રક્ત રમત પ્રકરણ_૬

રક્ત રમત  પ્રકરણ_૬

લેખક: વર્ષા પાઠક 



‘સર, મેં પહેલાં જ કહેલું કે તમને મારી વાતમાં વિશ્વાસ નહિ બેસે.'જિમી દયામણા અવાજે બોલ્યો. ‘કેવી રીતે બેસે, તું નવદસ વરસની છોકરી પર આવો આરોપ મૂકી રહ્યો છે.'

'વાસુકિના મોઢામાંથી તુંકારો નીકળી ગયો, જાણે જિમી પ્રત્યે એને ઘૃણા જાગી ગઈ હોય. જિમી ફરી નીચું જોઈ ગયો. ‘સર, ઉત્સવી હતી માંડ દસ વરસની, પણ દેખાવમાં બારતેરથી ઓછી નહોતી લાગતી. જન્મી ત્યારથી બહુ હેલ્ધી હતી, એટલે જ તો ડિલિવરી વખતે બિલોરી હેરાન થયેલી. અને પછી એનો ગ્રોથ પણ બહુ ફાસ્ટ થયો હશે.

ઉત્સવી અમારે ત્યાં આવી ત્યારે બિલોરીના ખભા સુધી પહોંચતી હતી. એની બધી સ્ટાઈલ ટીનેજર જેવી હતી. ફિઝિકલી જ નહિ, મેન્ટલી પણ એ એની ઉંમરથી મોટી થઇ ગયેલી.' ‘અને તેં એનો લાભ લીધો.' ‘નો સર, સાચું કહું છું. હું તો એ દિવસ પછી એની સાથે એકલો પડતો જ નહિ.

કોઈવાર ઘેર જાઉં અને બિલોરી કે બાઈ ન હોય તો હું મારા રૂમમાં જઈને દરવાજો અંદરથી લોક કરી દેતો, કે પછી લિવિંગરૂમમાં એન્જલ સાથે રમ્યા કરતો. જોકે એ તક મળે ત્યારે મને પરેશાન કરતી. ટીવી જોતો હોઉં તો મારી બાજુમાં આવીને બેસી જાય, મને અડીને પસાર થાય, બહાર જઈએ ત્યારે કારમાં મારી બાજુમાં બેસવાનો આગ્રહ રાખે......'

‘તમે બિલોરીને આ બધું કહ્યું?' ‘શું કહું, સર, એ થોડી માનવાની હતી? અને એની જેમ મને પણ ઉત્સવીની બીક લાગવા માંડેલી. એકવાર મેં બિલોરી પાસે ફરિયાદ કરવાની ધમકી આપી, તો ઉત્સવીએ મને સામે ધમકાવ્યો કે, એ બધાંને કહેશે કે, આઈ વોઝ અ ડર્ટી ઓલ્ડ મેન. એ કપડાં બદલતી હોય, ત્યારે હું દરવાજાની તિરાડમાંથી એને જોઉં છું, એકલા હોઈએ ત્યારે હું એને ખોળામાં બેસવાનું કહું છું, એવું બધું.

તમે જ કહો સાહેબ, દસ વરસની છોકરી આવી ફરિયાદ કરે તો મારી શું દશા થાય? લોકો અમારા બેમાંથી કોની વાત માને? એકવાર બિલોરીએ મને ઉત્સવી સાથે શોપિંગ પર જવાની જવાબદારી સોંપી. મોલમાં એ છોકરીએ ઢગલાબંધ ખરીદી કરી, અને પછી ઘેર આવીને કહ્યું કે, એણે તો ના પાડેલી, પણ મેં આગ્રહ કરીને બધું અપાવ્યું. બિલોરીને મારા પર ગુસ્સો આવ્યો.

મેં એને સમજાવવાની બહુ કોશિશ કરી કે આટલી ટેણકીને હું શું કામ ચાર હજાર રૂપિયાનું પર્ફ્યૂમ લેવાનો આગ્રહ કરું, પણ બિલોરીએ મને સાંભળ્યો જ નહિ. એને કદાચ એવી શંકા પાડવા લાગેલી કે, હું ઉત્સવીને ખરાબ નજરે જોતો હતો, એની માસુમિયતનો ફાયદો ઉઠાવવાની પેરવી કરતો હતો. એ દિવસ પછી હું ઉત્સવી સાથે એકલો ન પડું, એનું ધ્યાન એ રાખવા લાગી.

મારા માટે તો જોકે સારું જ હતું. પણ પછી અમારા ડિવોર્સ પ્રોસિડિંગ વખતે બિલોરીએ આ બધું યાદ રાખીને મારા પર ફાવે તેવા ગંદા આક્ષેપ કર્યા. બધાને ગાઈવગાડીને કહ્યું કે હું નાની છોકરીઓ પર નજર બગાડતો હતો, એટલે મારી સગી દીકરી પણ મારાથી સલામત નહોતી. એ વખતે હું તો બહાર મોઢું બતાવવા લાયક નહોતો રહ્યો. જિમીના અવાજમાં ગુસ્સો ભળ્યો.

‘પણ તો પછી, આટલા વરસે તમે ઉત્સવીને મળ્યા, એની સાથે રાજીખુશીથી કારમાં બેસીને બહાર ગયા.....ઈટ મીન્સ, તમારો ગુસ્સો ઊતરી ગયેલો?'વાસુકિએ પૂછ્યું. ‘સર, પેલી બધી વાતને તો વરસો વીતી ગયાં. મને પણ પછી સમજાયું કે, પોતાની મધરના સેકન્ડ હસબન્ડ પ્રત્યે ઘણાં બાળકોને ગુસ્સો હોય છે, એટલે કદાચ એણે આ બધું તોફાન કર્યું હશે.

મુંબઈમાં અમે મળ્યાં ત્યારે તો ઉત્સવી પણ ભૂતકાળ ભૂલી ગયેલી. મને પણ એના માટે કોઈ હાર્ડ ફીલિંગ્સ નહોતી.'જિમીએ ડાહ્યાડમરા થઈને બાળમાનસ વિશેનું પોતાનું જ્ઞાન પ્રદર્શિત કર્યું.

‘અને બિલોરીએ જે આક્ષેપો કરેલા, એ પણ તમે માફ કરી દીધા?'

જિમીએ આજે જે કહ્યું એ ઘૃણા ઉપજાવે એવું હતું. આમ તો પોલીસ ઓફિસર હોવાને નાતે, એણે માનવજાતના લગભગ તમામ રંગ જોઈ લીધેલા. પણ દસ વરસની છોકરી.....

જિમીને ઇન્ટરોગેશનમાં નાનો બ્રેક આપીને વાસુકિ પોતાની કેબિનમાં ગયો. ટેબલ પર મુકાયેલી ચામાંથી નીકળતી વરાળ જોઇને એને જિમીએ કરેલી વાત યાદ આવી ગઈ.

ઉત્સવી ખરેખર 'મોન્સ્ટર'હતી, કે પછી અત્યારે એ પોતાનો બચાવ કરવા હાજર નહોતી, એટલે જિમીએ મનઘડંત કહાણી કહી દીધી? જોકે ઉત્સવીને ખરાબ ઠરાવીને, કે એનાથી થયેલા ખરાબ અનુભવોનું વર્ણન કરીને જિમીને શું ફાયદો થવાનો હતો? ઊલટું એણે જે કહ્યું એના પરથી તો એવું સાબિત થાય, કે એને વર્ષોથી ઉત્સવી પર ખુન્નસ હતું, જે હવે એણે ઉતાર્યું, ઉત્સવીને મારી નાખી.

માણસ સામે ચાલીને શું કામ પોતાના ગળામાં ફંદો નાખે? એમાં એની કોઈ ચાલ હશે? વાસુકિએ બીજી ચા મંગાવી.કદાચ પોલીસથી ડરી ગયેલા જિમીએ પોતાનું શું થશે એ વિચાર્યા વિના બધું કહી દીધેલું? એની વાત સાચી હોય તો ઉત્સવી સાવ નિર્દોષ યુવતી નહોતી.

મોટી થયાં પછી એન્જલ પ્રત્યેની એની ઈર્ષા ઘટવાને બદલે વધી હોય, એવી પૂરેપૂરી શક્યતા હતી. કદાચ એણે એવું કંઈ કર્યું હશે, જેનાથી એન્જલને નુકસાન પહોંચે અને બિલોરીનું દિમાગ છટકે. ઉત્સવીના હાથ તોડવાને બદલે એણે એનો જીવ લઇ લીધો.

‘સર, ડિવોર્સ વખતે લોકો એકમેક પર કાદવ ઉછાળતા જ હોય છે. બિલોરી પણ જાણતી હતી કે એણે ત્યારે જે કહ્યું એમાં કોઈ વજૂદ નહોતું. એટલે જ તો હવે એને ઉત્સવી મને મળે, એની સામે કોઈ વાંધો નહોતો.' વાસુકિને આ તબક્કે બિલોરીએ આપેલું બયાન યાદ આવી ગયું. એના કહેવા પ્રમાણે ઉત્સવીએ કોઈ વાત કરવા માટે જિમીને મઢ આયલેન્ડ પરના અધિરથ સારંગના બંગલામાં બોલાવેલો. પણ ઉત્સવી જિમીને એકાંતમાં મળે એ વિચાર બિલોરીને નહોતો ગમ્યો, એટલે એ પણ સાથે ગયેલી. અર્થાત્ એ હજી જૂની વાત નહોતી ભૂલી. તો ખોટું કોણ બોલતું હતું?

વાસુકિએ વાતચીતનો ટ્રેક બદલ્યો. ‘એન્જલ સાથે ઉત્સવીનું વર્તન કેવું હતું?' ‘એ બંને તો મુંબઈમાં ફ્રેન્ડ્સ બની ગયેલા. ઉત્સવી એન્જલનું બહુ ધ્યાન રાખતી હતી.' ‘હું હમણાંની નહિ, એ ચંદીગઢમાં હતી, ત્યારની વાત કરું છું.'વાસુકિએ કડક અવાજે કહ્યું.

‘ઉત્સવી અમારી સાથે દોઢેક મહિનો રહી, ત્યાં સુધી એ બાબતે તો શંકા કરવાનું કોઈ કારણ અમને નહોતું મળ્યું. એકવાર અમારી ગેરહાજરીમાં ઘરની અંદર એન્જલ પડી ગઈ, અને લોહીલુહાણ થઇ ગઈ ત્યારે ઉત્સવીએ એવું કહ્યું કે એ રમતાં રમતાં પડી ગયેલી. બીજી એકવાર વાર અમે ઘેર આવ્યાં ત્યારે એન્જલ ચીસાચીસ કરતી હતી. જોયું તો એના ફ્રોક પર દૂધ ઢોળાયેલું, એમાં થઇ ગયેલી લાલ કીડીઓ બિચારીને ચટકા ભરતી હતી.

બંને વાર બિલોરીએ તો બાઈને જ ધમકાવી કાઢી. પણ પછી જે ઘટના બની, ત્યારે અમને લાગ્યું કે, એની પહેલાં પણ જે થયું એમાં ઉત્સવીનો જ હાથ હતો.'જિમીએ થોડી જ વાર પહેલાં ઉત્સવીના બાળમાનસ પ્રત્યે દાખવેલી સમજણ, ઉદારતાનું જાણે બાષ્પીભવન થઇ ગયું. ગુસ્સો પાછો ફર્યો.

‘શું થયેલું?'વાસુકિએ પૂછ્યું. ‘એ દિવસે હું અને બિલોરી બપોરે જ ઘેર આવી ગયેલાં. એન્જલ સૂતી હશે,એવું ધારીને અમે ડોરબેલ વગાડવાને બદલે ચાવીથી મેઈન ડોર ખોલીને અંદર ગયાં. ઘરમાં શાંતિ હતી, પણ ત્યાં અચાનક ઉત્સવીના રૂમમાંથી એન્જલની ચીસો સંભળાઈ. અમે દોડ્યાં. અવાજ બાથરૂમમાંથી આવતો હતો.

દરવાજાને ધક્કો મારીને અંદર જોયું તો એન્જલ એક બકેટમાં હતી, અને એના પર, નળમાંથી ગરમ પાણી પડી રહ્યું હતું. પાણી એટલું ગરમ હતું કે બાથરૂમમાં ધુમાડો થઇ ગયેલો. સર, કેન યુ ઈમેજીન......'જિમીનો અવાજ ધ્રૂજી ગયો. ઘડીભર વાસુકિને પણ કમકમાં આવી ગયાં. પણ પછી જિમીએ સ્વસ્થ થઈને પોતે જ આગળ વાત ચલાવી. ‘બિલોરી તો પોતે દાઝી હોય, એમ ચીસો પાડવા લાગેલી. એન્જલને બહાર લાવીને, ઠંડા ટોવેલમાં લપેટીને અમે ડોક્ટર પાસે લઇ ગયા.

એની સ્કિન દાઝી ગયેલી, પણ ફોર્ચ્યુંનેટલી , કોઈ સિરિયસ ડેમેજ નહોતો થયો. ડોક્ટરે દવા લગાડી, અને ઘેનની દવા આપી, એટલે એ તો બિચારી પછી સૂઈ ગઈ. બિલોરીએ ઘેર જઈને, અમારી પરિચિત એક ટ્રાવેલ એજન્સીમાં ફોન કર્યો. અને પછી ઉત્સવીને એટલું જ કહ્યું, "પેક અપ યોર બેગ. કાલે સવારે પાંચ વાગે મનાલી જવા નીકળવાનું છે.’‘ઉત્સવી માની ગઈ?'

‘એણે પહેલા તો પોતાનો બચાવ કરવાની, અને પછી પેલી જૂની ધમકી આપવાની કોશિશ કરી. પણ બિલોરીની ધીરજ ખૂટી ગયેલી.એણે સાફસાફ કહી દીધું, "તારે જેને જે કહેવું હોય એ કહેજે. પણ આ ઘરમાં હવે તારે બીજીવાર પગ નથી મૂકવાનો. ભવિષ્યમાં પણ, એન્જલને અડવાની કોશિશ સુધ્ધાં કરી તો તારા હાથ તોડી નાખીશ.’બીજી સવારે ડ્રાઈવર કાર લઈને આવ્યો અને, ઉત્સવીને લઇ ગયો.

ધેટ ગર્લ વોઝ આઉટ ઓફ માય લાઈફ, મને એટલી રાહત થઈ. હું તો......'અચાનક જિમીને ભાન થયું કે એ શું બોલી રહ્યો હતો. ‘સર, હું ત્યારની વાત કરતો હતો, બહુ વરસ થઇ ગયાં એને....'થોથવાતી જીભે એ બોલ્યો. હાથ ઊંચો કરીને વાસુકિએ એને આગળ બોલતા રોકી પાડ્યો. હકીકતમાં એ પોતે થાકી ગયો હતો. અને આ થાક માત્ર શારીરિક નહોતો. 

જિમીએ આ વાતમાં એનો સાથ આપ્યો એ માની શકાય , કારણ કે એન્જલ આખરે એની દીકરી હતી. પણ દીકરી આટલી વહાલી હોય તો એણે અધિરથ સારંગને દત્તક શું કામ આપી દીધી? ચાનો કપ બાજુએ મૂકીને વાસુકિએ ઇન્ટરકોમનું રિસિવર ઉપાડ્યું. ‘કાલે સવારે અધિરથ સારંગને પૂછપરછ માટે બોલાવો. અને હા, તપાસ કરો, બિલોરીની તબિયત હવે કેવી છે.'

‘આવો મિસ્ટર સારંગ'વાસુકિએ કહ્યું. ઇન્ટરોગેશન રૂમમાં પ્રવેશેલા અધિરથ સારંગે રૂમાલની મદદથી પસીનો લૂછવાને બહાને, ચહેરા પરના ભાવ છુપાવવાની કોશિશ કરી. જોકે એની બોડી લેંગ્વેજ સાફ કહેતી હતી કે, અધિરથ નર્વસ હતો.

માલિક પર પોતાની જ દીકરીના ખૂનનો આરોપ આવે, તો સામાન્ય લોકો પણ કેવી વાતો કરે? બળતામાં ઘી હોમતો હોય એમ બિલોરીનો દીકરો લકી, મીડિયામાં ફાવે તેવાં સ્ટેટમેન્ટ્સ આપવાની તક નહોતો ચૂકતો.

અને વધુ દુ:ખ એ વાતનું હતું કે એનો પોતાનો દીકરો અમેય પણ જાણે અજાણે બાપનો દુશ્મન હોય, એમ વર્તી રહ્યો હતો. બધી મુસીબતની જડ હતી પેલી છોકરી ઉત્સવી. ગુસ્સામાં અધિરથની મુઠ્ઠીઓ વળી ગયેલી. જોકે, પોલીસ સ્ટેશનમાં પગ મૂકતાં પહેલાં, એણે પોતાની લાગણીઓ પર કાબૂ મેળવવાનો સખત પ્રયાસ કર્યો. જાતને યાદ દેવડાવ્યું કે પોતે નિર્દોષ હતો. તેમ છતાં, પોલીસ કમિશનર વાસુકિની સામે આવતાંની સાથે અધિરથની નર્વસનેસ પાછી ફરી.

‘હાઉ આર યુ?'વાસુકિએ જાણે ઘેર આવેલા મહેમાનના ખબરઅંતર પૂછતો હોય એવા ભાવે પૃચ્છા કરી. ‘નોટ વેરી ફાઈન, સર'અધિરથે પ્રામાણિક જવાબ આપ્યો. ‘આઈ અન્ડરસ્ટેન્ડ'વાસુકિએ માથું હલાવીને સહાનુભૂતિ દાખવી, અને પછી સૌમ્ય અવાજે કહ્યું, ‘થોડા સવાલ પૂછવા છે. આઈ હોપ, કે તમે સાચા જવાબ આપશો.' ‘શ્યોર સર, હું શું કામ ખોટું બોલું?'

‘કદાચ તમારી વાઈફને બચાવવા માટે'વાસુકિ બોલ્યો.અધિરથનો ચહેરો ગંભીર થઇ ગયો. ‘સર, બિલોરી ભલે મારી વાઈફ હોય, પણ એણે ખરેખર ક્રાઈમ કર્યો હોય તો એને સજા મળવી જોઈએ.' ‘ઈટ મીન્સ, તમને પણ શંકા છે કે એણે કદાચ ઉત્સવીનું મર્ડર કર્યું હોય?'વાસુકિએ કહ્યું. ‘ના, ના મેં ક્યાં એવું...'અધિરથ મૂંઝાઈ ગયો. સાંભળ્યું ન હોય એમ વાસુકિ બોલતો રહ્યો.

‘હું તમારી ઓનેસ્ટીની કદર કરું છું. તમારી જગ્યાએ બીજો કોઈ હોત તો એણે અત્યાર સુધીમાં બુમરાણ મચાવી દીધી હોત કે, એની પત્ની આવું કરી જ ન શકે, પોલીસ નિર્દોષ લોકો પર અત્યાચાર કરે છે, વગેરે વગેરે.' અધિરથ ચૂપ રહ્યો. એ મૂરખ નહોતો. સમજી ગયો કે, વાસુકિ એને જાળમાં લઇ રહ્યો હતો. એ માણસ સામે ઝાઝું શાણપણ દાખવવામાં જોખમ હતું.

‘અને હા, તમારા વાઈફની તબિયત હવે સારી છે.'વાસુકિએ સામેથી માહિતી આપી અને પછી સહજભાવે પૂછ્યું, ‘એને વારંવાર આવું થઇ જાય છે?' ‘આવું એટલે?'અધિરથે પૂછ્યું. ‘બીપી હાઈ થઇ જાય, ચક્કર આવે,બેભાન થઇ જાય?' અધિરથ મૂંઝાયો.એને લાગતું હતું કે બિલોરીએ નાટક કરેલું. પણ એ નહોતો જાણતો કે બિલોરીએ પોલીસને શું કહ્યું હશે. હા પાડવી કે ના? છેવટે એણે સાચું કહી દીધું, ‘મને ખ્યાલ નથી.'

‘તમે એના હસબન્ડ છો.'વાસુકિએ યાદ દેવડાવ્યું.

‘હા, પણ એનો અર્થ એવો નહિ કે, હું એના વિષે બધું જાણતો હોઉં.'અધિરથે ખુદને કેસથી અલગ કરવાની તક ઝડપી લીધી. અને એની અપેક્ષા મુજબ તરત વાસુકિએ કહ્યું, ‘તમે એ પણ નહોતા જાણતા કે, તમારી વાઈફ તેર વરસથી જેને બહેન ગણાવતી હતી, એ હકીકતમાં તમારી સાળી હતી.'

અધિરથ આ પ્રશ્ન માટે તૈયાર હતો. ‘સર, પહેલી વાત તો એ કે, અમારાં લગ્નને તેર નહિ દસ વરસ થયાં છે. કોઈ ચેનલે કહ્યું તેર વરસ, અને પછી બધાં મંડી પડ્યાં. અને બીજી વાત એ કે, હું ખરેખર નહોતો જાણતો કે ઉત્સવી બિલોરીની દીકરી હતી.

હા, એ કબૂલ કરું કે, સચ્ચાઈ સામે આવી ત્યારે મેં જાણેઅજાણે આંખ આડા કાન કર્યા. મારા દીકરા અમેયે.......' ‘ઓહ યસ, ઉત્સવીએ અમેયને કહ્યું, અમેયે તમને કહ્યું, તમે માન્યા નહિ કારણ કે તમે તમારી વાઈફને બહુ પ્રેમ કરતા હતા.....રાઈટ?'વાસુકિએ અધિરથનું વાક્ય ઝડપભેર પૂરું કરી નાખ્યું.

‘હા,પણ...' ‘પણ, તમને એકેય વાર એવો વિચાર ન આવ્યો કે ઉત્સવી શું કામ ખોટું બોલે, એ પણ આ આવું ખોટું.....મોટી બહેનને મા ગણાવી દે?' ‘વેલ, નાનપણથી એને આવું બોલવાની ટેવ હતી, એટલે મેં .....'

‘મતલબ?' અધિરથે માથા પરથી પસીનો લૂછીને ધીમે અવાજે કહ્યું, ‘એકવાર એણે મને કહ્યું કે, બિલોરીને એની અદેખાઈ થતી હતી કારણ કે એ વધુ યંગ એન્ડ બ્યુટિફુલ હતી, એને અગલી દેખાડવા માટે બિલોરી એને વધુ પડતા મોટા ચશ્માં, ખરાબ ફિટિંગવાળાં કપડાં પહેરવાની ફરજ પાડતી હતી, પૂરતું પોકેટમની નહોતી આપતી....એવું બધું?'

વાસુકિએ એને અહીં આવતા પહેલાં વધુ વિચાર કરવાની ફુરસદ નહોતી આપી. સવારે નવ વાગે એને ફોન ગયો કે દસ વાગે સાનબાગ પોલીસ સ્ટેશને હાજર થઇ જવાનું છે. સાંભળીને પહેલા તો અધિરથે થોડો વિરોધ કર્યો. એ દિવસે એણે એક ઇમ્પોર્ટન્ટ મિટિંગ અટેન્ડ કરવાની હતી. સામે ઇન્સ્પેકટર કુરેશીએ એને શાંતિથી કહ્યું કે, મર્ડર કેસની તપાસ ચાલુ હતી.

આવા સંજોગોમાં બીજાં કોઈપણ કામ કરતાં પોલીસ સ્ટેશને આવવું વધારે ઈમ્પોર્ટન્ટ હતું. પછી અધિરથે કહ્યું કે, આટલી શોર્ટ નોટિસમાં વકીલનો કોન્ટેક્ટ કરીને સાથે લાવવાનું મુશ્કેલ હતું. ફરીથી કુરેશીએ એને સમજાવ્યો કે, પોલીસે એની ધરપકડ કરવા નહિ, માત્ર પૂછતાછ માટે બોલાવ્યો હતો. અને વકીલ લઇ આવવો હોય તો એની મરજી. દુનિયાના દરેક વકીલ શોર્ટ નોટિસ પર કામ કરવા ટેવાયેલા હોય છે.

અધિરથે પહેલા તો એના પરિચિત વકીલ કાવસજી બાનાને ફોન કર્યો, જેને અત્યારે એ બિલોરીના બચાવ માટે તગડી ફી ચૂકવતો હતો. પણ બાનાએ કહ્યું કે, વર્તમાન સંજોગોમાં અધિરથને સલાહ આપવાનું એના માટે શક્ય નહોતું.

‘કેમ?'અધિરથે પૂછ્યું તો બાનાએ જવાબ આપ્યો કે બિલોરીની ધરપકડ થઇ અને ઉત્સવી એની બહેન નહિ પણ દીકરી હતી એ બહાર આવ્યું ત્યારે અધિરથે કહેલું કે એ બધીયે વાતથી સાવ અજાણ હતો. ઇન ફેક્ટ એણે તો પત્રકારો સામે ‘આઈ એમ શોક્ડ'જેવું રિએક્શન આપ્યું હતું. હવે અધિરથ જે બોલે, એ કદાચ બિલોરીની વિરુદ્ધ જઈ શકે. કે પછી બિલોરીનું કોઈ સ્ટેટમેન્ટ અધિરથ માટે મુશ્કેલી ખડી કરી શકે. આવા સમયે વકીલે તો એના ક્લાયન્ટનો જ પક્ષ લેવો પડે.

એ ઘડીએ કદાચ અધિરથ સારંગને ભાન થયું કે, કાયદાની નજરે ભલે એ અને બિલોરી હજી પતિ પત્ની હોય, પણ પર્સનલ લાઈફમાં હવે એ બંને એક ટીમ નહોતાં રહ્યાં. અને, બીજી હકીકત એ પણ હતી કે, બિલોરીની ધરપકડ પછી, સારંગે એકેયવાર એને મળવાનો પ્રયત્ન નહોતો કર્યો. બિલોરીને હોસ્પિટલમાં એડમિટ કરાઈ એ જાણ્યા પછીયે એણે પોલીસ કે વકીલને એક ફોન કરવાની તસ્દી સુધ્ધાં નહોતી લીધી.

મીડિયાવાળા અને લાગતાવળગતા કોઈ પૂછે તો એનો એક જ પ્રતિભાવ હતો, ‘નો કમેન્ટ, આઈ ડોન્ટ નો એનીથિંગ'. એ ઓફિસે રોજ જતો હતો, પણ એની આસપાસ બિલોરીનો ઉલ્લેખ કરવાની કોઈની હિંમત નહોતી. બિલોરીના બચાવ માટે એણે મોટો મોંઘો વકીલ રોકેલો, પણ જાહેરમાં ‘મારી વાઈફ નિર્દોષ છે'એવું એકેયવાર નહોતું કહ્યું. ‘બિલોરી કેમ છે હવે?'અધિરથે છેવટે બાનાને પૂછ્યું.

‘હજી હોસ્પિટલમાં છે, અને કોઈ સાથે વાત કરવાની સ્થિતિમાં નથી, એના વકીલ સાથે પણ નહિ'બાનાએ રિપોર્ટ આપ્યો. અને પછી ઉમેર્યું, ‘ફ્રેન્કલી સ્પીકિંગ, મને થોડી ચિંતા થાય છે.' અધિરથે પૂછ્યું નહિ કે વકીલને બિલોરીની તબિયતની ચિંતા હતી કે, કેસ જે રીતે આગળ જઈ રહ્યો હતો એની. પણ બાનાને પછી કદાચ લાગ્યું હશે કે, જેના અેકાઉન્ટમાંથી એને લાખો રૂપિયા મળતા હતા, એને નાની ફ્રી સલાહ તો આપવી જોઈએ. એટલે એણે સારંગને બીજા, એના જેટલા જ મોંઘા વકીલનો કોન્ટેક્ટ નંબર આપીને કહ્યું કે, જરૂર લાગે તો એને ફોન કરજો. જોકે, ત્યાં સુધીમાં નવ વાગ્યાને ઉપર વીસ મિનિટ થઇ ગયેલી.

અધિરથે વિચાર્યું કે, પોલિસની પૂછપરછ દરમિયાન કંઈ વાંધાજનક લાગે તો વકીલને બોલાવી લેવાશે. બાકી વકીલને સાથે લઇ જવાથી પોલીસ તો નહિ, પણ મીડિયાવાળા વહેમાય. અને જરૂર ન પડી તો અમસ્તા શું કામ વકીલનાં ગજવાં ભરવાં. બાનાએ જેનું નામ આપ્યું, એ વકીલ એના જુનિયરને મોકલે તોયે વિઝિટ દીઠ ઓછામાં ઓછા ચાલીસ પચાસ હજારની ફી તોડી લે. અને સિનિયર વકીલ પોતે તો હજારો નહિ, લાખોની ભાષામાં જ વાત કરશે. બાનાનું મીટર ચાલુ હતું.



ક્રમશ.  





ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Ad Code