઈક થયું છે. કૌશિકભાઈ અંજલીને પુછે છે, "કોણ છે?એ છોકરો?જેને હમણા તું રોજ મળે છે." આ સાંભળી અંજલી નજર નીચી ઢાળી દે છે. કૌશિકભાઈ જણાવે છે કે, "હવે પછી તારે આ છોકરાને મળવાનું નથી.અને કાલથી કોલેજ પણ જવાનું નથી." આ સાંભળી અંજલી રડતી રડતી રૂમમાં જાય છે. અને કેતનાબેન પણ પાછળ જાય છે ને કહે, "બેટા તું તારા પિતાનો સ્વભાવ તો જાણે છે. તે હંમેશાં પ્રેમ લગ્નને ખિલાફ છે. છતા પણ તે આ પગલુ ભર્યુ." અંજલી તેના મા ને ગળે વળગી ખુબ રડે છે. આજે કૌશિકભાઈનાં ઘરે વાતાવરણ ખુબ ગંભીર છે. અંજલી અને રાજનાં સંબંધ વિષે કૌશિકભાઈને જાણ થાય છે. તે ખુબ ગુસ્સે થાય છે. અને અંજલીને કોલેજ જવા પર અને રાજને મળવા પર પ્રતિબંધ મૂકી દે છે. બીજી બાજુ બે ત્રણ દિવસ થતાં અંજલીને કોલેજમાં ન જોતા અને તેનો ફોન પણ બંધ આવતાં રાજ ચિંતિત હતો. અને રાજ અંજલીની ફ્રેન્ડ નીયાને મળે છે. અને અંજલી વિષે પુછે છે. નીયા કહે કે અંજલીનાં પિતા તમારા બંનેનાં સંબંધ વિષે જાણી ગયા છે. તેથી અંજલીની કોલેજ પણ બંધ કરી દીધી છે. અને રાજ અંજલીનાં પિતાને મળવાનું નકકી કરે છે. રાજ નીયા પાસેથી અંજલીનાં પિતાની દુકાનનું સરનામુ લે છે. અને મળવા જાય છે. કૌશિકભાઈ પહેલા તો રાજ સાથે વાત કરવા જ માંગતા ન હતાં. તેણે રાજને જણાવી દીધું કે આજ સુધી અમારા ઘરમાં પ્રેમલગ્ન થયા નથી અને હું જીવતો છું ત્યાં સુધી થશે પણ નહીં.! માટે તું અંજલીને ભૂલી જાય એજ બહેતર છે. રાજ ઉદાસ થઈ જતો રહ્યો. આજ સવારથી કૌશિકભાઈનાં ઘરે ચહલ પહલ હતી. અંજલી કશું જાણતી ન હતી. એવું લાગતું હતું કે ઘરે કોઈ મહેમાન આવે છે. કેતનાબેને અંજલીને કીધુ કે નવો ડ્રેસ પહેરીને તૈયાર રહે. અમદાવાદ થી તને જોવા માટે આવે છે. આ સાંભળીને અંજલી આંસુ સારતી તેના રૂમમાં ચાલી ગઈ. સાંજે તેના આંગણે નવી B.M.W. કાર આવી ઉભી. તેમાંથી અશોકભાઈ, આશાબેન અને સુંદર રાજકુમાર જેવો રોહન ઉતર્યા. રોહન ખુબ સાદો,સરળ હતો દેખાવે પણ સરસ હતો. અમદાવાદમાં બેન્કમાં નોકરી કરતો હતો.અશોકભાઈનો એકનો એક દિકરો હતો. અને તેમની જ જ્ઞાતીનાં હતા. બધા હોલમાં સોફા પર બેસે છે. અંજલી ચા અને નાસ્તાની ટ્રે લઇને આવે છે. એની નજર નીચી ઢળેલી હતી. રોહનને અંજલી ગમે છે બંને ને એક રૂમમાં વાત કરવા મોકલે છે.વાતની શરૂઆત રોહન કરે છે. "હું રો્હન" અંજલી કોઈ જવાબ આપતી નથી. વળી રોહન બોલે છે. " આપનું નામ અંજલી ને"? અંજલી ખાલી હા કહે છે.અંજલીની સાદગી અને સરળતાથી રોહન મોહીત થઈ જાય છે.બસ, બંને વચ્ચે બીજી કશી વાત થતી નથી. એ લોકો જાય છે. અને રાત્રે અશોકભાઈનો ફોન આવે છે કે રોહનને અંજલી પસંદ છે. આપને યોગ્ય લાગે તો આ રવિવારે સાદાઈથી સગાઈ કરીએ. આ સાંભળીને અંજલી છક થઈ ગઈ. એ નહોતી જાણતી કે આટલી જલ્દી આ બધું બની જશે.
ઘણા સમય થી ન અંજલીને જોઈ કે ન અંજલી સાથે વાત થઈ. તેથી રાજ ઉદાસ રહેતો હતો.રંજનબેન રાજને પુછે છે" બેટા, કેમ હમણા ઉદાસ છે?" ત્યાંરે રાજ બધી જ હકીકત રંજનબેનને કહે છે. રંજનબેન બધી વાત રાજના પિતાને કરે છે.રમણભાઈને પણ આ બાબતે કોઈ આપતિ ન હતી.તે સાંજે જ અંજલીના પિતાને મળવા તેની દુકાને જશે એમ કહ્યું, સાંજે સમય લયને રમણભાઈ કૌશિકભાઈ ને મળવા તેની દુકાને જાય છે. અને ખુબ જ નમ્રતાથી રાજ અને અંજલીના સંબંધ વિષે વાત કરે છે. પણ કૌશિકભાઈ પોતાની વણિક જ્ઞાતિ સિવાય બીજી જ્ઞાતિ માં અંજલીનો સંબંધ કરવા રાજી ન હતાં.અંતે રમણભાઈ નિરાશ થઈ પાછા આવે છે. પોતાના પુત્રને ઉદાસ જોઈને રમણભાઈ ને રંજનબેન પણ ઉદાસ થાય છે. હવે બીજો કોઈ ઉપાય ન હતો.અને ભાગીને લગ્ન કરે એવી હિંમત અંજલી માં ન હતી. અને રાજ પણ આવુ કરવા રાજી ન હતો. હવે ભગવાન પર છોડવા સિવાય કોઈ ઉપાય ન હતો. બીજી બાજુ અંજલી પણ કઈ ખાતીપીતી નહી બસ ઉદાસ રહેતી તેનો ફોન પણ લઈ લીધો હતો.તેથી રાજ સાથે વાત પણ કરી શકતી ન હતી. હવે તેના માતા પિતાની વાત માનવા સિવાય કોઈ ઉપાય ન હતો.જોતજોતા માં રવિવાર આવી ગયોને ઘરનાં જ સભ્યોની હાજરી માં અંજલીને રોહન ની સગાઈ થઈ ગઈ.અને એક મહિના પછી લગ્ન પણ નકકી કરી દીધા. અંજલી હવે જેવી ભગવાનની ઈચ્છા એમ માની રાજને ભુલવાની કોશિશ કરતી પણ આતો પહેલો પ્રેમ છે એમ થોડો દિલ માથી ડિલેટ થાય. ઘર માં હવે લગ્નની તૈયારીઓ થવા લાગી.જેમ જેમ દિવસો જતાં એમ અંજલીના ચહેરા નું નૂર ઉડવા લાગ્યુ.પણ કૌશિકભાઈ ની જીદ સામે બધા લાચાર હતા.એમના રૂઢિચુસ્ત વિચારો તે કોઈ કાળે બદલવા માંગતા ન હતાં.
આ બાજુ રાજે પણ અંજલીના વિરહ માં કોલેજ જવાનું બંધ કરી દીધુ. દુખને ભુલવા તે પણ પિતા સાથે ફેકટરી જવા લાગ્યો. રમણભાઈ અને રંજનબેન પણ દુઃખી હતા પણ કૌશિકભાઈ ની જીદ સામે તે પણ કય કરી શકતા ન હતાં. વડીલોની જીદ અને સમાજના આકરા નિયમો થી બે પ્રેમી હૈયાઓ ઝુરી રહ્યા હતાં.
સમય જતાં ક્યાં વાર લાગે છે.
બસ અંજલીના લગ્ન ને હવે બે દિવસ રહ્યા.કેતનાબેન અંજલીને સમજાવે છે કે જીવનમાં બધુ આપણુ ધાર્યું નથી થતું.એમા પણ સ્ત્રીઓએ હંમેશા પોતાની ઈચ્છાને મારવી પડે છે.અંજલી પણ રડીને મા ને ગળે લાગે છે.આજ અંજલીના હાથમાં મેંહદી મુકાતી હતી.આજ અંજલી નું મન ક્યાંય લાગતુ ન હતું.ઘર માં સાજન માજન લાઈટોથી ડેકોરેશન, મહેમાનો ની ચહલ પહલ હતી. આજે કૌશિકભાઈ નાં ઘરે શરણાઈ વાગતી હતી.અંજલી ગોલ્ડન ચોલી માં દુલ્હન બનેલી ખુબ જ સુંદર લાગતી હતી જડાઉ ડાયમંડ હાર , માંગ ટીકો,હાથ મા મેચીગ ચુડલીઓ ખનકતી હતી.જાન પણ આવી ગઈ.સાથે મેચીગ ગોલ્ડન શેરવાની,રજવાડી સાફો,મોતીની માળા, ફ્રેન્ચ કટ દાઢી માં રોહન પણ રાજકુમાર લાગતો હતો.બધુ બહુ ટુકા સમય માં નકકી થયુ તેથી બંને ને બહુ વાતચીતનો સમય મલ્યો ન હતો.પણ અંજલી જેવી લાઈફ પાર્ટનર પામીને પોતે સુખી થશે એવુ લાગતુ હતું.બધા જ રીત રિવાજો પ્રમાણે અંજલી અને રોહન ના લગ્ન થયાં.
ખુબ જ ટુંકાગાળામાં સગાઈને પછી લગ્ન જાણે દુઃખદ સ્વપ્ન હોય તેવુ લાગતુ હતુ. રાજનાં પ્રેમને દિલનાં કોઈ ખુણામાં છુપાવીને અંજલીએ રોહન સાથે લગ્ન કરી લીધા. દુનિયામાં ખુબ ઓછા લોકો હોય છે જેને તેનો મનપસંદ પ્રેમ મળે છે. પ્રથમ પ્રેમ મળે છે. રાજ મારા નસીબમાં જ નથી એમ માની રોહનનો સ્વીકાર કરવા સિવાય અંજલી પાસે કોઈ વિકલ્પ ન હતો. લગ્ન કરી અંજલી અમદાવાદ રોહનનાં ઘરે આવી. બધી જ વિધિઓ પૂરી થઈ. અંજલીને તેના રૂમમાં લઇ ગયા રૂમ તો મઘમઘતા ફૂલોથી શણગારેલો હતો તે જોઈ અંજલી વિચારવા લાગી કે પોતાનાં દિલમાં રાજને બદલે રોહનને કેવી રીતે સ્થાન આપશે? થોડી વાર થઈ એટલે રોહન પણ આવ્યો. બંને એ ચેન્જ કર્યું. અંજલીને ઉદાસ જોઈ રોહનને લાગ્યું કે થાકી ગઈ હશે. એટલે રોહને અંજલીને કહ્યું "સમજી શકુ છું હું કે લગ્નની દોડધામમાં આપ થાકી ગયા હશો. ચિંતા ન કરો આપ આરામથી સુઈ જાઓ" રોહનનાં આ શબ્દો સાંભળી અંજલીને થોડી હાશ થઈ. બંનેની સુહાગરાત હતી પણ બંને અલગ અલગ સુઈ ગયા. બીજા દિવસે રોહને અંજલીને કહ્યું, " હું નથી જાણતો કે આપ ઉદાસ કેમ છો પણ આપ જ્યાં સુધી રાજી ન થાવ ત્યાં સુધી આપણે સારા મિત્રો બનીને રહીશુ". રોહનનાં આ શબ્દો સાંભળીને અંજલીને ઘણુ સારૂ લાગ્યું. રોહન ખુબ જ સાલસ સ્વભાવનો હતો. નવી જગ્યા, નવા લોકો સાથે અંજલી ધીમે-ધીમે એડજેસ્ટ થવા લાગી. અને રોહન સાથે પણ થોડી વાતો કરવા લાગી. બધુ બરાબર ચાલતું હતું ત્યાં રોહનનાં ઘરનાં એ રોહન અને અંજલીને સરપ્રાઈઝમાં સીમલા મનાલીની ટિકિટો આપી. રોહન અને અંજલી ઘરનાની વાતને ટાળી શકતા ન હતાં. બંને પોતાનું પેકિંગ કરી બાય પ્લેન સીમલા જવા રવાના થયા.
અહીં રાજ ખુબ જ ઉદાસ રહેતો હતો. પોતાની નજર સામે જ અંજલીનાં લગ્ન થયાં ને પોતે કશું કરી શકયો નહીં. એ વિચારીને તે વધુ ઉદાસ રહેવા લાગ્યો. હવે તે વડોદરામાં રહેવા માંગતો ન હતો. અહીં રહીને તે અંજલીને કયારેય ભુલી શકે તેમ ન હતો. તેથી ઓટોમિકેનીકનો કોર્ષ કરવા માટે તે અમેરિકા જવાનું વિચારે છે. રમણભાઈ અને રંજનબેન પણ તે જાય તેમા ખુશ છે. તે અહીં થી દૂર જશે તો જ અંજલીને ભૂલી શકશે. અને રાજ અમેરિકા જાય છે. અંજલીની યાદોને હંમેશા માટે વડોદરામાં જ છોડીને. દિલ મજબૂત કરી તે આ નિર્ણય લે છે. અમદાવાદ નાં સરદાર પટેલ એરપોર્ટ પર રોહન અને અંજલી દિલ્હી જવા માટે ફ્લાઈટ ની રાહ જુવે છે. જરૂરી વિધિ પતાવી ને તેઓ દિલ્હી પહોંચે છે. ત્યાં ફાઈવ સ્ટાર હોટલમાં રોહને પહેલે થી જ રૂમ બુક કરાવી દીધો હોય છે. અંજલીની ઈચ્છા જરા પણ ન હતી હનીમૂન પર જવાની પણ ઘરનાની ઈચ્છા ને માન આપીને તૈયાર થઈ. રોહન પણ અંજલીને માન આપતો હતો. અંજલી પણ હવે થોડી ખુલતી જતી હતી. રોહન સાથે થોડી વાતો કરતી હતી. દિલ્હી થી તેઓ સીમલા જવા નીકળ્યા. સીમલા નું વાતાવરણ જોઇને અંજલી તો પાગલ થઈ ગઈ. અત્યાર સુધી ગંભીર લાગતી અંજલી જાણે ચહેકવા લાગી. બિયાસ નદીના ખળખળ વહેતા પાણી, ચારે બાજુ બરફ થી ઢંકાયેલા પર્વતો, ઊંડી ઊંડી ખાઈ જાણે સ્વર્ગ માં આવી ગયા હોય. રોહને ત્યાં રિસોર્ટ બુક કરેલો હતો. સાંજે ફ્રેશ થઈ ને રોહન અને અંજલી હોર્સ રાઈડીગ માટે કુફરી જાય છે.ઘોડા પર ચડતાં અંજલી ડરતી હતી. તો રોહન તેને હાથ પકડીને ઘોડા પર ચડાવે છે. રોહનનો હાથ અંજલીના હાથ ને સ્પર્શ થતાં જ અંજલીના હદય નાં તાર ઝણઝણી ગયાં. કુફરી ની મજા માણી બંને સાંજે પોતાની રૂમ પર આવે છે. રાત્રે રોહન પોતાની રજાઈ અને પીલો લય સોફા પર સુવા જાય છે. આ જોઈ અંજલી પોતાની નજર નીચી ઢાળી દે છે. રોહન ખુબ શાંત અને સાલસ સ્વભાવ નો હતો. તેણે કયારેય બેડરૂમ માં પતિ તરીકેનો હક જમાવવાનો પ્રયત્ન નહતો કર્યો. હવે અંજલી પણ રોહન સાથે થોડી ભળી ગઈ.જાણે બે અજાણ્યા હૈયાઓ પાસે આવવા મથી રહ્યા હોય!
આજે સીમલા આવ્યા ને ત્રણ દિવસ થયા. બંનેએ સાથે મળીને ખુબ મજા કરી. હવે અહીં થી તેઓ મનાલી નીકળવાના હતાં. વાતાવરણની આહલાદકતા, ઠંડી ઠંડી હવા અને ધીમો ધીમો વરસાદ પણ ચાલુ થયો. મનાલીમાં રિસોર્ટ માં આવ્યા તો રાત થઈ ગઈ. બહાર કરા ઓનો વરસાદ ચાલુ હતો. રાતનું ડિનર લઈ ને રોહન બાલ્કની માં કોઈની સાથે વાત કરતો હતો. વધુ પડતી ઠંડી ને કારણે અંજલી ખુબ ધ્રૂજતી હતી. તેના મોં માથી પણ વરાળ નીકળતી હતી. રોહન રૂમ માં આવે છે ને અંજલીને આવી હાલત માં જોતા જ પુછે છે "અંજલી બરાબર તો છે ને "? અંજલી કશુ બોલતી નથી બહાર ઠંડી ખુબ છે. રોહન ના દિલ માં પ્રેમ નો અગ્નિ ભારોભાર બળે છે. અચાનક પવનનો સુસવાટો આવે છે ને બારી જોર થી પછડાઈ છે જોરથી અવાજ આવતાં ડરીને અંજલી રોહનને ભેટી પડે છે. અંજલી નાં મનમાં રોહન માટે જે માન હતું તે ધીરે-ધીરે પ્રેમ બનતો જતો હતો. રોહન ની ધીરજે અંજલીને બેબાકળી બનાવી દીધી પલવાર માં તો બંને એકબીજાના આલિંગનમાં સમાઈ ગયાં. જાણે બંધિયાર પાણી જવા માટે રસ્તો શોધતુ હોય. મનાલીની ઠંડી ને બે યુવાન હૈયાઓની ગરમી કયારે બંનેનાં મન અને તન મળી ગયા.
આકાશમાં સફેદ વાદળો દોડતા હતા. જમીન પર ચારેબાજુ ઉંચા પાઈન વૃક્ષોથી હરિયાળું મનાલીનું વાતાવરણ ઠંડુગાર હતું. સવાર થતાં જ દૂર સુધી વાતાવરણ ચોખ્ખું દેખાતું હતું. અંજલી આળસ મરડીને ઉઠી આજે અંજલીનાં ચહેરા પર રોહનનાં પ્યારની લાલીમા દેખાતી હતી. મનમાં ને મનમાં શરમાતી અંજલી ફ્રેશ થવા ગઈ. ત્યાંજ રોહનની આંખ ખુલી રાતની યાદગાર પળોને યાદ કરીને તે પણ શરમાઈ જાય છે . ત્યાં જ જીન્સ અને રેડ ટોપમાં અંજલી બહાર આવી. અંજલીને જોઈ રોહનની આંખો નીચી ઝુકી ગઈ. તેણે અંજલીને સોરી કહ્યું. પણ અંજલી તો દોડીને રોહનને ભેટી પડી. કેટલી વાર સુધી બંનેમાંથી કોઈ કશું બોલ્યા નહીં. એકબીજાને આલિંગનમાં લઈને ક્યાંય સુધી રાતની પ્રેમ ભરી યાદોને મમળાવતા રહ્યા. અચાનક દરવાજા પર નોક થતાં અંજલી દરવાજો ખોલવા જાય છે. અને રોહન તૈયાર થવા જાય છે. આજે રાત્રે અમદાવાદ જવા માટેની તેમની ફલાઈટ હતી. અંજલી પેકિંગ કરવા લાગે છે. અંજલીએ રાજની યાદોને દિલનાં કોઈ અલગ ખુણામાં સંઘરીને રાખી દીધી. રોહનની સાલસતા કયારે મિત્રતા અને ક્યારે આ હદ સુધી પહોંચી ગઈ તે સમજી શકી નહીં. આખરે સ્ત્રી એક વહેતી નદી છે તેને જે પાત્રમાં ઢાળો એમાં આકાર લે છે. અંજલી વિચારતી હતી કે હવે રોહન સાથે હવે નવા જીવનની શરૂઆત કરીશ. ઈશ્વર ને એજ મંજુર હશે. ત્યાં જ રોહન તૈયાર થઈને નીકળે છે. બ્લેક જીન્સ, પિંક શર્ટ, સ્ટાઇલિશ વોચ, ફ્રેન્ચકટ દાઢી અને મનને બહેકાવી દે તેવુ પરફયુમની સુગંધથી રૂમ મહેંકી ઉઠયો. આટલો ખુશ રોહનને અંજલીએ કયારેય જોયો ન હતો. અને બંને બ્રેકફાસ્ટ માટે જાય છે.
રોહને અંજલીને કયારેય કોઈપણ સવાલો કર્યા ન હતા. કે ન કોઈ જબરદસ્તી. બસ બંને કયારે એકબીજાની નજીક આવી ગયા કશી ખબર ન પડી. આજ બંને ખુશ હતા. વહેલી સવારમાં તેઓની ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર આવી. ઘરે આવી અંજલી અશોકભાઈ અને આશાબહેન ને પગે લાગી. અંજલીનાં ચહેરાની ચમક જોઈને આશાબહેન પણ ખુશ થયાં. હવે ધીમે-ધીમે અંજલી પોતાનો ભૂતકાળ ભૂલી ને રોહન અને પરિવાર સાથે સેટ થવા લાગી.
સીમલા ,મનાલી હનિમૂન મનાવીને રોહન અને અંજલી પાછા અમદાવાદ આવી ગયા. હવે રોહન જ પોતાનું જીવન છે એમ માની અંજલી જીવનમાં આગળ વધે છે. મુસાફરીનો થાક અને સીમલાની ઠંડી ને કારણે અંજલીની તબિયત ખરાબ થાય છે. અંજલીને ખુબ તાવ આવે છે. આશાબહેન અંજલી નું ઘણુ ધ્યાન રાખે છે. રોહન પણ રાત જાગીને અંજલીના માથા પર મીઠાનાં પાણીનાં પોતા મુકે છે. રોહન આટલી કાળજી રાખે છે. એ વિચારીને અંજલી મનમાં વિચારે છે કે મને રોહન જેવો જીવનસાથી મલ્યો એ મારૂ ભાગ્ય છે. આવો પ્રેમ કય બધાના નસીબમાં નથી હોતો ? એમ વિચારતી હોય છે ત્યાં જ રોહન આવે છે ને કહે "હેલો મેડમ, હું તો અહીં જ છું. તમે કોના વિચારો માં ખોવાઈ ગયા." આ સાંભળી બંને હસે છે. અંજલીના ચહેરા પર હાસ્ય જોઈને રોહન પણ ખુશ થાય છે. ત્યાં જ અંજલીના ફોન પર તેની મા કેતનાબહેનનો ફોન આવે છે. તબિયત પુછવા ને થોડા દિવસ વડોદરા રહેવા બોલાવે છે. રોહન પણ કહે થોડા દિવસો જય આવ.
સૂરજનું આગમન થયું હતું. પંખીઓનાં કલરવ થી આકાશ ગુંજી રહ્યું હતું. ઝાકળની બૂંદો નું પર્ણ સાથે મિલન થય રહ્યુ હતુ. અને રોહન અને અંજલી પોતાની કાર માં વડોદરા જવા નીકળે છે. કાર માં હળવું સંગીત વાગે છે.
"અજીબ દાસ્તાન હૈ યે, કહા શરૂ કહા ખતમ,
યે મંજીલે હૈ કૌન સી, ન તુમ સમજ શકો ન હમ"
બંને સંગીત નો આનંદ માણતા એકબીજાની નજરો થી પ્રેમ નો અહેસાસ કરતાં વડોદરા આવી પહોંચ્યા. લગ્ન પછી ત્રણ મહિના પછી અંજલી પિયર આવે છે.અંજલીના ઘરે કૌશિકભાઇ, કેતનાબહેન અને હેત અંજલી અને રોહન ના આગમનની તૈયારીઓ કરતાં હોય છે. ઘર માં આવતાં જ બંનેનું સ્વાગત કરે છે. અંજલીના ચહેરા પર પ્રેમ ની ચમક જોઈને કેતનાબહેન પણ મલકાણા કે દિકરી હવે તેના નવા ઘરે સેટ થઇ ગય છે. હેત પણ દોડતો આવીને દીદીને ગળે લાગે છે. નાના ભાઈ માટે અંજલી ઘણી ગિફટ લાવી હોય છે. પિતાને મળીને આજે રાજની યાદ આવી. મા બાપ હંમેશા પોતાનાં છોકરાઓનું ભલુ જ કરતાં હોય છે.પણ ક્યારેક રૂઢિગત પરંપરા ને કારણે કોઈ નાં દિલ પણ દુભાય છે. રોહન કૌશિકભાઈ અને કેતનાબહેનને પગે લાગે છે. અને અંજલીને થોડા દિવસો અહીં મુકીને સાંજે અમદાવાદ રવાના થાય છે.
અંજલી પોતાનાં પિયર આવીને ખુશ લાગતી હતી. ઘણા સમયે મા, હેત અને એની જાનથી પણ પ્યારી સખી નીયા મળી હતી. નીયા સાથે મળીને અંજલીએ રોહન વિષે ઘણી વાતો કરી. અંજલીને ખુશ જોઈ નીયા પણ વિચારવા લાગી સારૂં થયું રાજને ભૂલીને અંજલી તેના નવા જીવનમાં સેટ થઇ ગઈ.અંજલી નીયાને રાજ વિષે પુછે છે તો નીયા કહે છે કે રાજ અમેરિકા ગયો છે. આ સાંભળી અંજલી ઉદાસ થઈ. ત્યાં જ નીયા કહે ચાલ વડોદરાનો ફેમસ તને ભાવતો લીલો ચેવડો ખાવા જઈએ. અને સાથે તીખી તમતમતી જગદીશની ભાખરવડી પણ. બંને સખીઓ ઘણા સમયે મળીને આનંદ કરતાં જોઈ કેતનાબહેન પણ ખુશ થયાં. વડોદરા આવ્યા ને અંજલીને ત્રણ દિવસ થયાં.બંને સખીઓ રોજ શોપિંગ કરતી અને મજા કરતી. નીયા અંજલીને રોજ રોહન વિષે ટિખળ કરતી ને હેરાન કરતી. આ બાજુ રોહન અમદાવાદ પહોંચી જાય છે. આજે અંજલી વગર બેડરૂમમાં સૂનુ લાગે છે. રોહન એ મનાલીની વરસાદી રાતને યાદ કરીને મનમાં જ હસે છે. ને અંજલીને ફોન કરે છે. સામે અંજલી પણ કંઈ બોલતી નથી. પણ બન્ને વચ્ચેના મૌનમાં પણ કંઈક કહેવાતું હતું. એ બન્ને જાણી જાય છે. બંને થોડી વાત કરે છે ને ફોન મુકે છે. અંજલીને યાદ કરતા કરતા રોહનને કયારે ઊંઘ આવી ગઈ ખબર ન પડી. સવારમાં વહેલી સવારે ઉઠીને રોહનને રાજકોટ એક મિટિંગમાં જવાનું હોય છે.
આજ સવારથી અંજલી ખુશ હતી. સાંજે આજે અંજલી અને હેતની ફેવરેટ પાણીપુરી બનાવી હતી. બધા ખાઈને આરામથી સુતાં. અને મધરાત થઈને કૌશિકભાઈનાં મોબાઇલમાં રીંગ આવે છે. કૌશિકભાઈ ફોન લે છે. જોયું તો ફોન અશોકભાઈનો હતો. કૌશિકભાઈ વિચારમાં પડી ગયાં. આટલી રાતે અશોકભાઈ શા માટે ફોન કરે? શું થયુ હશે?
મધરાતે અચાનક અશોકભાઈનો ફોન આવતાં કૌશિકભાઈને ક્યાંક અમંગળ બન્યું એવા એંધાણ થયા. તે હેલો કહે છે તો સામેથી અશોકભાઈ બોલે છે કે રોહનનો એક્સીડન્ટ થયુ છે. આપ સૌ જલ્દી અમદાવાદ આવો. બસ ફોન કટ થઈ જાય છે. અચાનક આ સાંભળીને કૌશિકભાઈ વિચારમાં પડી ગયા. ત્યાંજ લાઈટ થાય છે ને કેતનાબેન આવે છે. કૌશિકભાઈએ બધી વાત કરી હવે બંને મુંઝાણા કે અંજલીને આ વાત કેવી રીતે કરશુ? હજુ તો લગ્નને થોડો જ સમય થયો છે. દીકરીનાં ચહેરા પર ખુશી જોઈ ત્યાં આ વળી કેવુ સંકટ? અંજલીને ઉઠાડીને એટલુ જ કીધું કે આપણે અમદાવાદ જવું છે. હેતને પડોશમાં મુકી કૌશિકભાઈ, કેતનાબેન અને અંજલી અમદાવાદ જવા નીકળે છે.અંજલી તો સાવ સુનમુન થઈ ગઈ કે આ શું? આમ ઓચિંતા શું થયું? ત્યારે કેતનાબેન રોહનનાં એક્સીડન્ટ વિષે કહે છે. આ સાંભળી,અંજલી પોતાની જાતને માંડ સંભાળી હજુ તો રાજની યાદોને ભૂલીને રોહનનાં પ્રેમ પામ્યો ત્યાં આ કેવી પરીક્ષા? હોસ્પીટલમાં પહોંચ્યા તો જાણ થઇ કે રોહન હવે નથી રહ્યો. એક્સીડન્ટમાં માથાનાં ભાગમાં બહુ વાગી ગયુ હતું. અંજલી તો આ સાંભળી બેભાન થઈ ગઈ. કેતનાબેને સંભાળી દીકરીનાં જીવનમાં આવી પડેલી આ મુસીબતને કેમ કરી ઉગારશે એ ચિંતામાં કેતનાબેન પણ ઢીલા પડી ગયા. અંજલીનાં જીવનમાં સૂર્યનું અજવાળુ આવતાં પહેલાં જ અંધકાર છવાઈ ગયો. અંજલી કશુ ખાતી પીતી નથી બસ રોહનનો ફોટો લઈ સુનમુન બેસી રહેતી. આશાબેન પણ દિલ પર પથ્થર રાખીને અંજલીને દિલાસો આપતા આખરે એ પણ એક મા છે. હજુ તો નવા જીવનની શરૂઆત કરી સુખની અનુભૂતિ પણ માણી ન શકી ત્યાં આ કાળની કેવી થાપટ ? જીવનની ઢળતી ઉંમરે આમ કુળનો દિપક બુઝાય જાય તો ક્યાં મા બાપ પોતાની જાતને સંભાળે!! પણ પરિસ્થિતિનો સ્વીકાર કરવા સિવાય કોઈ ઉપાય ન હતો. રોહનની વિધિમાં કૌશિકભાઈ અને કેતનાબેન આવે છે. અને અંજલીને થોડા દિવસ પોતાની સાથે લઈ જવા અશોકભાઈ પાસે પરવાનગી માંગે છે. રોહનની બારમાની વિધિ પુરી થઈ. અંજલી હજુ પણ ગુમસુમ હતી. જાણે એક હાલતી ચાલતી લાશ જોઈ લો. તેને ન ખાવાના હોશ કે ન બોલવાનાં હોશ. અંજલી હજુ તો માંડ રાજની યાદોમાંથી બહાર આવીને રોહનને પતિ તરીકે સ્વીકાર કર્યો હતો. ત્યાંજ આ ખુશી અંજલીનાં જીવનમાં જાજી ન ટકી. અંજલીની આવી હાલત જોઈ કેતનાબેન તેને પોતાની સાથે વડોદરા લઈ જાય છે. બીજી બાજુ અશોકભાઈ અને આશાબેન પણ ખુબ ઉદાસ હતા. જીવનમાં ઘણી મુશ્કેલી વેઠી હતી પણ આમ જુવાન જોધ દિકરો કે જેના લગ્ન હજુ હમણાં જ થયા એ દિકરો આમ છોડીને જાય તો તે મા બાપ પર શું વિતે એતો એજ જાણે?
આશાબેનની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહતા લેતા.પોતાનો લાડકો એકનો એક દિકરો આમ ચાલ્યો જાય તો ક્યાં મા બાપ ખુશ હોય!? પણ આવી પડેલી પરિસ્થિતિનો સ્વીકાર કર્યા સિવાય છુટકો ન હતો.
અંજલી વડોદરા આવે છે. અહીં નીયા એને રોજ મળવા આવે છે. તેથી તેના મનને થોડું સારૂં લાગે છે. આજે કેતના બેનનાં કહેવાથી નીયા અંજલી મંદિરે જાય છે.સવારનો સમય હતો તો ટ્રાફિક ઘણો હતો. દર્શન કરીને પાછા ફરતાં નીયાથી તેની જયુપીટર એક કાર સાથે પાછળથી ટકરાય છે. તે અચાનક બ્રેક મારે છે. નીયા ડરી જાય છે. ત્યાંજ કારનો દરવાજો ખોલીને કોઈ બહાર આવે છે. જેને જોઈને અંજલીની આંખો પહોળી થઈ જાય છે.અને સામે કારમાંથી નીકળેલ વ્યક્તિ પણ આમ અંજલીને સાદા કપડા અને મુરજાયેલો ચહેરો જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. બંને વાતો કરવા ચાહે છે પણ ટ્રાફિક જામ થતાં કાર આગળ કાઢવી પડે છે. અને અંજલી અને નીયા આગળ નીકળી જાય છે. અંજલી અને નીયા તેની જયુપીટરમાં ઘરે આવતાં હોય છે, ત્યાં તેની ટક્કર એક કાર સાથે થાય છે. અને એ કારમાંથી જે વ્યક્તિ બહાર આવે તેને જોઈને અંજલી આશ્વર્ય પામે છે. તે બીજું કોઈ નહીં પણ રાજ હતો. રાજ જાણતો હતો કે અંજલીનાં લગ્ન થયાં છે. પણ આમ સાદા ડ્રેસમાં ઉદાસ અંજલીને જોતા રાજ ઘડીભર વિચારવા લાગ્યો. પણ કારણવશ બંને વચ્ચે કોઇપણ વાતચીત ન થઈ.
અંજલી ઘરે આવે છે. ઉદાસ અંજલીને જોઈ કૌશિકભાઈ પણ વિચારે છે કે, "શું મારો નિર્ણય ખોટો હતો? મારી દીકરીનાં આ દુઃખ માટે શું હું જવાબદાર છું?" દીકરીનાં આ દુઃખથી પાષાણ હૃદયવાળા કૌશિકભાઈ પણ આજ ઢીલા પડી ગયા. દીકરીનાં આ દુઃખ માટે તે પોતાને જવાબદાર માનતા હતા. પોતાની વહાલસોયી, થનગનતી દીકરી સાવ જડ બની ગઈ હતી. તેના જીવનમાં વસંત આવતા પહેલા જ પાનખર આવી ગઈ હતી.
આ બાજુ આમ અચાનક અંજલીને જોતા રાજનાં મનમાં અનેક સવાલો થાય છે. પણ તેની પાસે એનો કોઈ જવાબ નથી. તે અમીતની મદદથી નીયા સાથે ફોન પર વાત કરીને કાલે સવારે અંજલીને મંદિર પર મળવા માટે કહે છે. બીજા દિવસે નીયા અંજલીની સાથે મંદિરે જાય છે. અંજલી આ પ્લાન વિષે કઇ જ જાણતી ન હતી. મંદિરમાં દર્શન કરીને આમ અચાનક રાજને સામે જોતા અંજલીને કશાનું ભાન રહેતું નથી. બસ તે દોડીને રાજને ભેટે છે. સ્થાન, સ્થળ કે પોતે હવે એક વિધવા છે એ બધું જ ભુલીને રાજને ભેટી અંજલી ખુબ રડે છે. જાણે કેટલાય ઈંતજાર પછી વાદળોમાંથી વરસાદ વરસે તેમ અંજલી આટલા વખતે મનભરીને આંસુ સારતી હતી. રાજ અંજલીને છાની રાખી બેસાડે છે. અંજલી હવે થોડી સ્વસ્થ થઈ. તે તેના અને રોહનની વાતો અને જે કંઈ બન્યું એ બધું રાજને કહે છે. આજ ઘણા સમયે અંજલીનું ભીતરનું દર્દ ખાલી થયુ હતું. અંદરથી એક હાંશકારો થયો હતો. અંજલી સાથે જે કંઈ થયુ એ જાણી રાજ ઘણો ઉદાસ થઈ ગયો. રમણભાઈની તબિયત અચાનક ખરાબ થતાં રાજ તાત્કાલિક અમેરિકાથી પાછો આવ્યો હતો. હવે અહીં જ પિતાનો વ્યવસાય સંભાળશે. અંજલી અને નીયા હવે ઘરે જાય છે. આજ અંજલી થોડી સ્વસ્થ દેખાતી હતી. હ્રદયની અંદર ભરેલી વેદનાને તેણે રાજ સામે ઠાલવીને હળવી બની હતી.
અંજલી રાજને આમ અચાનક મંદિરમાં મળે છે. અત્યાર સુધી દિલ માં જે વેદના બાંધીને રાખી હતી તે બધી જ મનની પીડાને અંજલી રાજ પાસે ઠાલવે છે. આજ અંજલી નું મન થોડુ હલકુ લાગતુ હતું. બીજી બાજુ નીયાની પણ સગાઈ નક્કી થાય છે. તેથી નીયા પોતાની સગાઈ ની ખરીદીમાં વ્યસ્ત રહે છે. હવે અંજલી એકલી જ મંદિરે રાજને મળવા જાય છે. આમ રાજ અને અંજલી રોજ મંદિરે મળતા હતાં. અને એકબીજાની વ્યથા ઠાલવીને હલકા થતાં. આજે અચાનક અમદાવાદ થી આશાબેનનો ફોન આવે છે. અને તેઓ અંજલીને ક્હે "દીકરી તારા વિના ઘર સુનુ લાગે છે. હવે તુજ અમારો આધાર છે.તુ અહીં આવી જા." આ સાંભળી અંજલી વળી ઉદાસ બને છે. અને વિચારે છે કે ઈશ્વરને મારી સાથે શું દુશ્મની છે કે "ડુબતાને તણખલુ મળે" તેમ માંડ અંજલીના જીવન માં રાજ એક આશાની કિરણ બનીને આવ્યો હતો. રાજ સાથે મળીને અંજલી હવે ખુશ રહેવા લાગી હતી. કૌશિકભાઈ અને કેતનાબેનને પણ રાહત થઇ કે અંજલી હવે ધીમે-ધીમે પોતાનું દુઃખ ભુલીને ખુશ રહે છે. પણ એ લોકો નહતા જાણતા કે અંજલી અને રાજ મળે છે. હવે અંજલી અમદાવાદ જશે તો અંજલી વળી પાછી રાજ થી જુદી પડશે. એ વાત થી અંજલીનુ દિલ ઉદાસ થઈ ગયુ.
આજે સવારે અંજલી રાજને મળવા મંદિરે જાય છે ને કહે છે કે હવે મારે અમદાવાદ જવુ પડશે. આ સાંભળી વળી વિરહ ની વેદનાના સણકા રાજ પણ અનુભવે છે. તો રાજ અંતે હિંમત કરીને અંજલીને કહે " જો તને યોગ્ય લાગે તો અને તારા માતા પિતા રાજી હોયતો હું તને અપનાવવા તૈયાર છું" આ સાંભળી અંજલી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડે છે . અને રાજની બાહો માં સમાઈ જાય છે. રાજ કહે " ઈશ્વર પણ કદાચ આપણને મળાવવા માટે જ આ બધુ કર્યું હશે " બસ માર્ગ થોડો કપરો રહ્યો.
સાંજે અશોકભાઈ અને આશાબેન અંજલીને લેવા માટે આવે છે. જુવાનજોધ દિકરાને ખોઈને બંનેની હાલત ખરાબ હતી પણ મન મજબૂત કરી અશોકભાઈ કૌશિકભાઈ ને કહે કે " જો અંજલીની ઉંમર ઘણી નાની છે. જો અંજલી ઈચ્છે તો અને કોઈ સારૂ પાત્ર હોય તો અંજલીનુ ઘર ફરી થી વસાવો." આ સાંભળી કૌશિકભાઈ નું દિલ અંદર થી દુભાય છે. અને રાજને યાદ કરે છે. પણ શું ? હવે રાજ અંજલી સાથે લગ્ન કરવા રાજી થશે ? આવા વિચારો માં હતાં કે અચાનક પાછા અશોકભાઈ ની વાત સાંભળી ને કહે સાંચી વાત આમ નાની ઉંમર માં અંજલીનુ જીવન બરબાદ ન થવા દેવાય. અંજલી તેના સાસુ સસરા સાથે અમદાવાદ જાય છે. અંજલી કેતનાબેનને ભેટી ખુબ રડે છે.
અંજલી અમદાવાદ આવે છે. વળી ઉદાસી અંજલીને ઘેરી વળે છે. અહીં તેને રોહનની યાદ આવે છે. ઘણો ઓછો સમય રહી રોહન સાથે પણ તેની સાદગી અને પ્રેમે અંજલીનું દિલ જીતી લીધુ. રોહન સાથે મનાલીમાં મનાવેલી પ્રેમની એક એક પળને યાદ કરીને તે વધુ ઉદાસ થાય છે. કોણ જાણે ઈશ્વરને અંજલીની ખુશી મંજુર નહતી. રાજને દુર કરી રોહન સાથે ખુશી જોડી તો ઈશ્વરે રોહનને તેનાથી દુર કરી દીધો. શું તેના નસીબમાં રાજ છે ? એ વિચારે છે ત્યાં જ તેના ફોનમાં રીંગ વાગે છે. નીયાનો ફોન છે. નીયાની સગાઈ નક્કી થાય છે. માટે તે અંજલીને બોલાવે છે. નીયા સાથે વાતો કરીને અંજલીની ઉદાસી થોડી દુર થાય છે. અંજલી સગાઈમાં જવા માટે આશાબેનને વાત કરે છે. તો આશાબેન રજા આપે છે. અને અંજલી અમદાવાદ જાય છે.
આજ અંજલી સવારથી ખુશ હતી. વડોદરા નીયાની સગાઈમાં જાય છે એ માટે કે પછી મા અને પિતાને ,હેતને મળાશે એ માટે, કે પછી તેનુ દિલ રાજને મળવા ચાહે છે એ માટે.!! તે અંજલી ખુદ નક્કી કરી શકતી નથી. વડોદરા પહોંચીને અંજલી નીયાનાં ઘરે જાય છે.નીયાની સગાઈ ત્યાં વડોદરામાંજ થાય છે. નૈતિક સાથે નૈતિક ખુબ સારો છોકરો હતો. સગાઈનાં આનંદમાં અંજલીનાં ચહેરા પર કંઈક અલગ જ ખુશી હતી. સગાઈમાં અમીત અને રાજ પણ આવે છે. રાજ અંજલીને પુછે છે, "અંજલી તે હવે આગળ શું વિચાર કર્યો કે પછી જીંદગી આમ જ વિતાવવી છે?" આ સાંભળી અંજલીને થોડી હિંમત આવે છે. અને વિચારે છે કે એક વાર ચુપ રહીને મેં પોતેજ મારૂં જીવન બરબાદ કર્યું. સગાઈમાં બધાએ ખુબ આનંદ કર્યો. હવે રાજ અંજલીને ઘરે મુકવા જાય છે. ઘરથી થોડે દુર હોવા છતાં કેતનાબેન અંજલીને રાજ સાથે જુવે છે. રાત્રે બધા બેઠા હોય છે તો અંજલી હિંમત કરીને રાજ વિશે કેતનાબેનને કહે છે. ત્યાંજ કૌશિકભાઈ પણ આ વાત સાંભળીને આંસુ સારતા બોલે છે કે ભૂલ મારી જ છે મેં મારી જીદને કારણે તારૂ જીવન બરબાદ કર્યું. પણ ઈશ્વરને હવે આજ મંજુર છે. હું અશોકભાઈ સાથે આ બાબતે વાત કરીશ. પિતાની વાત સાંભળીને અંજલીનાં ચહેરા પર ખુશીની લહેરખી આવી ગઈ.
જીવનમાં કોના નસીબમાં ખુશી અને દુઃખ છે એ બધી કિસ્મતની વાત છે. પણ અંજલીનાં જીવનમાં હવે દુઃખનાં દિવસો દૂર થશે એ ચોક્કસ છે. કૌશિકભાઈ અશોકભાઈને ફોન કરીને અંજલીનાં લગ્ન વિષે વાત કરે છે અને છોકરો પણ સારો છે.અને અંજલી સાથે લગ્ન કરવાં તે તૈયાર છે. અશોકભાઈ પણ રાજી હતા. તે પોતાની નજર સામે ફૂલ જેવી અંજલીને આમ મુરઝાયેલી જોવા નહોતા માંગતા. હજુ તેનું ઘણું જીવન બાકી છે. હમસફર વગરનું જીવન શું કામનું ? પૂરી જીંદગી કંઈ એકલા ન નીકળે અને એ બંને પણ કેટલો સમય?
જીવન માં કયારે શું થાય છે તે કોઈને ખબર નથી . એક સમયે રાજ અંજલી માટે કૌશિકભાઈને મળવા આવ્યો હતો પણ નાત જાતનાં ભેદને કારણે રાજ અને અંજલીનાં પ્રેમને નજર અંદાજ કરીને કૌશિકભાઈએ અંજલીનાં લગ્ન રોહન સાથે કર્યા. પણ અંજલીનાં કિસ્મતમાં રોહનનો પ્રેમ
હતો જ નહીં એમ વિચારી કૌશિકભાઈ રાજનાં ઘરે મળવા જાય છે. રાજનાં પિતા રમણભાઈને વાત કરે છે. અને રાજે પણ તેના માતા-પિતાને કહી દીધું કે લગ્ન કરીશ તો અંજલી સાથે નહીં તો આજીવન કુંવારો રહીશ. કોણ મા બાપ પોતાના છોકરાને આવી રીતે દુઃખી થતા જોઈ અને તેઓ રાજ અને અંજલીનાં લગ્ન માટે માની જાય છે. બંનેના લગ્ન સાદાઈથી મંદિરમાં કરવા રાજી થયાં. કૌશિકભાઈ ફોન કરીને અશોકભાઈને અંજલી અને રાજ વિષે કહે છે. અંજલી બંનેની વાતચીત સાંભળે છે. તેના ચહેરા પર એક અલગ જ લાલીમા આવી જાય છે. તેને હવે રાજ સાથે વિતાવેલી પળો યાદ આવે છે. અને અચાનક જ રોહનની તસવીર સામે જોતા જ તેની આંખો આંસુઓથી ભરાઈ જાય છે. ત્યાંજ આશાબેન રૂમમાં આવે છે. અને અંજલીને રડતાં જોઈ તેના માથા પર હાથ રાખતા કહે છે, " દીકરી રોહન હવે આ દુનિયામાં નથી. પણ તારે મનને કઠણ કરીને ફેંસલો લેવો પડશે." અંજલી આશાબેનને ગળે મળીને ખુબ રડે છે. અંજલી કહે," હું જઈશ પછી તમે એકલા થઇ જશો." પણ આશાબેન અંજલીને આશિર્વાદ આપી કહે "રોહનની યાદનાં સહારે અમો જીવન જીવી લેશુ "
આજે વહેલી સવારે અશોકભાઈ, આશાબેન અને અંજલી કારથી વડોદરા જવા નીકળે છે. અંજલીનું કન્યાદાન પણ તેઓ જ કરવાનાં હતાં. કોણ કહે કે સ્ત્રી સ્ત્રીની દુશ્મન છે. અશોકભાઈ અને આશાબેન જેવા લોકો પણ આ દુનિયામાં છે કે જે કોઈપણ સ્વાર્થ વગર પોતાની વહુને દીકરી બનાવી વિદાય કરે છે. દુનિયામાં માનવતા મરી પરવારી નથી. સ્ત્રીનાં હ્દયમાં પણ લાગણીઓને કોમળ ભાવનાઓ વહે છે બસ એને જોવાની દ્રષ્ટિ જોઈએ.
પાનખર જાય ને વૃક્ષો પર જેમ નવા કુંપળો ફૂટી નીકળે છે તેમ અંજલીનાં જીવનમાં પણ હવે ઉદાસીનાં વાદળો દુર થઇ રહ્યા હતાં. વસંતનાં આગમનથી મહેકેલા બાગની જેવી સુંદરતા હોય છે. તેવી જ રીતે રાજનું પોતાનાં જીવનમાં આગમન થતાં અંજલીનો ચહેરો પણ ગુલાબનાં ફૂલની જેમ મહેંકી ગયો હતો. હવે રોહનની યાદોને ભુલીને રાજ સાથે જીવનભર કોલ નીભાવવા જઈ રહી હતી.
અંજલી જે દિવસની રાહ જોઈ રહી હતી તે દિવસ આજે આવી ગયો ખુબ જ સાદા લાલ ચણિયાચોળી, ચોટલામાં ટગરીની વેણી અને કપાળ પર ચાંદલો કરતાં આજ અંજલીનાં હાથ ધ્રુજી રહ્યા હતાં. નીયા પણ એની સાથે જ હતી. અંજલીનાં ચહેરાની ઉદાસી જોઇને નીયા સમજી જાય છે કે તે રોહનને યાદ કરે છે. ત્યારે નીયા કહે, "અંજલી આજ તારા ચહેરા પર સ્માઇલ રાખ કેટલીક વાતો આપણે ભગવાન પર છોડી દેવી જોઈએ.તારા જીવનમાં જે થયુ તેને ભૂલીને આગળ વધ. રાજને દિલથી અપનાવી લે રાજ હજુ પણ એવો જ પ્રેમ કરે છે. તું નસીબદાર છે કે તને રાજ જેવો પતિ મળ્યો. " આ સાંભળી અંજલી નીયાને ભેટી ખુબ રડે છે. આજે વાતાવરણ ખુશનુમા હતું. સૂરજનાં આગમનથી આકાશમાં અજવાસ આવી ગયો. જેવી રીતે અંજલીનાં જીવનમાં રાજ આવ્યો. રાધાક્રિશ્ન મંદિરમાં કૌશિકભાઈ, કેતનાબેન, નીયા અને અંજલી પહોંચી જાય છે. અશોકભાઈ અને આશાબહેન પણ અંજલીનું કન્યાદાન દેવાના હતાં. થોડીવારમાં જ ક્રીમ શેરવાનીમાં રાજ, તેના માતા-પિતા અને સાથે અમીત પણ આવે છે.મંગળ ચોઘડીયામાં ખુબ જ અંગત સગાઓની હાજરીમાં અંજલી અને રાજનાં લગ્ન મંદિરમાં થાય છે.બંને બધા જ વડીલોનાં આશીર્વાદ લે છે. રાજ અને અંજલીનાં પવિત્ર પ્રેમ આગળ ભગવાનને પણ ઝુકવું પડ્યું.બંનેનાં લગ્નથી બધા ખુશ હતા.
કિસ્મતથી મળેલા રાજ અને અંજલી પોતાનું જીવન ખુબ સરસ રીતે જીવે છે. રાજનો પ્રેમ પામીને અંજલી પણ ખુશ થાય છે. બંને થોડા થોડા સમયે અમદાવાદ અશોકભાઈ અને આશાબેનને પણ મળવા જાય છે. (એ બંને પણ ખુશ છે કે એમને રોહન જેવો જ રાજ નામે દિકરો મળ્યો.)
બધા જ ખુશી ખુશી પોતાનું જીવન જીવે છે.
સમાપ્ત

0 ટિપ્પણીઓ