વટે વરસડું વેતરાઈ ગયું

વટે વરસડું વેતરાઈ ગયું



ધેડ કાંધીનું વરસડું વટે વેતરાઈ ગ્યું, આહીરાણીયું કાળકા ભઈ, નોંકે વઢાઈ ગ્યું,


સૌરાષ્ટ્રની સોનલ વરણી ધરતી માથે બાજીરાવ ગાયકવાડ અને એનો સેનાની સમરખાન સૌરાષ્ટ્રના ગામડાં ખૂંદે છે. ને ચોથ ઉઘરાવે છે. જોર તલબીથી ખેડૂતોને ડાળો દઈ પરાણે લાગો ઉઘરાવતા ગામડે ગામડાં ધમરોળે છે. જે કોઈ ગામ ચોથ લાગો આપવાની ના પાડે છે. તેની સાથે યુધ્ધ કરી પરાણે પડાવે છે. કાઠિયાવાડના નાના નાના રજવાડાઓને દમદાટી દઈ ખંડણીયું લે છે. નાના રજવાડા બાપાજી રાવ ગાયકવાડની હાકે ગભરાય છે ને ખંડણી ભરવાનું કબૂલે છે.
આવી ખંડણી એટલે પ્રજા માથેનો બોજ, રાજાઓ પ્રજા માથે કરબોજ ઝીંકીને કમર તોડે છે. ને ખેડૂ બાપડા ઉપજનો ચોથો ભાગ ચોથ તરીકે ભરેછે. ખેડૂની કાળી મજૂરી પર ગીધડાના ટોળાની જેમ બાપાજીરાવ ગાયકવાડના માણસો ઝપટું મારે છે, ને પ્રજાનું પરાણે પડાવી લે છે.
આજથી ત્રણસોક વરસ પૂર્વેનો કાળ. એ કાળમાં કુદરત રૂઠે ને દુકાળ પડે તોય રાજાઓના કર પ્રજાએ ભરે છૂટકો, નહિતો રજવાડા જમીન આંચકી લેય ને કેદમાં પૂરી રંજાડે. રાજાઓના કર હારે બાપાજી રાવ ગાયકવાડનો કડપ ભારે એટલે પ્રજા બમણા કર બોજથી ભાંગી પડતી પણ શું કરે ? બીજો કોઈ ઉપાય નહોતો.
માણાવદરનો દરબાર પણ બાપાજીરાવ ગાયકવાડની હાકે ફડકે જાતો એનું રાજ નાનું.... બળ ઓછું, એટલે બાપાજીરાવની જોરતલબી હામે રાડ્યું પાડતો એટલે એ પણ ગાયકવાડ સાથે ભળીને પ્રજાને કમરતોડ કરબોજમાં ધકેલી દેતો.
આવા આ અંધાધુંધીના જમાનામાં બળિયાના બે નહિ, બાર ભાગ, ને શાહુકારથી છીંકુય ખવાતી નહિ. મારે તેની તલવાર ને તલવારની અણીએ બળુકા જણ સગુણા માનવીઓને રંજાડતા ને બળ વાપરી લૂંટી લેતા. આવો એ કપરો કાળ હતો.
ધાડપાડુ લૂંટારા તો એક દિ' ગામમાં લૂંટ કરીને હાલ્યા જતા પણ લાગો ઉઘરાવવા વાળા લૂંટારા તો દર વરસે કર ઉઘરાવી લેતા. લૂંટારા કરતા આ લાગા લૂંટારા ભયંકર હતા ! પણ... પ્રજાનો કોઈ છૂટકારો નહોતો લાગા ભરવા જ પડતા. 

*****

ત્રણસોક વરસ મોર્યના સમયે. સૌરાષ્ટ્રના ધેડ કાંધી પાસે આવેલા હાંડા રોંખા ઓપતા આભના ચાંદલિયા જેવા ઉજળા, સુખી અને સમૃધ્ધ આહીરોનું વરસડા ગામ છે. કાળી મલીરમાં ચંદરમાના ચોથિયા જેવા ગોરાં ગોરાં મુખને ઢાંકતી રૂપાળી ઢેલડીયું રોંખી આહીરાણીઓના ઉજળા દેહ વરસડાની હરીભરી સમૃધ્ધિ લેખાતી. દૂધ દહીંથી ઘડાયેલ આહીરાણીઓના દેહ માથે જાજરમાન તેજ પ્રભાપ્રસરતી હતી. હાડેતી બાઈઓની છાતીમાં જોમ અને હિંમત ભર્યા હતા. એમના થાને લે બબ્બે બાળકો વળગીને ચસ...ચસ... ધાવતા હોય તોય એ અમૃતકુંભ થાને લાના અમી ખૂટતાં નહોતા એવી એમની જાજવલ્યમાન પ્રકૃતિ અને તંદુરસ્તી હતી. આવી બાઈઓના પેટ પણ બહોળા હતા. બાળકને ધવડાવતા એ કહેતીય ખરી કે’’
“મારા પેટ, મારા લાલ, મારા દૂધના મૂલ જાળવજે બાપ... આતો તકરારી જમાનો છે. તલવાર તાણતા પાછો નો પડતો બાપ, ને વરસડાનો વીર થાજે. મારા ધાવણ ઉજળા કરજે મારા વહાલા !''
આમ ધાવણમાંથી જ વીરત્વના અમી પીવાડતી આહીરાણીઓ પોતાના બાળકને મોટો થતો જોઈ આનંદ અનુભવતી અને અચ્છા તલવાર બાજીના જાણકારને સોંપી દેતી બાળક તલવાર બાજીમાં પક્કો થઈ જતો.
તેથી તો પાંચ હાથની પૂરી કાયાવાળા કસાયેલા પુરુષોના બાવડામાં બળ ને હૈયામાં હાથીની હામ અને ઘરકાટી દેતા ગર્યના સિંહની ખુમારી તરવરતાં હતા.
વરસડા ગામ વસ્યાને ઘણાંક વરસો વીતી ગયા છતાં હજુ કોઈ રાજવીએ, ગાયકવાડે કે કોઈ મુસલમાન દરબારે ક્યારેય, કેદીયેય કર લાગો ઉઘરાવ્યો નહોતો. ગામના જણે જણને કોઈની ઓશિયાળ નહોતી... ઓશિયાળ હતી એક મેઘરાજની, મેઘરાજ એ એમનો રાજા હતો. એ વરસીને ધાનના ઢગલાં આપતો હતો. બદલામાં કશોય કર લેતો નહોતો. તેમ છતાં પ્રેમ અને ભક્તિથી, સ્નેહભરી શ્રધ્ધાથી દર વરસે ધડ અષાઢી પંચમીને દિ' અગતો પાળી ઘરારુ ઘી થી લચપચતા લાડુનું નૈવેધ ધરાવી મેધને રાજી રાખવાનો આનંદ લોક માણતા હતા. વગર માંગે એ મેઘરાજને લાડુનો લાગો ભરતા હતા. આજ દિ' લગણ ક્યારેય એમણે કોઈ માનવીને લાગો ભર્યો નહોતો. આખુ ગામ ખુમારીથી સ્વતંત્રતાથી જીવતું હતું. કોઈ રાજાએ ક્યારેય કર ઉધરાવ્યો નહોતો અને વરસડા ગામે ક્યારેય કર ભર્યો નહોતો

ઘડ અષાઢી પંચમી, હોય ગાજ ને વીજ, 
ધડૂકતો આવે મેવલી, લાવો બળદ ને બીજ, 

એ એમનો જીવન મંત્ર હતો.

અષાઢી પાંચમને દિ' ગગન ગાજે ને વીજળી સબૂકા મારે તો હડ્ડતો ગડૂંડતો ને ગાજતો મેઘ વરસ્યા વગર ન રહે એટલે નાણું ખરચીને પણ બળદ અને બીજ લાવી બળદથી ધરતી ધરબીને બીજ વાવી દેતા ને ઢગલે ધાન પાકતાં, અને આખુય વરહ ધરાઈને ખાતા. આ સિવાય એમને બીજી કોઈ અબળખા નહોતી. એવું એમનું સુખી, સંતોષી જીવન વહે જતું હતું. આખું વરસડા ગામ સમૃધ્ધિથી છલકાતું હતું.
આવા સુખની સમૃધ્ધિથી ભરેલા વરસડા ગામના ચોકમાં એક દિ’ કાળી ચૌદશનું નાગદેવનું રાવણું બેઠું.
નાગદેવતા તો ક્ષેત્રપાલ દાદા ! ખેતરના રખવાળા કરે. ને ઢોર-ઢાંખર સાથે માનવીઓને જાળવે, એના ડાચામાં પગ પડે તોય દાદો માફ કરે. એટલે તો કહેવાય છે કે, “સૌનો પગ નાગના મોંઢામાં છે. છતાંય દાદો સૌને જાળવે છે.’
આવા પરોપકારી દેવ, નાગદેવનું રાવણું બેઠું છે. નાગદેવને ઘઉંના બાકળાંનું નૈવેધ ધરાવાય. ને અફીણના કહુંબા ચડાવાય. એટલે ચૂલે સવામણ ઘઉંના બાકળા મેલાણા છે. ને તાસ ભરીને ઘાટો કહુંબો તૈયાર થઈ ગયો છે.
ઘી નો દીવો ધરાયો છે. શ્રી ફળ વધેરાય છે. બાકળાંનો નૈવેધ સાથે કહુંબો ચડાવાય છે. અને પછી દેવના પ્રસાદ રૂપે વાટકે વાટકો કહુંબો પીવાય છે. ને કડવા મુખને મીઠું કરવા.
બાકળાના તાંસળે તાંસળા વહેંચાય છે. નાગદેવને નમન કરીને સૌ વિખરાવાની તૈયારી કરે છે. ત્યાં એક જણ બોલ્યો.
“ભાયુ, થોડી દેર બેસો, એક વાતનો નિર્ણય કરવાનો છે અને બાળકો અને બાઈઓ ઘર ભરે વળ્યા. ને જુવાનડાં ને ગલઢેરા બેઠા રિયા, ડાલા જેવ જેવડી આંટીયાળી પાઘડીઓમાં કહુંબાના ઘેને ઘેરાતી આંખો વાળા આહીરો વાતનો વિચાર કરવા બેઠાં છે.
મૂછાળા મરદોની મૂંછો વાયરામાં ફરાંકા મારી રહી છે. બબ્બે લીંબુ ઠરે એવા મૂંછોવાળા, ભરાવદાર હાડના, શૌર્ય અને ખમીરતાની મૂર્તિ સમા પચાસેક આદમીઓમાં જળુ અરજણ, રાયમલ, નાગાજણ, મ્યાતરો મારુ, લાવડિયો પૂનો, નવકંધરો નાગપાળ, અને ડાંગર કાંધો ને ગઢવી હમીરો, એવા એવા ડાલા મથ્થા, પાડાની કાંધ રોંખી કાંધવાળા, સિંહની સામી છાતીએ બાટકે એવા બળુકાં બરકંદા, ને માટીયાર માનવીઓ બેઠાં છે. આવા અડાબીડ અવળકંધા આદમીઓ માથે
ખુમારીના તેજ ઝળકી રિયા છે. વાત કરનારની સામે એકટર્સ તાકતા વિચાર વમળમાં અટવાતા જણ બેઠાં છે. ત્યાં એક જણે વાત છેડી.
“ભા, હાંભળ્યુંછે કે, બાપોજીરાવ ગાયકવાડ અને એનો સેના નાયક સમરખાન લાવ લશ્કર સાથે કાઠિયાવાડના ગામડા માં લાગા ઉઘરાવતા ફરે છે. કદાચ વરસડા ભણે પણ આવે ખરો.”
વાત જાણી એક ઉકરાટીયો જુવાન તાડુકી ઊઠ્યો. “તી... ભલેને ભમતો,
બાપ ગોતરમાંય વરસડાએ લાગો દીધો નથી ને દેશે પણ નહિ, આપણા માથે કોઈ રાજા નથી. ને રાજા આપણને મુલેય જોતો નથી. પછ ચિંતા શી ? ભલે આવતી.” ‘“પણ ભા આતો ગાયકવાડી સુબો છે. ગામે ગામના લાગા ઉઘરાવે છે. ને લાગો નો દિયે તો ગામનો ટીંબો કરતા અચકાતો નથી... તે... આપણા ગામે આવે તો આપણે શું કરવું ?'
“કરવાનું શું ભા ! આપણું ગામ તો અનાદી કાળથી લાગા વગરનું છે. એટલે બાપાજીનો બાપ આવે તોય લાગો નો ભરાય કાઠિયાવાડ થોડું ઈના બાપનું છે ? ખપી જાશું પણ લાગો નહિ દઈએ.” ડાંગર કાંધો તલવારની મૂઠ માથે હાથ મેલતો બોલ્યો.
“હા ભા. ઇનો લાગો આપણા ગામ માથે કેવો ? ઇનો હક્ક નો પૂગે ?
ધીંગાણું થાશે, રોળું મંડાશે તો રોળાની રમતું રમી લેશું પણ લાગો તો નહિ જ ભરીએ,
તે નહિ જ ભરીએ, હાથે કરીને ઘોચ પરોણી ઘાલવી ? “નાગા જણે પણ એની તલવાર સંભાળી.
“તો શો નિર્ણય કરશું ?'
“ઘીંગાણું કરવાનો, માથાં વઢાઈ જાય તો પણ લાગો તો નથી ભરવો એક વખત ભરીએ તો ઈ ચોરટો વરહો વરહ ચોથ ઉઘરાવવા આવે ભા, આપણા ડીલ સૌઈ ઝાટકીને સોરી નાખે ઈ, ઈ... નો પાલવે.” જળુ અરજણની આંખોમાંથી અગન વરસી રહ્યો.
અને ધીંગણાની વાત આવતા હમીર ગઢવી વિચારમાં પડ્યો. બાપાજી અને સમરખાનને એ જાણતો હતો. સામે પડનારના ગામે ગામ એ
ઉજ્જડ કરતો હતો. પ્રજામાં ત્રાહી ત્રાહી પોકરાવતા હતા અને વરસડા તો ખોબા જેવડું ગામ. ! બાપાજીનું લાવ લશ્કર ભારે... ફૂંક મારે ને ફોતરાની જેમ ગામ આખું ઉડાડી મેલે. ગામનો ટીંબો કરી દેય. ઇ ઠીક નહિ.' આમ વિચારતા ગઢવીએ વાતને વાળી લેતા સમજણની વાત કરી.
“ભાયું, સૌની વાત ખરી છે. લાગા વગરનું આપણું ગામ પણ .. હવે કાળ બદલાયો છે. ને માનવીય બદલાઈ બેઠો છે. ગાયકવાડી ખજાનાની ખોટ પૂરાતી નથી તે બળજોરે સુબાને ચોથ ઉઘરાવવા મોકલે છે.” “પણ. . . આપણા ગામ માથે ઇનો હક્ક શો ? વચ્ચે જ કોઈ બોલી વળ્યું. “અરે ભા, હક્ક-બક્કની વાતો જાવા ઘો, આતો ભૂખથી ભૂરાંટા થઈને
પ્રજાની મહેનતમાંથી ભાગ પડાવે છે. વળી ઈ રાજા છે, ઈની પાંહે બળ છે. લાવ - લશ્કર છે. મારે ઈની તલવાર છે.” ‘‘એટલે શું ઈની તલવારથી બી જાશું? વરસડાનો આહીર કાંઈ ચૂડલા પહેરીને નથ્ય બેઠો હો...'' માતરો મારું ઉકળાઈ ઊઠ્યો.
“અરે, ભા, માતરા, એવું નથી. આહીર બચ્ચો એક એક વઢાઈ જાશે... ગામ ઉજ્જડ થાશે. ટીંબા માથે સમડાં ઊડશે બા, એટલે સમયને વરતી લેવો સારો, ભા. પછી તો જેવી માતાજીની મરજી !''
“લાખ વાર્તય. એવા લાગા, બાગા, ચોથ, ચોથાઈ કે ખંડણી અમું કાંઈ ભરવાના નથ્ય હો ગઢવી,... તમે તો શૂરાને શૂર ચડાવણ કે 'વાવ, અને આમ... અમારા મન કાં તોડો ભા,’ નાગા જણથી નો રહેવાયું તે એણે નિશ્ચય જાહેર કર્યો. “હા. કવિરાજ, તમે જ આજ આમ પાણીમાં બહી જાશો ? જણનારી નું દૂધ લજવીએ તો મલકમાં મોઢું દેખાડવા જેવું ની રિયે ભા... સમો આવે એવા ચોરટાંવની જીવતા જીવ ખાલ જ ઉતડાવી નાખશું.” એમ કહી પૂનો લાવડીયો ઊભા થતા બોલ્યો,
“ના... ના... ભા, લાગો દેતા લાજ જાશે હોં આબરૂ માથે પાણી ફરશે પછ
જીવવા જેવું નહિ રિયે” પૂનાનું અંગ આખુ ધ્રુજી રહ્યું. અને અટાણ લગણ મૂંગો રહી વાતનું વિહામણ કરતો નવકંધરો નાગપાળ સમસમતો બેઠો હતો તે બોલી ઊઠ્યો.
“ભા, પૂના હેઠા બેહો, ઇમ ઉતાવળા થાયે નો પાલવે બા, આપણે આયરું છયે, ને આયરું અન્યા નહિ સહે. વરસડાને માથે કાળના કાળ વહી ગયા તોય કોઈએ લાગો લીધો નથી, કોઈએ ઉઘરાવ્યો નથી.. ને આયરુએ દીધો નથી ને અટાણે દેશે ? ભલે વહ્યો આવે ઇ કાળ મૂઓ આવશે તે દિ' જડબા તોડ જવાબ દેશું પણ... ઇ ગાયકવાડીના ચામડા ઉતરડાવવા અટાણથી જ તૈયારી કરી શમશેરોને સજાવવા માંડો ! પછ ઇ છે. ને આયરું છે…. હા ભાયું વઢાઈ જાજો પણ... હાથે પગે ઘોંચ પરોણો નથ્થુ ઘાલવો, તે નથ્ય ઘાલવો. હા...’ એમ કહેતો નાગ પાલ ઊભો થતો બોલ્યો.
‘હાલો ભા ઊઠો. વાતે વડા નહિ શેકાય, વડા તો તે દિ’ આયરુની શમશેરુથી શેકાશે ભા, સાબદાઈ કરવા માંડો.''
અને નાગપાલની વાતે “હાંઉ બાપલા, શમશેરું સજાવો ને સાબદાઈ રાખો” કહેતો ડાયરો વિખરાણો. તયે ઢળતી બપોરનો સૂરજ વાડલી નદીના ખળખળ વહેતા પાણીમાં સંધ્યાના રંગ રેલાવી રહ્યો હતો, વહેતા જળ પણ જાણે કહી રહ્યા હતા કે, વાડલી નદીના પાણી પીને આહીરો વીરતાને વર્યા છે. તે વાડલીના પાણી પાછા નહિ પડે.
રાતની ચોકીયું મેલાઈ ગઈ. લોક બધું જાગતું બેઠું ભૂખાળવા બાપાજી રાવનો ભરોસો નહિ કે’દાડે આવે ને કદાંડે મોરચાં માંડે ઈનું કાંઈ કહેવાય નહિ.”
એમ વિચા૨તો વરસડાનો એક એક આહીર બચ્ચો પોત પોતાના હથિયાર સજાવતો સમાની રાહ જોતો સાબદો થતો સજાગ બનવા માંડ્યો.

*****

માણાવદરનાં પાદરમાં બાપોજીરાવ ગાયકવાડ પોતાના દોમ દમામ સાથે લાવ-લશ્કર સાથે પડાવ નાખી પડ્યો છે. સૉરઠની કંકુવરણી ધરતી માથે કાળો કેર વરસાવતો ચોથ ઉધરાવે છે. ગામડે ગામડાના વાવડ મેળવે છે. એમાં એક દિ’ વરસડાના કોઈ ઇર્ષાળુ આદમીએ વાત કાઢી “બાપુ વરસડાના આયરો માથા ભારી કરી ધાક-ધમકી આપી પ્રજાને લૂટે છે, કહે છે કે ક્યારેય કોઈને ખંડણી ભરતા નથી ને પ્રજાને રંજાડે છે, છતાં કોઈ એમને કે'નાર નથી. રાજભાગ ભરતા નથી.'' એમ કહેતો આહીરોનો ઇર્ષાખોર આદમી આગળ બોલ્યો.
“બાપુ, આખીય સૉરઠમાં તમારી હાક વાગે છે. પણ વરસડાના આહીરો આગળ આજ લગણ કોઈનું હાલ્યું નથી. આહેરડા બહુ માથા ભારે છે હોં.. !" અને પ્રજવળતા અગ્નિને ફૂંક મારતા ઘખી ઊઠે એમ બાપાજીરાવ વરસડાની વાતે સળગી ઊઠ્યો.
“ઇમ...! ઇ આયરડા આટલા બધા ધુમાડે ભર્યા છે ? ફાટીને ફટ થઈ ગ્યા લાગે છે ! તો... હવે... વરસડાના ધુમાડા ઊડાડીએ. ચોથ નો ભરે તો ગામ બાળીએ. ગામનો ટીંબો કરી ઉજ્જડ કરીએ, આયરડાઓના માથાં ફોડીએ પણ લાગો તો લઈને જ રહીએ.” બાપાજીરાવ ઉકળતા અવાજે બોલ્યો.
“હાં હાં બાપુ આયરડા ઇમ ગાંજ્યા જાય ઇમ નથ્ય ને આયરાણીયું તો... જગદંબાનો અવતાર છે... બાપુ ભારે પડી જાશે !'' અને બાપાજીરાવને બત્રીસે કોઠે ક્રોધ વ્યાપી ગયો એણે એજ ઘડીએ લશ્કરને હુકમ દીધો.
“હાલો... વરસડે આયરુને વધેરવા માંડો.’
વળતે દિ’ લાવ લશ્કર સાથે બાપાજીરાવ ગાયકવાડે વરસડાને પાદર ડેરા તંબુ તાણી પડાવ નાખ્યો તયે સૂરજ આથમીને સંધ્યા ખીલી ઊઠી હતી.
કાજળ ઘેરી કાળી ડીબાંગ રાત વરસડા માથે વહી રહી છે. તારોડિયા ભાતની ચાદર ઓઢી ગામ આખું નીંદરવશ સુતુ છે.
ફડકે જાતું માનવી કાગા નીંદરમાં પોઢ્યું છે. દૂર દૂર શિયાળવાની લારી સંભળાય છે. તમરાના તમ... તમ... અવાજ થાયછે. વરસડા માથે વહેતી કાળી રાત ભયંકર દીશે છે.
ગામના ચોકમાં આહીરોનું ટોળુ સજેલા હથિયારે બેઠું છે. જોમ અને જોવનાઈની, મરદાઈની વાતો હાલે છે. આહીરો રાત બધી જાગતા બેઠાં છે. પરોઢના પ્રાંગણ ફૂટ્યાં ને સૂરજ મહારાજ ઊચુ ઊચુ થઈ રહ્યાં છે. ત્યાં બાપાજી ના કાસદે આવી કહેણ કીધું.’’
હે...ભાઈ આયર વાળશે.” ચોથ ઉઘરાવીને ભરી દેજો.” નકર બાપાજી સૌથ કહેણ સાંભળીને આહીરોના કાળજા થડકી ગયા. ઘણાં દિ'થી આવા
કહેણની વાત મંડાતી’તી તે આજ કહેણ આવ્યુ ને છાતીએ ભટકાણું ..,
કહેણ આવ્યું જાણી આખુય ગામ જાગી ઊઠ્યું ચોકમાં બેઠેલ નાગાજણનું અંગ આખુ ક્રોધથી થર...થ....થર... ધ્રુજી ઊઠ્યું. એ કહેણનો જવાબ વાળે ઇ મોર્ય તો એંસીક વરસને આયખે પૂગેલ નાગાજણના માતા આય રાણી હરખુબા પોતાના જણ્યા નાગાજણને કહી રહ્યા.
“હા... હા... નાગાજણ.. દીકરા મારુ મોત બગાડતો મા... મારું દૂધ લજવતો મા... મારા ધાવણ ધાવેલો તું... જો જો ઓછો ઉતરતો, બાપ નાગાજણ આજ નોક ને નાકનો સમો ઊભો થયો છે. બા,... જોજે ભૂલતો.!''
“આવ્યો અવસર વધાવી લેશુ મા. તમારા દૂધ ઉજળા કરશું. વરસડાએ લાગો દીધો નથી ને દેશું પણ નહિ. કપાઈ મરશું પણ દુનિયા દાંત કાઢે એવું નહી જ કરીએ માડી..!''
નાગજણના બોલે બોલને ઉપાડી લેતા પચાસેક આહીરો હાકોડી ઊઠ્યા. “હા માડી એકે એકના માથાં વઢાવી લેશું, મોતને વહાલું કરશું પણ વરસડાની ખંડણી લેતા બાપાજીરાવને ભો ભારે પડશે બા...!’’
“હા... મારા સાવજડાંઓ, એક દિ' મરવાનું તો છે જ કની ? આજ પાંચ દિ’ વહેલાં મરતા શો ફરક પડશે ? બાપાજી રાવના લાવ લશ્કરને વાઢતા વાઢતા વઢાઈ જજો, કપાઈ જજો... પણ... નખ જેવડું નાક જાળવજો. મારા સાવઝો. “એટલું કહેતા તો ડોશીનું અંગ આખું ધ્રુજી ઊઠ્યું.
“હા બા ઇમ જ થાશે.’ જુવાનો બોલ્યા અને નરમ થયેલા હમીર ગઢવીને પણ શૂરવીરતા ચડી ગઈ તે બોલ્યો.
“હા ભાયુ. ઈમ જ થાવું જોવે, મારા વરસડાના વીરો ખમ્મા બાપ સાવજડાઓ, સાબદા થઈ જાઓ.” એમ ભલકારા દેતો હમીર દાન ગઢવી ભરાવદાર ,, ભૂજાઓ હલાવતો, કેડિયાની કસો તાણતો ને મૂંછે તાવ દેતો પોરસ ચડાવતો બોલ્યો .

બાકર  બચ્ચા  લાખ, લાખે બચારા ,   સિંહણ બચ્ચા એક ,  એકે હજારા,

ઇ અમથું નથ્ય કીધુ બાપ, વરહડાના વીરો તમારી વીરતા વતાડવાનો સમો હવે આવી ગયો છે. . . નવખંડ ધરતીમાં નામ રાખી જજો . પણ. . . કોઈ વાતે પાછા નો પડતા બાપ.’’

કોઈ ખેતર વાડીયું, કોઈ ગામ ગરાસ, વટે ચડેલ વીરલો, મરે પણ મેલે નહિ,

ખેતર, વાડી, ગામ ગરાસ માટે કોઈ વીર નર વટે ચડે તો મરી જાય પણ પાછો પડે નહિ. 
એમ શૂર ચડાવતા ગઢવીએ ખોંખારો ખાધો ને પ્રત્યેક આહિરને વટની આંટી વળી ગઈ. આવેલ કાસદને નાગાજણે જણાવી દીધુ. કે ભાઈ, બાપાજીરાવને જઈને કહેજો,
“આયરુ સમુળગા કપાઈ જાશે. પણ... ખંડણી નહિ દિયે,”
‘‘હા હા હજી ભડના દીકરા ભેટ્યા નથી લાગતા તમારા ગાયકવાડને આહીર જુવાન એકે એકને કાપશે, કપાઈ જશે. પણ... ચોથ તો શું, ચોથનું ચોથિયુંય નહિ દિયે, ભેટવા આપશો તો ભરી પીશું પણ વટને ખાતર વેતરાઈ જઈશું” એટલું બોલતા બોલતા ડાંગર કાંધાનું અંગ ક્રોધથી થથરી ઊઠ્યું.
કાસદે જઈને બાપાજીરાવને કહેણનો જવાબ દીધો. “બાપુ. આયરડા મરવાના થ્યાં છે. વઢાઈ જાશે પણ ચોથ નહિ દિયે.” આહીરોનો જવાબ સાંભળી બાપાજીરાવ ખડખડાટ હસી પડ્યા
“તો હુંયે બાપાજીરાવ ગાયકવાડ...! ઇમ ચોથ લીધા વણ પાછો નહિ વળુ...
પણ... બચાડા આયરડા ઠાલા મરી જાશે. એમના મુડદાને કૂતરા-બલાડાં ચૂંથશે,... 
હજી... સમજે તો સારૂ “બાપાજીરાવને આહીરોની જાણે દયા આવી. પણ આહીરોની વીરતાને જાણતો એક જણ તરત જ બોલી ઊઠ્યો.
“નહિ સમજે બાપુ.' 
“ઠીક આજની રાત એમને વિચારવા દો,'' એમ કહી બાપાજી રાવ પથારીમાં આડો પડ્યો.
એ આખીય રાત આહીરીએ ભાલા, તરવારુ બરછીયું, ધારિયા જે હથિયારોની ધારો ઘસી ઘસીને ચક ચકતી કરી. તેજ બનાવી દીધી.

*****

સવારે સૂરજ મહારાજે કોર કાઢી, પ્રાગટના પ્રકાશ પથરાયા, ને સૌ આહીરો ધીંગાણે ઘણ ઘણવા તૈયાર થઈ રહ્યા. બરકંદા બહાદૂરોના મુખ માથે મરી ફીટવાની ખુમારી તરવરી રહી. સૂરજદેવને નમન કરી સૌ આહીરો સાબદા થઈ રહ્યા. 
“હે... દેવ... સૂરજદાદા જશ અપાવજો એવા મનોમન મનસુબા કર્યા ને ચોકમાં આવીને સૌ ઊભા રહ્યા.
ત્યાં તો ગાયકવાડી ફોજના બુંગિયા ઢોલ સક્યાં.... ધ્રુસ્માંગ...ધ્રબ...ધા... રિડિયા પડકારા ઊઠ્યાં. મારો... કાપો... કરતા બન્ને પક્ષ સામ સામે આવી ગયા.
“જય ભવાની... જય માતાજી કરતા આહીરો ફોજ માથે તૂટી પડ્યા. ગાયકવાડી ફોજના ધોડેસ્વારો પણ ‘જય સોમનાથ' કરતા આગળ વધ્યા. ને જંગ જામી પડ્યો. બસો, ખુરાની, મકરાણી, અરબી, તુર્કી લડવૈયાઓ સામે માત્ર પચાસ આહીરો મોતનો ખેલ ખેલવા મંડ્યા.
ઝકા ઝક... ઝાટકા ઝીકાયા. ખબા ખબ બરછીઓના ઘા પડવા મંડ્યા. ભચા ભચ ભાલાં ભોકાણા. લોહીના રેલા રેલાણાં તરસી ધરતી જાણે લોહી પી રહી. ધરતીની ધૂળમાં લોહીના ધાબા બાઝી ગયા. છતાં બસોની ફોજને પચાસ મરણિયા જણ હંફાવી રહ્યા.
મધ્યાહ્નનો સૂરજ તપતો હતો આકરા તાપમાં પરસેવાના રેલા હારે લોહીના રેલા નીંગળતા હતા. છતાં એકે આહીર બચ્ચો પાછો પડતો નહોતો.
હમીરદાન ગઢવી ભલકારા દેતો ધીંગાણામાં ઘૂમે છે.
“ખમ્મા... ખમ્મા... શૂરવીરો... માટી થાજો બાપ, આ તો વટની વાતુ છે. મારા નાગાજણ, ! કાંધા ડાંગર ! પૂના લાવડીયા ! માતરા બાપ માટીયાર થાજો... વાહ ! નાગપાળ, વાહ ! રાયમલ, જલુ અરજણ આજ વટ રાખવા ખપી જાજો... પણ વટ રાખજો .” એમ ભલકારા દેતો, શૂર ચડાવતો ગઢવી. લાગ મળતા તરવાર વીંઝોળે છે ને ડફ... ડફ... ડોકા ઉતારે છે.
નાગાજણ પણ તરવાર વીંઝતો, ઝૂઝતો ઘા ઝીકે છે. ને દુશ્મનના માથા ઉતારે છે. ત્યાં એક લોહી તરસી તરવાર એના ડાબા હાથ માથે નર્તન કરી ગઈ, નાગાજણ નો હાથ કપાઈને હેઠે પડ્યો અંગ માથે લોહી વહ્યાં જાય છે છતાંય નાગાજણ ઝાટકો ઝીકે છે. તેને પોરસાવતો ડાંગર કાંધો બોલે છે. 
“વાહ ! ભા, નાગાજણ... હવે પાછુ વળીને નો જોતો ... હાથ કપાણો તો છો કપાણો... તું માથાં કાપજે મારા બાપ...! આમ ભલકારતા ડાંગરની ગફલત જોતા એના માથે ગાયકવાડી તલવાર પડી.
ડાંગર પાછો ખસ્યો પણ .. પગ કપાઈ ગયો. છતાં એક પગે કુદીને ગર્યના સિંહની જેમ ગરજતો... “હું... હં.. આ લે બાપુ ગતે થા.” એમ કહેતા એણે જોરદાર ઝાટકો ઝીક્યો ને પગ કાપનારનું ડોકું ઘડથી જુદુ થઈ ગયું. એના રામ રમી ગયા. એ જ ઘડીએ દુશ્મન દળની લોહી તરસી એક તલવાર નાગાજણ માથે પડી, નાગાજણનું માથું વઢાઈ ગયું... ઢફ દેતું ઘડ હેઠે પડ્યું. લોહીનો ભંભોટીયો છૂટી ગયો. ધરતી લાલ લંબોળ થઈ ગઈ.
ત્યાંતો ડાંગરની નજર, કને જ ઝૂઝતા સમરખાન માથે પડી ને ડાંગરે ઝ૨૨૨ક કરતો ભાલો ફેંક્યો પણ...સમરખાન ચેત્યો, સ્ટેજ પડખે ખસી ગયો છતાં લબકારા લેતો ભાલો સમરખાનના બાવડાને ચીરતો પડ્યો. એક પગે કૂદતો ડાંગર સમરખાનને સોઈ ઝાટકીને પૂરો કરવા દોડ્યો ને કાળ ઝાળ્ય ઝાટકો ઝીક્યો પણ સમરખાને પોતાની તલવાર માથે ઝાટકો ખાળી લીધો... ડાંગર બીજો ઘા કરવા જાય ઇ મોર્ય સમરખાને ઘા ઝીક્યો. ને ડાંગરનું માથું કપાઈને હેઠે પડ્યું પણ... એક પગે કૂદતું ઘડ આડેધડ ઝાટકા ઝીકવા મંડ્યું, ઘડને જાણે આંખો ફૂટી એ સમરખાન ભણે ફર્યું ને ધક નો ઝીલાતા સમરખાન નાઠો.
સેનાનીને નાસતો જોતા ગાયકવાડી ફોજ ભગરાણી તે જોઈ હમીરદાને ડાંગરને વખાણ્યો

ડાંગર તારુ ધડ, સમર મહીં શોભી રહ્યું.
ઘા દેતુ જનોઈ વઢ, પરદેશીને પોંખી રહ્યું.

વાહ ! ડાંગર યુધ્ધમાં તારુ ઘડ શોભતું જનોઈવઢ ઘા દેતું. પરદેશીઓ ના માથા વાઢતું પોંખી રહ્યું છે - અર્થાત યુધ્ધમાં શોભી રહ્યું છે. ફોજ ગભરાણી જાણી. બાપાજી રાવે હાકલ કરી. “જો જો ભાગતા મારા
શૂરવીરો ડાંગરના ધડને આંટી દિયો” ! પણ કોની મજાલ છે કે ધડને આંટે ? ઝનૂને ચઢેલું ધડ એક પગે કૂદતું, ડફ... ડર... ડફ ડૉકા ઉતારવા મંડ્યું. ઘડે કાળો કેર વરતાવી દીધો. રણમેદાનમાં ભંગાણ પડ્યું... થોડી વારે ઘડ પડ્યું.
વટને ખાતર ખેલાયેલ આ યુધ્ધમાં નાગાજણ, ડાંગર કાંધો માતરો જલુ, અરજણ, રાયમલ નવકંધરો નાગપાળ, અને પૂનો લાવડીયો. જેવા બરકંદા બહાદૂરો સાથે પચાસેક આહીર પુત્રો કામ આવી ગયા. સમરમાં પોઢી ગયા . તયે બાપાજીરાવનું રૂદિયું થડકી ઊઠ્યું. એને થયું.
“વટને ખાતર વરસડું વેતરાઈ ગયું.'' આહીર જુવાનો નોક ને નાક ને ખાતર વેતરાઈ ગયા. ને… ને મેં . મેં મમતમાં મરજાદ મેલી. ખોબા જેવડા ગામની ચોથ પણ કેટલી ? ચકલાંની ચણ જેટલી, એટલી જાવા દીધી હોત તો... આ પચાસેક બહાદૂરોની આહૂતી બચી જાત. પણ...પણ... મારુ મન ઘમંડી બન્યું હતું. એ ઘમંડમાં હું ભાન ભૂલ્યો ને બહાદૂરો હોમાઈ ગયા !” બાપાજીરાવનું દિલ અંદરથી બળવા લાગ્યું.

*****

સાંજ ઢળવા લાગી હતી. રણમેદાનમાં શાંતિ પથરાઈ ગઈ હતી. જ્યાં ત્યાં વઢાયેલા માથાં પડ્યા હતા. કપાયેલા હાથ-પગના ઢગલાં થયા હતા. લોહી થીજીને ધરતી માથે પોપડા જામ્યા હતા. માંસના લોચા ધૂળમાં રગદોળાતા હતા. માનવીયુએ મહોંકાણ માંડી હતી. તે અનેક મરજીવા રણમાં પોઢ્યા હતા. તે જોતા નમતો સૂરજ માનવીની મુર્ખામી માથે હસતો હતો ને અસ્તા ચળે જઈ રહ્યો હતો.
વરસડા ગામમાં વલ વલતી આહીરાણીઓના. કાંડાની ચૂડીઓ તડ...તડ... તૂટવા મંડી હતી. ઘરે ઘરમાં આગની ઝાળ્યું લાગી ગઈ હતી. હૈયાં હલબલાવી મૂકે એવા બાળકો રોતા હતાં. આહીરાણીઓની આંખોમાં પાણીના બદલે અગન ઝરતા હતા. ને તણખા ઊઠતા હતા. અંગ માથે ઓઢેલ કાળી મલી૨માં ઉજળા મુખમાથે કાળી લાલિમા પથરાઈ ગઈ હતી.
વહાલા આહીરો કામ આવ્યા હતા છતાંય આધેડ વયના આહીરાણી અમરુબા શેરીએ શેરીએ ફરતા હતા. ને આહીરાણીઓને જગાડતા હતા. એ હતા ડાંગર કાંધાની મા. !
“એ...બાપુ...બોન્યુ, હાલો બા, હવે જીવવું શું ? ધણીયું વન્યું જીવતર શું ? ઘરના મોભી જાતા ઘર બધા ભાંગી ગ્યા. બા... હાલો સમશેરુ લ્યો, મરવા જાવું છે, કપાશે એટલા ડોકા કાપશું, પછે વઢાઈ જાશું... જીવીને શું કરવું છે બોન્યું...? મારા ડાંગરનું ધડ આંખ્યુ વગર લડતું'તું.... આપણે તો આખ્યુવાળાયે.. . લોહીની નદીયુ જોતી અમણું બેઠીયું રિયે નહિ પાલવે. બાપુ છતી આંખે આંધળા નો થવાય... હાલો... હાલો... બાપુડાનેય બતાવી દીયે કે વરહડાની આયરાણીયું વટની કટકીયું નીવડી ઇની ખંડણી ચૂકવવા હાલો... બાપુ હાલો,તરવાર્યું, ઝાલો...
અને જોત જોતામાં અગન રોંખી ધખી ઊઠેલી આહીરાણી ઓ ઝનૂને ચડી. કાળી મલી૨માં ગોરાં ગોરાં મુખડા માથે રાતીચોળ અગ્નિ પ્રગટી ઊઠી, ઝાળ્ય ઝાળ્ય થતી શમશેરો લેતીકને અમરુબા સાથે ચાળીસેક આહીરાણીઓ હડેડાટ કરતી, કેડે સાડલા બાંધતી ઉપડી, ચક ચકતી તલવાર હાથમાં લઈ અમરુબા સૌની મોખરે રહ્યા. જામતી સંધ્યાને ટાણે. ધસ મસતા પાણીના જેમ આહીરાણી ઓ પળેકમાં તો રણમેદાનમાં આવી કાળ્ય ઝાળ્ય આહિરાણીઓને જોતા સુબો ચમક્યો, “હે ભગવાન ! આ શો ગજબ ! મારા ખુરાસાનીઓને હાથે આ ઓરતો
કપાઈ મરશે... અહા... હા... અહાહા. .!
“અને સુબો કાંઈ વધુ વિચારે એ મોર્ય તો ...
“એ બાપુ અમારા ચામડા ઉતારી લિયો, બાપુ... આ લિયો ખંડણી... આ ચોથ... બાપુ. . .’’ એવા વેણ કાઢી કાઢી અમરુબાએ તલવારના ઘા ઝીકવા માંડ્યા ને માથા ઉતારવા લાગ્યા.
બીજી આહીરાણીઓ પણ ઝનુનથી રણચંડી જેમ ઝાટકા ઝીકવા મંડી સંધ્યાના હીંગળોકીયા રંગ જાણે આહીરાણીઓની આંખ્યોમાં સમાણાને ગાયકવાડી ફોજની ઝાટકી ઝાટકીને સોથ વાળવા માંડી.
આહી રાણીઓના માથાના અંબોડા છૂટા થઈ ગયા છે. કાળા કાળા, લાંબા લાંબા નાગ જેવા કાળા ભમ્મર વાળ વાયરામાં વીંઝોળાતા ઝૂલી રહ્યાં છે. એક ઘા ને બે કટકા કરતી કછોટા વાળીને આહીરાણીઓ દુશ્મનોના માથાં વાઢે છે.
“આ... લે... બાપ... ખંડણી... આ... ચોથ... મારા બાપ, બાપાજી ગાયકવાડ...! એમ કહેતી રણચંડી રોખી આહીરાણીયું માથા કાપતી જાય છે. ને પોતાને માથે આવતી તલવારનો ઘા. ખાળતી જવાબ દેતી જાય છે. તે સાથે આહીરાણીઓના માથાં પણ વઢાતા જાય છે.
એ ટાણે મેદાનમાં પડેલ, આખા અંગે વેતરાઈ ગયેલ હમીર ગઢવીને ભાન આવ્યું. આહીરાણીઓને વઢતી દેખી એનું શૂરાતન જાગી ઊઠ્યું. તલવાર લેતો ક એ
જંગમાં દોડ્યો. દોડ્યા આવતા ગઢવીને બાપાજી રાવે ટોક્યો. “ભા... ગઢવી, આહીરાણીઓને રોકો, મારે ખંડણી નથી લેવી.” દોડતો ગઢવી રોકાણો. બોલ્યો.
“ભા... આ વીરાંગનાઓ હવે રોકી રોકાશે નહિ, કોઈના કોડીલા કંથ, કોઈના લાડકવાયા દીકરા, કોઈના ભાઈ, સંધાય કપાઈ ગયા કેડે કેને હાટુ રોકાય ? ક્રોધે ચડેલી આહીરાણીયું કાળકા રોખી બની ગઈ છે. સુબા... હવે ઈ ખપ્પર ભરશે ને ખપ્પર ભરતા જ શાંત થશે... કાં કપાઈ મરશે.”
“સુબાનું મોઢું લેવાઈ ગયું...  છતાં એ બોલ્યો.
“પણ ગઢવા, તમારુ, દેવી પૂતરનું ઇ માનશે. કે'જો સુબાને ચોથ નથી જોતી. ઇને ખંડણી પૂગી ગઈ છે, હું અબઘડીએ પાછો હાલ્યો જાઉં છું. ગઢવા, હવે આ કાળો કેર જોયો જાતો નથી. મારા મકરાણીયું ઓરતોને વાઢી નાખશે. . ઈના પાતક મારા પંડ માથે પડશે... ગઢવા... સમજાવો ઇ જોગ માયાઓને !'' “ઠીક છે. સમજશે તો સમજાવીશ, નકર હુંયે ભેળો ઝૂઝવા હમીરદાન આગળ વધ્યો ને લડતી આહીરાણીઓને કહેવા લાગ્યો. મંડીશ...' કહી
“એ માતાયુ, જોગમાયાયુ, ચંડીકાયુ... હે માડી કાળકાયુ... મારુ ગઢવીનું
વેણ સાંભળો બાપુ, વરહડાના આદમીઓ તો વટને ખાતર વેતરાઈ ગયા. એક હું જ અભાગી જીવતો રહી ગિયો મારુ વેણ નો માનો તો કપાવા આવ્યો જાણજો બા, સુબો ખંડણી લેવાનું ના કે' છે, ચોથ લેતા તો સોથ વળી ગયાનું કબૂલે છે. બા.. .બાપુ આટલેથી વળી જાવ મારી માયુ...!'' ગઢવીના વેણ સાંભળી અમરુબા એટલું જ બોલ્યા.
“ભા ગઢવા, આદમીયું કપાઈ મૂઆ, ઇમની ઘરવાળીયું વઢાઈ ગઈ હવે કોના માટે જીવવું ?''
“અરે બા. સમજો. ગામના બેટડા બેઠાં રૂવે છે. બેટડાં ધવરાવજો ને મોટા કરજો બા, વરસડું ફરીને હોંકારા દેતું હલકશે. બા વાળી લિયો. આહીરાણીયુને વાળી લિયો. સૌ સારા વાના થશે. બા. 
અને અંગે લોહીના રેગાડા રેલાય છે તોય અમરુબા મલકાઈ ગયા. ને ઊંચા સાદે બોલ્યા,
“ઇ બાપુ, બોન્યું... તમારા બેટડા ડીંટડા વન્યા. રોતા બેઠાં છે. ઇની ધાવણને ખોટ નો લાવશો બાપુ, ... વરહડુ  કાલ્ય વરવુ થઈ જાહે બા સુબાએ ખંડણી માફ કરી છે બાપુ... હવે થંભી જાજો.” અમરબાના અવાજે જીવતી રહેલ એક એક આહીરાણીયુની તલવારુ થંભી
ગઈ.
તે જોઈ બાપાજી રાવે ફોજને હુકમ કર્યો,
‘જો જો એકે મકરાણી, ખુરાસાની, અરબી કોઈ ઓરતો માથે ઘા નો કરતા”
રોકાઈ જાઓ.” 
અને ખડખડાટ હસતા હમીરદાનને હૈયે આ જોગ માયાયુને બિરદાવવાનો અબળખો ઉપડ્યો.
“વાહ ! મારી માતાજીયુ, વટને ખાતર વરસડું તો વેતરાઈ ગયું પણ ખરો વટ તો તમે રાખ્યો. મારી માયુ ! ખંડણી માફ કરાવી વરહડાને આબાદ રાખ્યું બાપુ...! એમ કહી ગઢવીએ આ વીરાંગનાઓની વીરતાને વખાણી.

ક્રોધે ભઈ કાળકા, આયરાણીયું અદકી થઈ, માર્યા તલવારુ ઝાટકા, લોહીની નદીયું વહી.

હે મારી માયું તમે તો ક્રોધભરી કાળકા થઈને તલવારુના એવા ઝાટકા માર્યા કે, લોહીની નદીઓ વહેવા માંડી. ધન્ય છે બાપુ તમને, હવે શાંત મને સુબાને મલવા હાલો, ખંડણી માફ કર્યાની વાત ઈને મુખે સાંભળો.'' 
અને યુધ્ધમાં બચેલી અમરુબા સાથે બીજી નવ નવ આહીરાણીયું આગળ માથું નમાવતો બાપાજી રાવ બોલ્યો.
“માતાઓ, મેં આવું નો’તું જાણ્યું સુબાઈના તોરમા હું મમતે ચડ્યો. ને આહીરો કપાઈ મૂઆ, પણ... તમે ઓરતો ધીંગાણે ધણ ધણી તયે... મારો માંહ્યલો દ્રવી ઊઠ્યો માડી, લ્યો મારુ માથું ઉતારી લિયો, હું તમારો ગુનેગાર છું.” એમ કહી સુબાએ માથું નમાવ્યું. “ના, બાપ ના. નમતાને મરાય નહિ મારા બાપ તુંતો સુબો કેવાઈ, અમુ તો તારી પરજાયું. અમુ તો મરવા સરજાયેલ, અમારા લોહી તો પાણી લેખાય બાપ, પણ... ક્યારેય પ્રજા માથે આટલો કોપ નો ઉતારતો નકર સોમનાથ દાદો રૂઠશે. બાપ, ઝાઝુ શું કહું,’’ હવે તો ઝટ સેના સો તો ભાગવા મંડ્ય, અમારેય ઘેર દીકરા ડીંટડા વન્યા ટળવળતા હશે.'
અને અમરુબાના વેણે વેણે બાપાજીરાવની આંખોમાંથી પસ્તાવાના આંસુ ઉભરાયા. તે ગળ ગળા સાદે બોલ્યો.
“બાયુ મુને માફ કરી દે જો, તમારી ખંડણી માફ કરું છું.'' એટલું બોલતા તો
સુબાના ગળો ડૂમો બંધાઈ ગયો. થોડીવારે સુબો સૈન્ય લઈને હાલ્યો ગયો. ને આહીરાણીયું ઘર તરફ વળી. નાના ટાબરિયા માતાયુને બાઝી પડ્યા.
સંધ્યા ઢળીને અંધારા ઉતર્યા હતા તેવા ટાણે વરસડાને પાદર એકસો ને દશ લોથો ઢળી પડી હતી. એમાં પચાસેક આહીર જુવાનો અને એકત્રીસ આહીરાણીઓના બલિદાન દેવાણા હતા.

ત્રણસોક વરસની વાતને હૈયાના ઊંડાણમાં સંગ્રહી રહેલ, વીરતાની વાતો કહેતા વરસડા ગામને પાદર એંસીક પાળિયાઓ શૂરવીરતાની સાક્ષી રૂપ ઊભા છે. આમાના કેટલાક તો ખડી ગયા છે. કેટલાંક દટાઈ ગયા છે. પણ કેટલાંક ઊભા ઊભા વાતને વાગોળેછે.

ઘેડ કાંધીનું વરસડું વટે વેતરાઈ ગ્યુ,
આહીરાણીયું કાળકા ભઈ, નોકે વઢાઈ ગ્યુ. 




વટે વરસડું વેતરાઈ ગયું


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Ad Code