રક્ત રમત પ્રકરણ_૫

રક્ત રમત  પ્રકરણ_૫

લેખક: વર્ષા પાઠક  


શરૂઆતમાં બિલોરીએ માન્યું કે દીનુ ડરનો માર્યો આ બધું કરતો હતો. અને એ કદાચ સાચું પણ હશે. પરંતુ સમય વીતતો ગયો, તેમતેમ એને લાગવા માંડ્યું કે દીનુએ હવે એનાથી ડરવાની જરૂર નહોતી. ઊલટું આ દિવસોમાં તો એ બિલોરી સાથે ફાવે તેવું વર્તન કરી શક્યો હોત. કદાચ એ ખરેખર સુધરી ગયેલો. પોતાના પાપનું પ્રાયશ્ચિત્ત કરી રહ્યો હતો.

જોકે આ સાચું હોય તો પણ બિલોરી એને માફ કરવા માટે તૈયાર નહોતી. જે થયું એમાં રવિ જેટલો વાંક દીનુનો પણ હતો. બિલોરીએ પોતાને તો સાવ નિર્દોષ હોવાનું સર્ટિફિકેટ આપી જ દીધેલું.કોઈ પણ પ્રેગ્નન્ટ સ્ત્રીની જેમ બિલોરી હવે દિવસો ગણતી હતી. જોકે એની પાસે બધાથી જુદું કારણ હતું. બિલોરીને જલદી છુટકારો જોઈતો હતો. શરીરથી એ મા બની ગયેલી, પણ એના મનમાં માતૃત્વની કોઈ લાગણી નહોતી.

રવિ સાથે લગ્ન થઇ ગયાં હોત તો કદાચ વાત જુદી હોત. પણ દીનુની પત્ની બની, એ દિવસથી એને પેટમાં બાળક નહિ, બોજ હોય એવી લાગણી થતી હતી. આ બોજને એ નફરત નહોતી કરતી, પરંતુ પ્રેમ પણ નહોતી કરતી. બાળકે જાણે આ વાતનો બદલો લેવાનું નક્કી કર્યું. ડિલિવરી વખતે બિલોરી મરતાં મરતાં બચી.

જોકે એણે જે પીડા ભોગવી, એ બિલોરીને મોતથીયે બદતર લાગી હતી. છેલ્લા કલાકોમાં તો એને લાગેલું કે બાળક એનો જીવ લેવા જ આવ્યું હતું. આવી ખબર હોત તો તને પેટમાં જ મારી નાખત, બિલોરીને કેટલીયેવાર આ વિચાર આવી ગયો. દોઢ દિવસની યાતના બાદ, બિલોરીનું અંગ ચીરીને એની દીકરી બહાર આવી.

‘આઈ હેટ યુ'દુનિયામાં આવતાની સાથે ઉત્સવીએ પહેલવહેલા આ શબ્દો સાંભળ્યા. બોલનારી સગી માતા હતી, અને આ શબ્દો એણે છેલ્લીવાર નહોતા ઉચ્ચાર્યા.

‘આઈ હેટ યુ ઉત્સવી'બિલોરીના હોઠ ફફડ્યા. પણ પછી તરત ભૂલનું ભાન થયું હોય એમ એની આંખો ખૂલી ગઈ. કોઈએ સાંભળી તો નહોતું લીધું ને? માથું સહેજ પણ હલાવ્યા વિના એણે ઝડપભેર આસપાસ નજર ફેરવીને પાંપણ પાછી ઢાળી દીધી.

બાવીસ વર્ષ પહેલાં, મનાલીમાં એક મેટરનિટી હોમના લેબર રૂમમાં એણે આવો બબડાટ કરી નાખેલો, ત્યારે જોકે કોઈએ એના શબ્દોને સિરિયસલી નહિ લીધા હોય. પ્રસૂતિની કારમી પીડા વેઠી રહેલી સ્ત્રીઓ ઘણીવાર આવનારા બાળકને જ નહિ , પતિ અને ભગવાનને પણ કોસતી હોવાનું હોસ્પિટલના સ્ટાફે સાંભળ્યું હોય છે. ઊલટું એ વખતે તો ત્યાં હાજર મોટી વયની નર્સે, બિલોરીના માથે સહાનુભૂતિ ભર્યો હાથ ફેરવ્યો હતો.

પરંતુ આ બીજા પ્રકારની હોસ્પિટલ હતી.અહીં એ જે પણ બોલે, એ પોલીસના કાને પહોંચવાની પૂરેપૂરી શક્યતા હતી. ઉત્સવીની હત્યા કરવાનો આરોપ એના પર હતો. ઉત્સવી જન્મી એ ઘડીથી બિલોરી એને નફરત કરતી હતી, આ સત્ય બહાર આવી જાય તો બિલોરીની મુસીબતમાં સો ગણો વધારો થઇ જાય. 

પેલો ખડૂસ વાસુકિ તો આવી જ કોઈ તકની રાહ જોતો હશે. એ એવું જ માનતો હતો કે બિલોરીએ તબિયત બગડી હોવાનું માત્ર બહાનું કાઢેલું. બિલોરીને હોસ્પિટલમાં લઇ જવાની એને સહેજે નહોતી ગમી, પણ લાવવી પડી. અને હોસ્પિટલમાં તો પછી ડોક્ટરનું જ ચાલે.

જોકે એ લુચ્ચા પોલીસ કમિશનરે બિલોરીના રૂમમાં છૂપા કેમેરા ગોઠવી રાખ્યા હોય, તોયે નવાઈ નહિ. બિલોરી આંખો બંધ રાખીને, આ વખતે સહેજ મોટે સાદે બબડી, 'આઈ લવ યુ બેબી, ક્યાં છે તું.....આવી જા જલદી મારી પાસે...'

હકીકત એ હતી કે ઉત્સવીને એણે આટલાં વર્ષોમાં ક્યારેય પ્રેમથી પોતાની પાસે નહોતી બોલાવી. બચપણમાં ઉત્સવીને વધુ પ્રેમ એના નાનાનાની તરફથી મળેલો. એ લોકોએ ભલે બિલોરીને દીનુ સાથે ઝટપટ પરણાવીને રાહતનો શ્વાસ લીધો હોય, પણ દીકરીના ગયા પછી એમનું ઘર સાવ ખાલી થઇ ગયેલું. લગ્ન પછી બિલોરીએ એમની સાથેનો સંબંધ લગભગ તોડી જ નાખેલો. માબાપને ઘેર એ ક્યારેય જતી નહોતી, અને એ લોકો મળવા આવે તો માત્ર નામપૂરતી વાતચીત કરતી.

પુત્રીનો પ્રેમ ગુમાવી બેઠેલા યુગલને દોહિત્રી પર બેહિસાબ વહાલ વરસાવવાનો મોકો મળી ગયો. બિલોરી ત્યાં એમની વચ્ચે નહોતી આવી. બિલોરીએ મનાલી છોડીને દિલ્હી જવાનો વખત આવ્યો, અને એના માતાપિતાએ ઉત્સવીને થોડો સમય એમની પાસે રાખવાની વાત કરી, ત્યારે પણ બિલોરીએ આનાકાની નહોતી કરી, બલકે હાશકારો અનુભવેલો.

અને દીનુને વાંધો હોવાનો તો સવાલ જ નહોતો. ઉત્સવી હજી માંડ પંદર દિવસની થઇ હશે, ત્યાં દીનુના દિલ્હીવાસી કાકા ગુજરી ગયા. કાકી તો વરસો પહેલાં વિદાય થઇ ગયેલાં. એમને કોઈ સંતાન નહોતું, અને વારસદાર હોવાનો દાવો કરી શકે, એમાં દીનુ સિવાય બીજું કોઈ નહોતું.

કાકાને ભત્રીજા માટે ખાસ કંઈ સ્નેહ નહોતો, પણ ભારતના બીજા લાખો લોકોની જેમ એ પણ વિલ બનાવ્યા વિના મરી ગયા, અને દીનુના દિવસ ફરી ગયા. કાકા એમની પાછળ કરોડો રૂપિયા નહોતા છોડી ગયા. પણ, શહેરના મિડલ ક્લાસ એરિયામાં ઘર અને આઇસક્રીમ પાર્લરની માલિકી, સાવ મામૂલી પણ ન ગણાય.

દીનુ રાતોરાત મનાલીથી નીકળવા માટે તૈયાર હતો, પણ નિર્ણય લેતા પહેલાં એણે બિલોરીને પૂછ્યું. બિલોરીને જવું હતું પણ એણે પોતાની તત્પરતા દબાવીને કહ્યું, ‘દિલ્હી જઈને મને આગળ ભણવા દઈશ?' દીનુ ખુશ થઇ ગયો. ઉત્સવી મનાલીમાં એના નાનાજીને ઘેર રહેવાની હતી, દિલ્હીમાં ઘરની અંદર નવરી બેઠી બિલોરીને આડાઅવળા ઉધામા સૂઝે, એના કરતાં ભણવામાં એનું ચિત્ત ચોંટી રહે એમાં દીનુનું ભલું જ હતું. પતિપત્ની દિલ્હી આવી ગયાં.

બંને માટે આ નવા જીવનની શરૂઆત હતી.મનાલીમાં ભાગ્યેજ કોઈ જાણતું હતું કે દીનુનું મૂળ નામ પ્રહર હતું. જન્મ વખતે ઘેર પધારેલા ગુરુજીએ છોકરાનું નામ તો પાડી દીધું પણ બીજા તો ઠીક, ખુદ બાળકનાં અંગૂઠાછાપ માબાપને પણ આ બોલવામાં તકલીફ પડતી હતી. કોઈએ એને દીનુ કહીને બોલાવ્યો, અને બધાંને ફાવી ગયું. પણ, દિલ્હી આવીને દીનુને કદાચ લાગ્યું હશે કે એના નવા સ્ટેટસ સાથે દીનુને બદલે પ્રહર વધુ શોભતું હતું. ઘરની બહાર નેમપ્લેટ લાગી ગઈ-પ્રહર કુકરેજા.

નામની સાથે દીનુની મતિ પણ બદલાઈ હોય એમ લાગતું હતું. એ તનતોડ મહેનત કરતો હતો, દારૂ હવે માત્ર વાર-તહેવારે જ પી લેતો. ઝઘડા તો સાવ જ બંધ હતા. બિલોરીને કોરસ્પોન્ડન્સ કોર્સ દ્વારા ભણવાનું પસંદ કરેલું. અને આને કારણે જે વધારાનો સમય મળતો હતો એમાં એ ઈંગ્લિશ સ્પીકિંગના કલાસમાં જતી હતી. દિલ્હી આવ્યા પછી, એણે જિંદગીમાં પહેલીવાર બ્યુટીપાર્લરમાં પગ મૂકેલો. દીનુ સારું કમાતો હતો અને પૈસા આપવામાં કંજૂસી નહોતો કરતો.

પત્નીને હવે એ પહેલાથીયે વધુ સાચવતો હતો. બિલોરીને પતિ માટે કોઈ પ્રેમ નહોતો જાગી ગયો, પણ હવે એના પોતાના દિલમાંથી નફરત અને કડવાશ ધીમેધીમે ઓગળવા લાગેલાં. દીનુ સાથે બોલવામાં કે બહાર નીકળવામાં હવે એને પહેલાં જેટલો ત્રાસ નહોતો થતો. દીનુને છોડી દેવાનો વિચાર હજી મનમાં સાબૂત હતો, પણ એનો અમલ કરવાનું પાછળ ને પાછળ ઠેલાતું જતું હતું. અને પછી એક ક્ષણ, જે બિલોરીના શબ્દોમાં કહો તો નબળી ક્ષણ હતી, એમાં બિલોરીના બીજા સંતાનનું બીજ રોપાઈ ગયું.

બિલોરીના હાથમાં બીએની ડિગ્રી આવી, એના બીજે જ દિવસે એણે પુત્રને જન્મ આપ્યો. નામ આપ્યું, લક્ષ્યજિત. પણ દીનુએ એનું લકી કરી નાખ્યું. બોલવામાં સહેલું પડે અને, દીનુને મન એનો આ દીકરો ખરેખર ગુડ લક લઈને આવેલો. બિઝનેસ ધમધોકાર ચાલી રહ્યો હતો. દીનુ ઉર્ફે પ્રહરને હવે બીજા એરિયામાં, બીજું પાર્લર ખોલવાના અરમાન જાગી ગયેલા. સારી જગ્યાની શોધ શરૂ થઇ. અહીં એની ઓળખ જિમી નાયર નામના એસ્ટેટ એજન્ટ સાથે થઇ. જિમીએ પ્રહર કુકરેજાને નવું આઇસક્રીમ પાર્લર ખોલવા માટે સારી જગ્યા બતાવી, પણ બદલામાં પ્રહરની પત્નીને લઇ ગયો.

દીનુ તો ઊંઘતો ઝડપાઈ ગયેલો. એ તો એવા ભ્રમમાં હતો કે બિલોરી હવે એની સાથે બહુ સુખી હતી. બિલોરીએ અચાનક એક દિવસ એની પાસે ડિવોર્સ માંગ્યા ત્યારે એને લાગ્યું કે ભલીભોળી છોકરી પેલા બદમાશ જિમીની જાળમાં ફસાઈ ગઈ. જોકે પછીનાં વર્ષોમાં દીનુનો વિચાર બદલાયો. ક્યાંક એવું તો નહોતું ને કે બિલોરીએ જિમીને ભરમાવેલો?

જે હોય તે, લકી હજી એનો ત્રીજો જન્મદિવસ ઊજવે, એ પહેલાં તો એની મમ્મી મિસિસ કુકરેજામાંથી મિસિસ નાયર બની ગયેલી. દીનુએ એના દીકરાનો કબજો મેળવવા માટે ખાસ લડાઈ નહોતી કરી. એ માણસમાં એટલી અક્કલ હતી કે એની ઉંમરે એકલા હાથે બાળકને ઉછેરવાની શક્તિ એનામાં નહોતી. હા,ત્રીજા લગ્ન કરવાના અરમાન એના દિલમાં જીવિત હતા. અને, નવી પત્ની સાથેના નવા ઘરસંસારમાં, જૂની પત્નીથી થયેલા સંતાનને ગોઠવવાનું કદાચ મુશ્કેલ થઇ જાય.

લકી, એની મમ્મી સાથે નવા પપ્પાને ઘેર ગયો. લગ્નના બે જ વર્ષમાં જિમી એના પરિવાર સાથે ચંદીગઢ જતો રહ્યો. એ પછી બિલોરીએ ક્યારેય દીનુને જોયો નહિ. વર્ષો પછી એણે એટલું સાંભળ્યું કે દીનુ દિલ્હી છોડીને પોંડીચેરીમાં સ્થાયી થઇ ગયો હતો.

ઉત્તરમાં વસતો માણસ, જતી ઉંમરે દક્ષિણમાં શું કામ વસવા જાય, એ બિલોરી નહોતી જાણતી, અને જાણવામાં એને રસ પણ નહોતો. એણે તો બીજીવારનાં લગ્નના ચારેક વરસની અંદર જિમી નાયરમાંથી પણ રસ ગુમાવી દીધેલો. આ દરમિયાન થઈ ગયેલી એક દીકરી, એન્જેલિના પણ એમનાં લગ્નને બચાવી ન શકી. બિલોરીએ ડિવોર્સની માંગણી કરી. પણ આ વખતે આઝાદી મેળવવાનું સહેલું નહોતું.

લગભગ વરસ સુધી પુષ્કળ ઝઘડ્યા બાદ જિમી પત્નીને છોડવા તો જેમતેમ તૈયાર થયો પણ ત્યારે બે વરસની થવા આવેલી એન્જેલિનાની કસ્ટડી મેળવવા માટે પતિ-પત્ની વચ્ચે આકરી લડાઈ ચાલી. જિમી માત્ર પતિ તરીકે નહિ, પરંતુ બાપ તરીકે પણ કેટલો ખરાબ હતો, એ કોર્ટમાં સાબિત કરવા માટે બિલોરીએ એના પર જાતજાતના આક્ષેપો મૂક્યા.

કોર્ટની બહાર પણ એણે જિમીને બદનામ કરવામાં કંઈ બાકી નહોતું રાખ્યું. છેવટે એન્જેલિનાનો કબજો બિલોરીને મળ્યો. એ વખતે પોતાના દોસ્તોની સામે ક્રોધ અને હતાશાની લાગણી ઠાલવતા જિમીએ કહેલું, ‘આઈ વોન્ટ ટુ મર્ડર ધેટ બીચ.' વર્ષો પછી, આમાંથી જ એક દોસ્તના ઘરમાં ડિનર લઇ રહેલા જિમી નાયરની ધરપકડ કરવા માટે મુંબઈ પોલીસ આવી પહોંચી.

જિમી પર મર્ડરનો આરોપ હતો. એણે જોકે બિલોરીનું મર્ડર નહોતું કર્યું. જેને એ એક સમયે મારવા માંગતો હતો, એ બિલોરી સાથે મળીને જિમીએ બિલોરીની મોટી પુત્રીની હત્યા કરેલી. ‘એ નબળાએ પોલીસને શું કહ્યું હશે?'હોસ્પિટલના બિછાને આ વિચાર કરતાં કરતાં બિલોરી ઊંઘમાં સરી પડી. વહેલી સવારે એણે સપનું જોયું કે ટીન એજર લકીનું ગળું દબાવતા એ ચીસો પડી રહી હતી, ‘તું કેમ મરી નથી જતો?'

‘અચ્છા તો મિસ્ટર જિમી નાયર, તમે હજીયે એવું જ કહો છો કે, ઉત્સવીના મર્ડરમાં તમારો હાથ નથી?'‘નો સર...યસ સર....આઈ મીન...'‘સમજી ગયો, તમે નિર્દોષ છો. ચાલો થોડી જૂની વાતો કરીએ. એમાં તો કંઈ વાંધો નથી ને?’જિમીએ માત્ર માથું હલાવ્યું.

સહમતિ દર્શાવ્યા સિવાય એની પાસે બીજો રસ્તો પણ ક્યાં હતો? કમિશનર વાસુકિ ગોકર્ણ ભલે આ ઘડીએ જિમી નિર્દોષ હોવાની વાત માની લેવાનો દેખાવ કરતા હોય પણ અંદરખાને જિમી જાણતો હતો કે નજીકના ભવિષ્યમાં એનો છુટકારો નહોતો થવાનો. જૂની વાત કરવા પાછળ પણ વાસુકિનો ઈરાદો તો જૂનાં મડદાં ઉખેળવાનો જ હશે.‘તમે બિલોરીને મળ્યા, ત્યારે તો હજી એ કુકરેજાની વાઈફ હતી ને?' વાસુકિએ પહેલો સવાલ કર્યો.‘યેસ સર, પણ એ એની મેરિડ લાઈફમાં ખુશ નહોતી.

કુકરેજા સાથે એણે કેવા સંજોગોમાં મેરેજ કરવા પડેલા, એ તો મેં તમને કહેલું જ ને?'‘હા, બિલોરીને મનાલીમાં કોઈ છોકરા સાથે પ્રેમ થઇ ગયેલો, જેણે એને દગો આપ્યો, અને પછી બિલોરીએ પરાણે કુકરેજા સાથે લગ્ન કરવા પડ્યાં.'‘રાઈટ સર'‘પછી એ છોકરાનું શું થયું?'‘ખબર નથી.

મેં ક્યારેય બિલોરીના ભૂતકાળ વિષે ઝાઝી ખણખોદ નહોતી કરી. એણે સામે ચાલીને કીધું એટલું જ હું જાણું છું. જોકે મને એટલું સમજાયું કે પાસ્ટમાં એ બહુ દુઃખી થયેલી, અને હું નહોતો ઈચ્છતો કે,જૂના દિવસો યાદ કરીને એ વધુ દુખી થાય.'

‘ઓહ યસ, યુ આર અ રિયલ જેન્ટલમેન. તમે તો બિલોરીના આગલા મેરેજથી થયેલાં સંતાનોની જવાબદારી પણ ઉપાડી લીધી. બરાબર?' ‘જી સર. મેરેજ પછી લકી અમારી સાથે રહેતો હતો. હું એને મારા દીકરાની જેમ જ સાચવતો હતો. એ જોકે મને અંકલ કહેતો હતો, અને મેં પણ ક્યારેય એને અંકલને બદલે પપ્પા બોલવાની ફરજ નહોતી પાડી.'

‘ઓહ, યુ આર સચ એન અન્ડરસ્ટેન્ડિંગ પર્સન, મિસ્ટર નાયર. તમે તો બિલોરીના ફર્સ્ટ ચાઈલ્ડ, આઈ મીન ઉત્સવીના ઉછેરની જવાબદારી પણ લીધેલી ને?’‘પૂરી જવાબદારી તો નહિ, કારણ કે એ તો મનાલીમાં એનાં નાના-નાની સાથે રહેતી હતી. પણ હા, દર મહિને એમને પૈસા મોકલતો હતો.

ઘણીવાર વેકેશનમાં એ ચંદીગઢ આવીને અમારી સાથે રહેતી પણ હતી. તમે જ કહો, હું કઈ રીતે એનું મર્ડર કરી શકું જે.......'જિમીનો અવાજ ઊંચો થયો. ‘વેઇટ વેઇટ નાયર, આપણે અહીં ક્યાં મર્ડરની વાત કરીએ છીએ?'વાસુકિએ હાથ ઊંચો કરીને જિમીનું વાક્ય અડધેથી કાપી નાખ્યું. અને પછી ટેબલ પર પાણીનો ગ્લાસ આગળ સરકાવતા કહ્યું, ‘જસ્ટ રિલેક્સ, આપણે બીજી વાત કરીએ. ઓકે?'

જિમીએ પાણી પીને માથું તો હલાવ્યું, પણ એની સ્થિતિ ‘ઓકે'કહેવાય એવી તો નહોતી જ.

‘નાઉ ટેલ મી, તમે દિલ્હી છોડીને ચંદીગઢ જવાનું શું કામ પસંદ કર્યું ?' ‘સર, દિલ્હીમાં એસ્ટેટ એજન્ટ તરીકે મારું કામ સારું ચાલતું હતું. પણ પછી ચંદીગઢમાં એક લોકલ પાર્ટનર સાથે મળીને એક પ્લોટ ડેવલપ કરવાની ઓફર આવી. એ કામમાં સક્સેસ મળી, એટલે બીજો પ્રોજેક્ટ મળ્યો. મને લાગ્યું કે ચંદીગઢમાં જ રહું તો વધુ સારી રીતે કામ થઇ શકે......'‘એટલે તમે દિલ્હી છોડીને ચંદીગઢ શિફ્ટ થઇ ગયા.'

‘હા'‘બિલોરી પણ તૈયાર હતી ત્યાં જવા માટે?' જિમી સહેજ અટકીને બોલ્યો, ‘શરૂઆતમાં એણે આનાકાની કરી. એને લાગતું હતું કે, દિલ્હીની સરખામણીએ નાના ગણાય એવા ચંદીગઢમાં જઈને એનું સોશિયલ સર્કલ નાનું થઇ જશે, એની કરિયર રૂંધાઇ જશે.'

‘કરિયર?' ‘જી સર. દિલ્હીમાં એણે ઘણા ફ્રેન્ડ્સ બનાવી લીધેલા. એમાંથી કોઈએ એને એડવર્ટાઈઝિંગ એજન્સી માટે ટ્રાન્સલેશનનું કામ અપાવ્યું. લકી એકાદ વર્ષનો થયો ત્યારે બિલોરીએ એજન્સીની ઓફિસમાં જવાનું પણ શરૂ કરી દીધેલું. એને માત્ર ટ્રાન્સલેટર બનીને નહોતું રહેવું. હું એને મળ્યો ત્યારે તો એ ફર્મમાં પોતાના ઊજળા ભવિષ્યની વાત કરવા લાગેલી. ઇન ફેકટ હસબન્ડ સાથે એને આ વાત પર વારંવાર ઝઘડો થતો. કુકરેજા નહોતો ઈચ્છતો કે એની વાઈફ બહાર નોકરી કરવા જાય.'

‘અને તમે?' ‘મને વાંધો નહોતો. અમારા મેરેજ પછી પણ બિલોરીએ એનું કામ ચાલુ રાખેલું. દિલ્હી છોડવાની પહેલાં તો એણે ના પાડી, પણ પછી નક્કી થયું કે ચંદીગઢમાં એ મારી સાથે બિઝનેસમાં જોડાશે.

અને એ પણ ઓફિશિયલ પાર્ટનર તરીકે, ત્યારે એ તૈયાર થઈ.' ‘અરે વાહ, આ ઓફર તમે આપેલી?' જિમીએ આનો જવાબ આપવામાં સહેજ વાર લગાડી. ‘વેલ, આ સજેશન એનું હતું, પણ સર, મેં ના નહોતી પાડી. હું ....'

વાસુકિએ પાછો એને અડધેથી અટકાવીને પૂછ્યું, ‘બિલોરીએ સજેશન આપેલું કે ડિમાન્ડ કરેલી?'અને પછી સહેજ કડક અવાજે ઉમેર્યું, ‘ખોટું નહીં બોલતા.' જિમીએ પાછું પાણી પીધું, હાથથી મોઢું લૂછ્યું અને ધડધડાટ બોલવા લાગ્યો. ‘ટુ બી ઓનેસ્ટ, મારી ખાસ ઈચ્છા નહોતી. બિલોરી નાનીમોટી નોકરી કરે એ ઠીક હતું, પણ બિઝનેસમાં એને શું ભાન પડે? પણ એણે જીદ પકડી રાખી. 

કાયદેસર ઓફિશિયલ પાર્ટનર બન્યા પછી જ એણે ચંદીગઢ આવવાની હા પાડી. જોકે, એટલું કહેવું પડે કે, એણે એનું કામ સિરિયસલી લીધું. અમારી નવી કંપનીમાં માર્કેટિંગ, પ્રમોશનનું કામ એણે સંભાળી લીધું. સરકારી ખાતાંઓમાં દોડધામ પણ એ કરતી હતી. બોલવાચાલવામાં સ્માર્ટ હતી, લોકો પાસે કામ કઢાવવાની કુનેહ એનામાં હતી.

મારું મગજ ક્યારેક ફરી જાય, પણ એ તો શાંતિથી સામેવાળાને ખબર પણ ન પડે એમ પોતાનું ધાર્યું કરાવી લેતી. પછી તો એવો ટાઈમ આવી ગયો કે, લોકો મારા કરતાં એને વધુ ઓળખતા થઇ ગયેલા. બિલોરીએ પોતાનું સોશિયલ સર્કલ જમાવી દીધેલું. ચંદીગઢની હાઈ સોસાયટીમાં એની ઊઠબેસ હતી.' ‘અને ઘરમાં બે બાળકોને ઉછેરવાની જવાબદારી પણ એ સંભાળતી હતી.'વાસુકિએ કહ્યું. ‘બે નહિ એક. અમે ચંદીગઢ શિફ્ટ થયાં, ત્યારે એણે લકીને પણ મનાલી મોકલી દીધો.'

‘બિલોરીનાં માબાપે ના ન પાડી?' ‘શું કામ ના પાડે? જતી ઉંમરે એકલતા ઓછી થતી હતી, અને એમનું ઘર તો અમારે પૈસે ચાલતું હતું. બિલોરીના બાપે નબળી તબિયતના નામે કામકાજ કરવાનું લગભગ છોડી દીધેલું. અમે એ લોકોને પુષ્કળ પૈસા મોકલતા હતા.અહીં બિલોરી ફ્રી થઇ ગઈ. બંને પક્ષ માટે સારું હતું.'

‘પણ, બિલોરી ક્યાં પૂરેપૂરી આઝાદ થઇ ગયેલી, એણે તો પછી તમારી દીકરીને જનમ આપ્યો.'વાસુકિએ યાદ દેવડાવ્યું. જિમી ચૂપ થઇ ગયો. વાસુકિએ આગળ ઝૂકીને પૂછ્યું, ‘સાચું બોલજો, આ દીકરીનો જનમ બિલોરીની ઇચ્છાથી થયેલો કે તમે જબરદસ્તી કરેલી?'

જિમી નીચું જોઈને બબડ્યો, ‘પણ એ વાતને હવે આજના કેસ સાથે શું સંબંધ છે?’ વાસુકિએ ટેબલ પર હાથ પછાડ્યો. ‘કેસ સાથે કઈ વાતને સંબંધ છે કે નથી, એ હું નક્કી કરીશ, મિસ્ટર નાયર. નાઉ લુક એટ મી, અને હું જે પૂછું એ વાતનો જવાબ આપો, એન્ડ માઈન્ડ યુ, ખોટું બોલવાથી તમારી મુસીબતમાં વધારો થશે.'

જિમીને પસીનો વળવા લાગ્યો. એણે બોલવાનું શરૂ કર્યું.'મેં જબરદસ્તી નહોતી કરી, પણ મને બિલોરીની અદેખાઈ આવવા લાગેલી. ડર પણ લાગતો હતો કે એ મને છોડીને કોઈ બીજા સાથે જતી રહેશે. મારાથી વધુ રિચ, સક્સેસફુલ પુરુષો એની આગળ પાછળ ફરતા હતા.સેફ્ટીના ભ્રમમાં રાખીને મેં એને પ્રેગ્નન્ટ બનાવી દીધી.' ‘એ અબોર્શન કરાવી શકી હોત.' ‘હા. એણે એકાદવાર એવું કહ્યું પણ ખરું. પણ પછી, વિચાર બદલી નાખ્યો.

કારણ હું ખરેખર નથી જાણતો. એન્ડ બિલીવ મી, એન્જલ એને જીવથીયે વહાલી હતી. છોકરીએ એને જરા સરખીયે તકલીફ નહોતી આપી. પ્રેગ્નન્સીના છેલ્લા દિવસોમાં પણ બિલોરી ઓફિસે આવતી હતી, પાર્ટીઓ અટેન્ડ કરતી હતી.

ડિલિવરી પછી એક જ મહિનામાં એણે ઓફિસમાં એન્જલ સાથે આવવાનું શરૂ કરી દીધેલું. છોકરી એક કોર્નરમાં સૂઈ રહેતી કે એકલી એકલી રમ્યા કરતી. રડવાનું તો એ જાણે શીખી જ નહોતી. શી વોઝ અ રિયલ એન્જલ, માય બેબી....'જિમીનો અવાજ ગળગળો થઇ ગયો.

જોકે વાસુકિએ એને વધુ લાગણીશીલ થવાની તક આપવાને બદલે બીજો સવાલ ફંગોળ્યો, ‘અને ઉત્સવી?' ‘ઉત્સવી......શી વોઝ અ મોન્સ્ટર. એ છોકરીએ તો મારું જીવવું હરામ કરી દીધેલું.'જિમીનો અવાજ સાવ ભાંગી પડ્યો.

‘મોન્સ્ટર......ઉત્સવીને તમે મોન્સ્ટર કહો છો?'વાસુકિના ભંવાં ઊંચકાયાં. ‘હા, એણે મને જે રીતે હેરાન કરેલો...... 'જિમી નીચું જોઈ ગયો. ‘ક્યારની વાત કરો છો , હમણાં તમે મુંબઈ આવ્યા ત્યારે..?’ ‘નો સર, હું તો એ નાની હતી, એના નાનાજી સાથે રહેતી હતી ત્યારની વાત કરું છું.'

‘એ કેવી રીતે? જરા ફોડ પાડીને બોલો.' ‘જિમીએ ઊંડો શ્વાસ લઈને છોડ્યો, અને પછી બોલવાનું શરૂ કર્યું. 'બિલોરીએ એના પહેલા હસબંડ સાથે ડિવોર્સ લીધા, અને પછી લગભગ બે વરસ અમે દિલ્હીમાં રહ્યાં ત્યાં સુધી તો ઉત્સવીને મેં જોઈ પણ નહોતી. બિલોરીને કોઈવાર એનાં બાળકોને મળવાની ઇચ્છા થાય તો એ એકલી મનાલી જઈ આવતી.

ચંદીગઢ ગયા પછી એકવાર હું એની સાથે મનાલી ગયેલો, ત્યારે મેં પહેલીવાર ઉત્સવીને જોઈ. લકી મારી સાથે બે વરસ રહેલો એટલે એની સાથે મારું થોડું ઘણું અટેચમેન્ટ હતું. નાનપણથી એને ટીવી પર કાર્ટૂન્સ જોવાનું બહુ ગમતું હતું, એટલે એના માટે હું યાદ કરીને દસબાર ફિલ્મ્સની સીડી લઇ ગયેલો. અમે બપોરે મનાલી પહોંચ્યાં.

બિલોરીનાં માબાપને પહેલીવાર મળવાનું થયું હતું, એટલે એ દિવસે તો મોટાભાગનો સમય એમની સાથે વાતો કરવામાં ગયો. પછી એના ફાધર અમને એક પ્લોટ જોવા લઇ ગયા. એમને ત્યાં નવું મકાન બનાવવું હતું. ચંદીગઢમાં અમારો બિઝનેસ વધ્યો, ત્યારથી એ લોકોની ડિમાન્ડ પણ વધેલી.'જિમીએ કડવું સ્મિત કર્યું.

‘અને તમે પૂરી પણ કરતાં હતાં?'વાસુકિએ પૂછ્યું. ‘શું કરીએ? જોકે બિલોરીએ નવા મકાન માટે પૈસા આપવાનો સાફ ઈનકાર કરી દીધો. એના બદલે જૂના ઘરને રિનોવેટ કરીને, એમાં બે રૂમ વધારવાનું સજેશન એણે આપ્યું. આ વાત થઈ એ વખતે ઉત્સવી ત્યાં હાજર હતી. એણે તરત કહ્યું, "મને મારો જુદો મોટો બેડરૂમ જોઈએ. મારો રૂમ હું લકી સાથે શેર નહિ કરું. ત્યારે એ માંડ છ સાત વરસની હશે.

નેચરલી,નાની છોકરીની વાત અમે હસવામાં કાઢી નાખી, પણ પછી ડિનર ટેબલ પર એણે અચાનક પૂછ્યું, "અંકલ મારા માટે શું લાવ્યા?’હું ઘડીક મૂંઝાયો. મેં ધારી લીધેલું કે બિલોરીએ એની દીકરી માટે કોઈ ગિફ્ટ લીધી જ હશે. પણ પછી જવાબ આપવો પડે એટલે મેં આપ્યો કે, "આટલી બધી સીડીઝ લાવ્યો છું ને તમારા બંને માટે.’

સાંભળતાની સાથે જાણે એની કમાન છટકી."કાર્ટૂન્સ? આઈ એમ નોટ અ સ્મોલ બેબી’ કહીને એણે ટેબલ નીચે મારા પગને એટલા જોરથી લાત મારી કે, મારા મોઢામાંથી ઓય,આય જેવું કઈ નીકળી ગયું. "શું થયું?’એવું કોઈએ પૂછ્યું અને હું જવાબ આપું એ પહેલાં, ઉત્સવીએ કહ્યું, "અંકલે મને પગ માર્યો.

’હું તો નવાઈનો માર્યો કંઈ બોલી પણ ન શક્યો. બીજા બધાં એને સમજાવવામાં પડી ગયા કે, અંકલ જાણીજોઈને એવું ન કરે, ભૂલથી પગ લાગી ગયો હશે એવું બધું. મેં પણ વાત પડતી મૂકી. જોકે પછી બીજી સવારે અમે ચંદીગઢ જવા નીકળ્યાં, ત્યારે મારા મનમાં એવો વિચાર તો હતો જ કે, બીજીવાર મનાલી આવવા જેવું નહોતું. આખું ફેમિલી વિચિત્ર હતું.

‘બસ આટલી વાતના આધારે તમે ઉત્સવીને મોન્સ્ટર કહી દીધી?’વાસુકિએ આશ્ચર્ય દાખવ્યું. ‘નો સર, એ તો શરૂઆત હતી. પછી યાદ નથી કે કેટલો ટાઈમ વીતી ગયો, પણ અચાનક એક દિવસ બિલોરીના ફાધરનો ફોન આવ્યો કે ઉત્સવીની સ્કૂલમાં વેકેશન પડેલું, અને એ ચંદીગઢ આવવાની જીદ પકડીને બેઠેલી.

બિલોરીએ પહેલા તો ના પાડી, પણ પછી ઉત્સવીએ ફોન પર એટલી રડારોળ કરી કે હા પાડવી પડી. માદીકરી વચ્ચેની વાતમાં મારે તો કંઈ બોલવાનું નહોતું. બીજે જ દિવસે, મનાલીથી કોઈ ઓળખીતો, ઉત્સવીને અમારે ત્યાં મૂકી ગયો.'

‘લકીની સાથે?'‘ના. લકી નહોતો આવ્યો.એની તબિયત સારી નહોતી. આમેય એ છોકરો નાનપણથી વીક હતો. વારેઘડીએ માંદો પડી જાય, જરા સરખો ઉઝરડો પડે તો કકળાટ કરી મૂકે. મારી સાથે હતો ત્યારે તો મેં એને સ્ટ્રોન્ગ બનાવવાની કોશિશ કરેલી, પણ મનાલીમાં પેલા લોકોએ એની દયા ખાઈખાઈને સાવ બગાડી મૂક્યો. લકી નબળો તો હતો જ, અને પછી સાવ આળસુ થઇ ગયો. બેઠોબેઠો ટીવી જુએ અને ખાધા કરે. એને જોઇને કોઈ કહે નહિ કે આ ઉત્સવીનો ભાઈ હશે. છોકરો કદાચ એના બાપ પર ગયેલો.....'

‘આપણે ઉત્સવીની વાત કરતા હતા.'વાસુકિએ ટકોર કરી. ‘ઓહ, આઈ એમ સોરી સર.'જિમીએ કહ્યું અને પછી મૂંગો થઈ ગયો. ‘આગળ બોલો' ‘મને ડર છે કે, તમને મારી વાત સાચી નહિ લાગે.'જિમી ધીમેથી બોલ્યો. ‘સાચું ખોટું માપવાની અક્કલ પોલીસમાં છે. નાઉ સ્ટાર્ટ ટોકિંગ.'વાસુકીએ કરડા અવાજે કહ્યું.

જિમીએ ખોળામાં રાખેલા બંને હાથનાં આંગળાં ભીડાવીને બોલવાનું શરૂ કર્યું. ‘ચંદીગઢ અમારે ઘેર આવ્યા પછી બેત્રણ દિવસ તો ઉત્સવીનું વર્તન નોર્મલ હતું. એન્જલ ત્યારે હજી એકાદ વર્ષની થયેલી, એને સંભાળવા માટે ઘરમાં બાઈ હતી, પણ આખો દિવસ એના ભરોસે દીકરીને મૂકતા બિલોરીનો જીવ નહોતો ચાલતો.

દિવસના ત્રણ ચાર કલાક જ એ ઓફિસમાં આવતી. કોઈવાર ન પણ આવે. પછી ઉત્સવીએ એને કહ્યું કે, મનાલીમાં મોટેભાગે એ જ લકીને સાચવતી હતી, અને અહીં પણ એન્જલની સંભાળ રાખવામાં એને વાંધો નહોતો, બલકે એને બહુ ગમશે. બિલોરી પહેલા તો થોડી ખચકાઈ, પણ પછી એને લાગ્યું કે ઉત્સવીએ તો બાઈ પર જ નજર રાખવાની હતી. એટલે એ માની ગઈ. આમેય એન્જલ ખુશમિજાજ બેબી હતી, ઉત્સવી સાથે પહેલા જ દિવસથી હળીમળી ગયેલી. મને પણ લાગ્યું કે ઉત્સવીને મોટી બહેનનો રોલ ભજવવાનું ગમતું હતું. જોકે....'કહીને જિમી પાછો અટકી ગયો.

‘ગો ઓન 'વાસુકિએ કહ્યું. ‘સર, ઉત્સવી આવી એ જ દિવસે બિલોરીએ એને કડક સૂચના આપી દીધેલી કે ઉત્સવીએ એને મમ્મી નહિ, દીદી કહેવાનું હતું. મને ત્યારે લાગ્યું કે નાની ઉંમરે બિલોરીને મમ્મીનું સંબોધન નહિ ગમતું હોય.

પણ પછી જ્યારે એણે ઘરકામ કરતી બાઈ, અને બીજાઓની સામે પણ ઉત્સવીની ઓળખ પોતાની નાની, સાવકી બહેન તરીકે આપી, ત્યારે મને થોડું વિચિત્ર લાગ્યું. માદીકરીના સંબંધને શું કામ છુપાવવો જોઈએ? મને પણ અંકલને બદલે ઉત્સવીએ જીજાજી કહેવાનું હતું. મેં કારણ પૂછ્યું તો બિલોરી ચિઢાઈ ગઈ. મને કહે કે, આ એનો પર્સનલ મામલો હતો. મેં પછી દલીલ ન કરી.

આમેય, છેલ્લા થોડા સમયથી બિલોરીનું વર્તન બદલાવા લાગેલું. મારી સાથે નાનીનાની વાતે તકરાર પર ઊતરી આવે, મને નીચું દેખાડવાની કોશિશ કરે. કહેતી હતી કે હું મારી મિડલ ક્લાસ મેન્ટાલિટીમાંથી બહાર નહોતો નીકળી શકતો. બિઝનેસમાં હું કોઈ મોટું રિસ્ક લેવાની ના પાડું તો એ મને ડરપોક કહીને ઝઘડી પડતી. એનાં સપનાં બહુ મોટાં થઇ ગયેલાં, અને એ સાકાર કરવા માટે રાહ જોવા જેટલી ધીરજ એનામાં નહોતી. પોતાનું ધાર્યું કરવામાં કોઈ બીજાનું નુકસાન થાય તોયે એને પરવા નહોતી.'

‘પોતાની સગી દીકરીનું પણ નહિ.'વાસુકિ બોલ્યો.‘રાઈટ. પણ આ બાબતમાં દીકરી એની માથી કમ નહોતી. ઉત્સવીના હાથમાં બિલોરીને હેરાન કરવાનું હથિયાર આવી ગયેલું. આમ તો એ કહ્યાગરી છોકરીની જેમ ઘરમાં અને બહાર પણ બિલોરીને દીદી કહીને જ બોલાવતી.

પણ ક્યારેક, બીજાની હાજરીમાં જાણે મમ્મી બોલતાં બોલતાં રહી જતી. કોઈવાર બોલી પણ નાખતી. બિલોરીએ ત્યારે પરાણે હસીને કહેવું પડતું કે વહાલી નાની બહેન માટે એ મા જેવી જ હતી. એને જોકે ખાતરી હતી કે ઉત્સવી જાણીજોઈને આવું કરતી હતી. બિલોરીને જે ન ગમે, એ કરવામાં ઉત્સવીને મજા આવતી.

બિલોરીનાં કોસ્મેટિક્સ વાપરે, એના બેડરૂમમાં જઈને સૂઈ જાય અને ચાદર વીંખી નાખે, મોંઘાં શૂઝ પહેરીને બહાર ધૂળમાં ફરી આવે, સ્કાર્ફમાં ડાઘ પડી નાખે, બીજી ચીજો આડીઅવળી કરી નાખે....' ‘બિલોરીએ એને પાછી મનાલી ન મોકલી દીધી?'વાસુકિએ પૂછ્યું. ‘એવું બોલવાયે જાય તો ઉત્સવી જોરથી રડવા બેસી જતી અને ધમકી આપતી કે એ બધાની સામે બિલોરીનો ભાંડો ફોડી નાખશે.

બિલોરી મજબૂર થઇ ગયેલી. ઉત્સવી વેકેશનના બે મહિના ચંદીગઢમાં જ રહેવાનું નક્કી કરીને આવેલી. બિલોરી ઓફિસેથી ઘેર જાય ત્યારે ઉત્સવી કોઈ ને કોઈ નવી ડિમાન્ડ લઈને ઊભી જ હોય. એ પૂરી ન થાય તો પાછી પેલી ધમકી.'

‘સાચું કહેજો, તમને તો કદાચ આ જોઇને અંદરખાને ખુશી થઈ હશે કે બિલોરીને કોઈ માથાનું મળ્યું.'વાસુકિએ સ્મિત કર્યું. જિમી નીચું જોઈ ગયો. આ વખતે વાસુકિએ એને ટોક્યો નહિ, બસ એની સામે જોઈ રહ્યો. થોડીવાર પછી માથું ઊંચું કરીને જિમી બોલ્યો, ‘યુ આર રાઈટ. પણ પછી એ છોકરીએ મને ઝપેટમાં લીધો.'

‘કેવી રીતે?' એક દિવસ અમે જમતાં હતાં ,ત્યાં અચાનક એણે પૂછ્યું, "દીદી, સાળીને આધી ઘરવાલી કહેવાય?’અમે ચમકી ગયાં તો ઉત્સવીએ બહુ નિર્દોષભાવે કહ્યું, "મેં તો આજે એક ટીવી સિરિયલમાં આવું સાંભળ્યું.

ઈટ મીન્સ, જીજુ મારા હાફ હસબન્ડ કહેવાય ને?’બિલોરીનો મૂડ એ દિવસે થોડો સારો હતો, એટલે એણે મજાકના સૂરે જવાબ આપ્યો."હાફ શું કામ, ફુલ હસબન્ડ પણ કહેવાય, જો તારા જીજુને વાંધો ન હોય.’અને પછી ઉત્સવીના માથે ટપલી મારતા કહ્યું, "ટીવી જોઈજોઈને દિમાગ ખરાબ થઇ ગયું છે તારું.’મેં પણ હસી કાઢ્યું.

ત્યારે ખબર નહોતી કે ઉત્સવીના દિમાગમાં શું ચાલી રહ્યું હતું. પણ થોડા જ દિવસોમાં મને પરચો મળી ગયો.'જિમીની જીભે લોચા વળવા લાગ્યા.

પાણી પી રહેલા જિમીને વાસુકિ ધારદાર નજરે જોઈ રહ્યો. જિમી હજી ગ્લાસ નીચે મૂકીને મોઢું લૂછતો હતો ત્યાં સવાલોનો મારો પાછો શરૂ થઇ ગયો. ‘પરચો મળી ગયો એનો મતલબ?' જિમીએ શરૂ કર્યું. ‘એ દિવસે મારી તબિયત ઠીક નહોતી. બિલોરીએ મને ઘેર જઈને આરામ કરવાની સલાહ આપી.

હું ઘેર આવીને, મારા બેડરૂમમાં આડો પડ્યો. કામવાળી બાઈએ જલદી જવાની રજા માંગી એ પણ મેં આપી દીધી. થોડીવાર પછી, બારણે ટકોરા માર્યા વિના ઉત્સવી મારા રૂમમાં આવી, અને પૂછ્યું, "જીજુ, તમારું માથું દબાવી આપું?’મારું માથું ફાટફાટ થતું હતું, અને કદાચ અક્કલ ઘાસ ચરવા જતી રહેલી, એટલે મેં હા પાડી દીધી. ઉત્સવીએ પહેલાં તો બેડની પાસે ઊભા રહીને મારું માથું દબાવ્યું, પછી બાજુમાં બેસી ગઈ.

ત્યારે મને ખ્યાલ આવ્યો કે એણે બિલોરીનો શોર્ટ ગાઉન પહેરેલો, ઉપરથી લિપસ્ટિક અને પર્ફ્યૂમ લગાડેલા. મેં કહ્યું કે દીદી ચીડાશે, તો એણે.....એણે ....'જિમીની જીભ થોથવાઈ ગઈ. ‘એણે શું કર્યું?'વાસુકિના ચહેરા પરની રેખાઓ તંગ થવા લાગી.

‘એણે ..એણે નીચે ઝૂકીને મારા હોઠ પર કિસ કરી લીધી'જિમી એટલી ઉતાવળે બોલી ગયો કે શબ્દો એકમેકમાં ગૂંચવાઈ ગયા. ‘વોટ?'વાસુકિની સાથે બેઠેલા બીજા બે ઓફિસર્સનાં મોઢાં પણ ખુલ્લાં રહી ગયાં. એમાંથી કોઈ ઊઠીને હમણાં લાફો મારી દેશે, એવી બીક લાગતી હોય એમ બે હાથ આગળ કરીને જિમી બોલ્યો, 'પ્લીઝ બિલીવ મી, આમાં મારો કોઈ વાંક નથી.

મારા માટે તો આ મોટો આંચકો હતો. ઉત્સવીને ધક્કો મારીને હું બેઠો થઇ ગયો. પણ એણે મારો હાથ પકડીને કહ્યું, "જીજુ મને ખબર છે કે, તમે દીદી સાથે હેપ્પી નથી, પણ હું છું ને.’મારા તો હોશકોશ ઊડી ગયા. એ જ વખતે બહાર એન્જલના રડવાનો અવાજ આવ્યો. ઉત્સવીથી હાથ છોડાવીને હું તો રૂમમાંથી ભાગ્યો. અને પછી બિલોરી આવી ત્યાં સુધી ઘરના દરવાજા ખુલ્લા રાખીને બેસી રહ્યો.'

થોડીવાર માટે ઇન્ટરોગેશન રૂમમાં ચૂપકીદી છવાઈ ગઈ. છેવટે એનો ભંગ કરતા વાસુકિએ પૂછ્યું, ‘ઉત્સવીની ઉંમર ત્યારે કેટલી હતી?' ‘એક્ઝેક્ટલી યાદ નથી, પણ હશે દસ વરસની. કદાચ એથીયે થોડી નાની.'

‘આર યુ ટ્રાઈંગ ટુ ટેલ મી, કે એટલી નાની છોકરીએ તમને સિડ્યુસ કરવાની ટ્રાય કરી?'વાસુકિના અવાજમાં ભારોભાર શંકા હતી. એમની બાજુમાં બેઠેલી લેડી ઓફિસરે પણ વાત માનવામાં ન આવી હોય એમ માથું ધુણાવ્યું.



ક્રમશ.





ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Ad Code