રક્ત રમત પ્રકરણ_૪

રક્ત રમત  પ્રકરણ_૪

લેખક: વર્ષા પાઠક  



‘શ્યોર'કહીને કુરેશીએ બેલ મારી, અને અંદર આવેલા કોન્સ્ટેબલ પાસે પાણી મંગાવ્યું. જોકે એ પણ સમજી તો ગયો જ હશે કે બિલોરી નાટક કરતી હતી. કમિશનરે પૂછેલા સવાલના જવાબમાં પહેલા તો એ ના પાડવા ગયેલી, પણ પછી એને ભાન થયું હશે કે અમેય એને એ દિવસે સાંજે મળેલો. અને ત્યારે બીજા લોકોએ પણ એમને જોયા હશે, એટલે સાવ ખોટું બોલવામાં જોખમ હતું. પછી શું કહેવું એ વિચારવાનો સમય એણે ખોટી ખાંસી ખાઈને મેળવી લીધો. પાણીનો ગ્લાસ ટેબલ પર મૂકીને બિલોરી નીચું જોઈ ગઈ, અને પછી સાવ ધીમા અવાજે બોલી, 'એ દિવસે ઉત્સવી મારી સાથે નહિ, હું ઉત્સવી સાથે ગયેલી.' ‘મતલબ?'વાસુકીએ પૂછ્યું.

‘એ દિવસે સવારે હું જિમીને મળી ત્યારે એણે મને કહ્યું કે, ઉત્સવી એની સાથે કોઈ વાત કરવા માંગતી હતી. અને એણે જિમીને અમારા મઢ આયલેન્ડ પર આવેલા બંગલા પર મળવા બોલાવેલો.'

‘કઈ વાત?'

‘ખબર નથી. જે હોય તે, પણ ઉત્સવી એકલી જિમીને મળવા જાય, એ વાત મને ગમી નહિ. એટલે મેં પણ એની સાથે જવાનો આગ્રહ રાખ્યો.' ‘તમે ખોટું બોલો છો.'વાસુકિએ શાંતિથી કહ્યું. ‘શું?'બિલોરી ભડકી, કે પછી એણે એવો દેખાવ કર્યો.

‘મેં કહ્યું કે તમે સાવ ખોટું બોલો છો.'વાસુકીએ ભારપૂર્વક પોતાના શબ્દો દોહરાવ્યા. અને પછી બિલોરીને કંઈ બોલવાની તક આપ્યા વિના આગળ ચલાવ્યું, ‘તમે ઉત્સવીને મળવા બોલાવેલી, કારણ કે એ તમને બ્લેકમેઈલ કરતી હતી.' ‘બ્લેકમેઈલ......ઉત્સવી મને.......કેવી વાત કરો છો? કોઈ દીકરી એની માને બ્લેકમેઈલ કરે? બિલોરીનો અવાજ આઘાતથી તરડાઇ ગયો.

‘હા. કારણ કે તમે એને દીકરી તરીકે માન્યતા આપવા તૈયાર જ નહોતાં. ઘણા વખતથી એ તમને ધમકી આપતી હતી કે અધિરથ સારંગ સામે એ તમારો ભાંડો ફોડી નાખશે.'

‘પણ અધિરથ તો બધું જાણતો હતો.'બિલોરીએ કહ્યું અને ઉમેર્યું, ‘અમેયને પણ ખબર હતી. અરે મને યાદ છે ત્યાં સુધી, અમેયે જ આ વાત એના ફાધરને કહેલી.'

વાસુકિને ઘડીક બિલોરીની સ્માર્ટનેસ વિષે માન થઇ ગયું. એ સમજી ગયેલી કે અમેયે પોલીસને આ વાત કરી જ હશે, એટલે પોતે જ સામેથી કહી દીધું, અને એની સાથે ઈશારો પણ કરી દીધો કે અધિરથ હકીકતથી વાકેફ હતો અને તોયે એણે મૂંગા રહીને બિલોરીને સાથ આપેલો. 

‘પણ અધિરથે ત્યારે એ વાત નહોતી માની.'વાસુકિએ યાદ દેવડાવ્યું. જવાબમાં બિલોરીએ માત્ર ખભા ઉછાળ્યા. વાસુકિ સહેજ આગળ ઝૂક્યો. 'માત્ર અધિરથ નહિ, આખી દુનિયા સામે તમને ખુલ્લાં પાડવાની ધમકી ઉત્સવીએ આપેલી. અને આ વખતે એ એકલી નહોતી. એનો ભાઈ, એટલે કે તમારો દીકરો લકી પણ એને સાથ આપવા ઊભો થયેલો. અમને ખબર છે કે જિમી મુંબઈ આવ્યો, એના બે દિવસ પહેલાંથી લકી પણ મુંબઈમાં હતો. એને જોકે ઉત્સવીએ બોલાવેલો. ભાઈબહેને મળીને તમારી સામે મોરચો ખોલેલો.'

આ વાત જિમીએ પોલીસની પૂછતાછ દરમિયાન કહેલી. પણ આ સાંભળીને બિલોરી હચમચી જશે એવી ધારણા વાસુકિએ રાખી હોય તો એ ખોટી પડી. બિલોરીએ માથું ધુણાવ્યું.‘ઓ માય ગોડ, એ ચરસીએ તમને આવું કહ્યું, અને તમે માની લીધું?'

‘કોણ ચરસી?'વાસુકિને ખરેખર નવાઈ લાગી.

‘ઓહ, તમને ખબર નથી?'કહીને બિલોરી ઘડીભર ચૂપ થઇ ગઈ અને પછી ઊંડો નિસાસો નાખતા બોલી, 'સગા દીકરા વિષે આવું ન બોલવું જોઈએ, અને હું વરસો સુધી એવી જ આશાએ મૂંગી રહેલી કે લકી એક દિવસ સુધરી જશે. પણ હવે છુપાવવાનો અર્થ નથી. લકી ડ્રગ એડિક્ટ છે. ઉત્સવી પણ આ વાતથી પરેશાન રહેતી હતી. એણે જ લકીને ડિએડિક્શન ટ્રીટમેન્ટ માટે મુંબઈ બોલાવેલો.'

‘તમને આ વાતની ખબર હતી?'

‘હોય જ ને. લકી ગમે તેવો પણ મારો દીકરો છે.'બોલતાં બોલતાં બિલોરીની આંખમાં પાણી આવી ગયાં.

વાસુકિએ હોઠ કરડ્યા. બિલોરી ડગલે ને પગલે નવીનવી વાતો કરતી હતી. એમાં કેટલી સાચી ને કેટલી ખોટી? પૂછપરછ દ્વારા પોલીસે સચ્ચાઈ સુધી પહોંચવાની ધારણા રાખેલી, પણ અહીં તો વધુ ને વધુ ગૂંચવણ ઊભી થઇ રહી હતી.

લક્ષ્યજિત ઉર્ફે લકીને પોલીસે હજી પૂછપરછ માટે નહોતો બોલાવ્યો, પણ એણે તો છાપાં અને ટીવી ચેનલ્સને ઇન્ટરવ્યૂ આપવાનું ચાલુ કરી દીધેલું. જે પૂછે એને કહેતો હતો કે ‘બિલોરી તો મને પણ મારી નાખવાની હતી.'આ વાત એણે પોલીસને કેમ નહોતી કહી, એના જવાબમાં લકીએ કહેલું કે, ‘પોલીસ મને બોલાવે તો કહું ને.'

બિલોરી મસમોટો નિસાસો નાખતાં બોલી, ‘વ્યસનને કારણે લકીનું મેન્ટલ બેલેન્સ હલી ગયું છે. શું કહું તમને, લકીએ એકબે વાર મને મારી નાખવાની કોશિશ પણ કરેલી.

ઉત્સવી પણ એનાથી ડરતી હતી. કોણ જાણે કદાચ લકીએ જ.......ના ના, લકી એવું તો ન કરે, પણ..... 'વાક્ય અધૂરું મૂકીને એ નીચું જોઈ ગઈ.

વાસુકિ એની સામે તાકી રહ્યો. યુસુફ, જિમી, અમેય, અધિરથ, અને હવે સગા દીકરા લક્ષ્યજિતને પણ બિલોરીએ શંકાના ઘેરામાં લીધો હતો. આ સ્ત્રી કોઈને નહોતી છોડવાની. કે પછી, ખરેખર બધાંએ મળીને એને આ પરિસ્થિતિમાં મૂકી હતી? 

વાસુકિએ હોઠ પર દાંત ભીંસીને આ છેલ્લો વિચાર કચડી નાખવાનો પ્રયાસ કર્યો. ક્યાંક એને તો બિલોરી પ્રત્યે સહાનુભૂતિ જાગવા નહોતી લાગી ને?

‘લકીના ડ્રગ એડિક્શનની ટ્રીટમેન્ટ તમે ક્યાં કરાવવાનાં હતાં?'વાસુકિએ સવાલ કર્યો.

‘મને એ બાબતનો ખાસ કંઈ ખ્યાલ નથી. ઉત્સવી એને કોઈ ડોક્ટર પાસે લઇ જવાની હતી.'બિલોરીએ કહ્યું અને પછી અત્યંત આતુરભાવે પૂછ્યું. 'ઉત્સવીનો કોન્ટેક્ટ થયો?'

‘ઉત્સવી ઈઝ ડેડ. એનું મર્ડર થયું છે.'વાસુકિ બોલ્યો.

‘આઈ ડોન્ટ બિલિવ ઈટ'બિલોરી જોરથી માથું ધુણાવતા બબડી.

‘તમે માનો, ન માનો, એનાથી કોઈ ફરક નથી પડતો. માલશેજ ઘાટમાંથી અમને જે હાડકાં મળ્યાં છે, એ ઉત્સવીનાં છે.'

‘ઓહ રિયલી?'બિલોરીની આંખો ઝીણી થઇ. 'એવું તમે કયા આધારે કહો છો?'

‘ફોરેન્સિક ટેસ્ટનો રિપોર્ટ કહે છે.' ‘શક્ય જ નથી'બિલોરીએ દાંત ભીંસીને કહ્યું.

‘શું શક્ય નથી?' ‘કે તમને મળ્યાં એ બોન્સ ઉત્સવીના હોય. ડીએનએ ટેસ્ટ કરાવી જુઓ.'બિલોરીએ કહ્યું. ‘બધું કરાવી લીધું'વાસુકિએ જવાબ આપ્યો અને પછી આગળ ઝૂકીને બોલ્યો, 'તમે એવું માની બેઠેલાં કે બળી ગયેલાં હાડકાં પર ડીએનએ ટેસ્ટ ન થઈ શકે?'

બિલોરીએ એના સૂકા હોઠ પર જીભ ફેરવી, પણ કંઈ બોલી નહિ. વાસુકિએ બિલોરીના ચહેરા પરથી એનું મન વાંચવાનો પ્રયાસ કર્યો. કદાચ પોતાની ગણતરી ક્યાં ખોટી પડી, એનો વિચાર એ કરી રહી હતી. જિમી નાયર અને ડ્રાઈવર યુસુફ, આ બંને જણે કહેલું કે ઉત્સવીની લાશ ઘાટ પરથી નીચે ખીણમાં ફેંકતા પહેલાં પેટ્રોલ છાંટીને સળગાવી દેવાયેલી. કાયદા અનુસાર કોઈ પેટ્રોલ પમ્પવાળા નાના કે મોટા કન્ટેઈનરમાં લૂઝ પેટ્રોલ વેચી ન શકે.

પણ થોડો માર ખાધા બાદ ડ્રાઈવર યુસુફે કબૂલી લીધું કે એણે વહેલી સવારે સારંગના બંગલામાંથી નીકળતા પહેલાં, ત્યાં પાર્ક થયેલી બીજી એક કારમાંથી બે મોટા કેન જેટલું પેટ્રોલ કાઢીને રેન્ટલ કારની ડિકીમાં મૂકી દીધેલું. ‘ત્યાં તો ઉત્સવીનું ડેડબોડી હતું ને?'આ સવાલનો યુસુફે જે જવાબ આપ્યો, એ વાસુકિ જેવા અનુભવી પોલીસ ઓફિસરને પણ આંચકો આપી ગયેલો.

‘સાહેબ, ડેડબોડી કાઢીને તો અમે કારની પાછલી સીટ પર બેસાડી દીધેલું.'

‘બેસાડી દીધેલું?'વાસુકિએ પાકું કરવા પૂછ્યું તો યુસુફે જહ્યું, ‘હા, રસ્તા પર કોઈ જુએ તો શક ન પડે. બિલોરી મેડમ પણ એની બાજુમાં બેઠેલાં. એમણે તો, ઉત્સવી દીદીના ચહેરા પર મેકઅપ પણ કરેલો, જેથી એ જીવતી લાગે. અને બોડી સ્પ્રે તો એટલું નાખેલું કે મનેય ચાર-પાંચ છીંક આવી ગયેલી.'

‘બોડી પર પેટ્રોલ છાંટીને સળગાવતા કોઈ વાસ નહોતી આવી?'વાસુકિએ તીખા કટાક્ષમાં પૂછ્યું ત્યારે યુસુફે એનો જૂનો બચાવ દોહરાવેલો,'સાહેબ, હું તો ઘાટના રસ્તા પર ગાડીનું બોનેટ ખોલીને ઊભો રહેલો. બોડીને બાળવાનું, ફેંકવાનું કામ પેલા બે જણે કરેલું.'

પેલા બેમાંથી એક જણ ,એટલે કે જિમી નાયરના કહેવા પ્રમાણે બોડી પર પેટ્રોલ રેડીને દીવાસળી ચાંપવાનું કામ યુસુફ અને બિલોરીએ કરેલું. જિમીના બયાન મુજબ બિલોરીએ એને કહેલું કે પૂરેપૂરી સળગી ગયેલી લાશને કોઈ ઓળખી ન શકે, અને એના કોઈ અંગ કે હાડકા પર ડીએનએ ટેસ્ટ કરીને પાકી ઓળખ કરવાનું અશક્ય હતું.

વાત સાચી હતી. બળીને કોલસો થઇ ગયેલી લાશ કે એના કોઈ પણ અંશ પર ડીએનએ ટેસ્ટ કરવાનું શક્ય નથી હોતું. લોકો એટલે જ હત્યા કર્યા પછી લાશ સળગાવી દેતા હોય છે. જોકે કાચા અપરાધીઓ વાળ જેવી નાની વસ્તુ નજર અંદાજ કરી જાય. પણ આ તો બિલોરી હતી. એણે મજબૂત પ્લાનિંગ કરેલું. 

લાશ સળગાવીને ફેંકી દીધા બાદ એણે યુસુફ પાસે કાર બરાબર સાફ કરાવેલી. અને એ પછી પણ કોઈ પુરાવો રહી ન જાય એટલે રેન્ટલ કાર પાછી આપતી વખતે એણે ગેરેજના માલિકને કહેલું કે આગલા દિવસે કારની ડીકિમાં રાખેલા સામાનમાં થોડી તૂટફૂટ થયેલી અને પાછળની સીટ ચિકન સૂપ ઢોળાયેલો એટલે બરાબર સફાઈ કરવી જરૂરી હતી.

દોટીવાલાએ પોલીસને આપેલા બયાનમાં કહેલું, ‘આમ પણ ભાડે આપેલી કાર પાછી ગેરેજમાં આવે એટલે અમે વેક્યુમ ક્લીનર અને સ્પેશિયલ કલીનર્સથી ખૂણેખાંચરે એની સફાઈ કરી જ નાખીએ. બીજા કસ્ટમરને આપતા પહેલાં ફરીથી ક્લીનિંગ થાય.'અધૂરામાં પૂરું, બિલોરી પછી બીજા ચાર-પાંચ જણ આ કાર વાપરી ચૂકેલા. એ કારને પોલીસે હવે કબજામાં લીધેલી, પણ એમાંથી ગુનાનો કોઈ પુરાવો મળવાની શક્યતા નહોતી, એ તો એ લોકો પણ જાણતા હતા.

બિલોરી પણ આ ન સમજે એટલી નાદાન નહોતી. તેમ છતાં અત્યારે ઊલટ તપાસ દરમિયાન ફોરેન્સિક ટેસ્ટવાળી વાત સાંભળીને એને થોડું ટેન્શન થયું જ હશે એવી આશાના આધારે વાસુકિએ પૂછપરછની દિશા બદલી. 'હા, તો આપણે એ દિવસની વાત કરતા હતા, જ્યારે તમે અને જિમી ઉત્સવીને મઢ આયલેન્ડવાળા બંગલે લઇ જવા માટે નીકળેલા.'

‘મેં તમને કહ્યું તો ખરું કે મઢ જવાનો આઈડિયા ઉત્સવીનો હતો. હું તો એની સેફ્ટી માટે જબરદસ્તી સાથે ગયેલી.'

‘સેફટી, આહ ઓકે. પણ પછી એ લોકો વચ્ચે વાત શું થઇ, એ કહેશો?'

‘વાત થવાનો મોકો જ ન આવ્યો. અડધે રસ્તે ઉત્સવીને કોઈનો ફોન આવ્યો અને એણે ગાડી પાછી લેવડાવી.'

‘કોનો ફોન?'

‘મને શું ખબર?'

‘તમે એને પાછા ઘેર મૂકવા ગયાં?'

‘હં હા, ના...'બિલોરીની જીભ સહેજ થોથવાઈ પણ સ્વસ્થ થઇ જતાં એને ઝાઝી વાર ન લાગી. કપાળ પર આંગળી ફેરવીને એ બોલી, ‘મારું માથું સખત દુખતું હતું, એટલે મેં એક મેડિકલ સ્ટોર પાસે કાર રોકાવી. દવા લઈને પાછી ફરી તો જિમીએ કહ્યું કે ઉત્સવીને ઉતાવળ હતી એટલે એ ટેક્સી પકડીને જતી રહી.'

‘એણે કહ્યું અને તમે માની લીધું?'

‘હા, એમાં ન માનવા જેવું શું હતું?'

‘વિચિત્ર ન લાગ્યું કે ઉત્સવી તમને પૂછ્યા વિના જતી રહી? અને એક એસ્પિરીન લેવામાં વળી કેટલી વાર લાગે?'

‘ઉત્સવી બહુ મૂડી ટાઈપની છોકરી છે. મને મેડિકલ સ્ટોરમાં થોડી વાર લાગી, એટલે કંટાળીને એ જતી રહી. મારે એસ્પિરીન ઉપરાંત બીજી દવા પણ લેવાની હતી. ઘણા વખતથી મને હાઈ બીપી રહે છે અને મારું બ્લડ શુગર લેવલ પણ ડાઉન થઇ જાય છે. માથું ફાટફાટ થવા લાગે, ચક્કર આવી જાય અને કંઈ સૂઝે નહિ.'

‘એ દિવસે પણ તમારી તબિયત અચાનક લથડી ગઈ?'વાસુકિએ સોફ્ટ અવાજે પૂછ્યું.

‘હા'બિલોરીએ લમણાં પર આંગળાં દબાવ્યાં. અને પછી કુરેશી સામે જોઇને દયામણા અવાજે કહ્યું, ‘પ્લીઝ, એસ્પિરીન કે કોમ્બિફ્લેમ મળશે? મારું માથું બહુ દુખે છે.'

કુરેશી કોઈ પ્રતિભાવ આપે એ પહેલાં વાસુકિએ હાથ ઊંચો કરીને કહ્યું, ‘બધું મળશે. બસ, થોડી વાત કરી લઈએ.'

‘ઓકે'બિલોરીએ નબળા અવાજે કહ્યું.

‘આટલી તબિયત ખરાબ હતી તોયે તમે બીજે દિવસે સવારના પહોરમાં જિમી સાથે માલશેજ જવા તૈયાર થઇ ગયાં?' હા, દવા લીધા પછી થોડું સારું લાગતું હતું.'

‘અને ઉત્સવીને સાથે લઇ જવા માટે વાત પણ કરી લીધી?' ‘હા...આઈ મીન જતાં પહેલાં એણે જિમી સાથે નક્કી કરી નાખેલું. હવે મને લાગે છે કે એ દિવસે અધૂરી રહેલી વાત કરવા માટે જ ઉત્સવી પછી માલશેજ આવવા તૈયાર થઇ હશે.'

‘આઈ સી, અને એ સવારે તમે ઉત્સવીને ક્યાંથી સાથે લીધેલી? એને ઘેર ગયેલા?' બિલોરીનો અવાજ વધુ ધીમો પડી ગયો. ‘મને એક્ઝેક્ટલી યાદ નથી. પણ એના ઘેરથી નહીં..... આઈ થિંક, જિમી જે હોટેલમાં ઉતારેલો, એની ક્યાંક આસપાસથી.' ‘યુ મીન, સવારના સાડા ચાર, પાંચ વાગ્યામાં ઉત્સવી અંધેરીથી દાદર પહોંચી ગયેલી?'વાસુકિએ આશ્ચર્ય દાખવ્યું.

‘એવું જ હશે......કદાચ જિમી સાથે......'વાક્ય અધૂરું છોડી દઈને બિલોરીએ બે હાથમાં પોતાનું માથું પકડી લીધું. ‘આઈ એમ નોટ ફીલિંગ વેલ, પ્લીઝ મને ડોક્ટર....'બોલતાં બોલતાં એ આંખો મીંચી ગઈ.

કુરેશી અને રેણુએ વાસુકિ સામે જોયું. વાસુકિ બિલોરી સામે તાકી રહ્યો. ‘આ સ્ત્રી એક્ટિંગ કરવામાં જ નહિ, વાર્તા ઘડી કાઢવામાં પણ માહેર હતી.

હવે એ જિમી અને ઉત્સવી વચ્ચે કંઈ રંધાઈ રહ્યું હોવાનું કહેતી હતી. થોડો વધુ સમય મળ્યો તો એ અડધા મુંબઈને ઉત્સવી કેસમાં સામેલ કરી દેશે. વાસુકિને લગભગ ખાતરી હતી કે આ ઘડીએ બિલોરી તબિયત બગડ્યાનું માત્ર નાટક કરી રહી હતી. પણ ન કરે નારાયણ ને ખરેખર એને કંઈ થઇ ગયું તો પોલીસના બાર વાગી જાય.'ગુસ્સો મનમાં દબાવી દઈને એણે ઇન્સ્પેક્ટર રેણુને કહ્યું, ‘ડોક્ટરને બોલાવો'.

‘સર, પેશન્ટની તબિયત ખરેખર ખરાબ હતી. બીપી બહુ હાઈ થઈ ગયેલું.'‘હવે તો કન્ટ્રોલમાં છે ને?'

‘હા, પણ હું માનુ છું કે, એને એક રાત અહીં હોસ્પિટલમાં જ અન્ડર ઓબ્ઝર્વેશન રાખીએ તો સારું.' સરકરી ડોક્ટરે એનો અભિપ્રાય આપ્યો. અને પછી ઉમેર્યું, ‘એનું રડવાનું તો બંધ જ નહોતું થતું. હળવા ઘેનનું ઇન્જેક્શન આપ્યું છે. આઈ થિંક, કાલ સુધીમાં ઠીક થઇ જશે.'

વાસુકિનું મોઢું કટાણું થઇ ગયું. પોલીસ સ્ટેશનમાં બોલાવેલા ડોક્ટરે બિલોરીને હોસ્પિટલમાં લઇ જવાની સલાહ આપી, ત્યારે નછૂટકે એણે હા પાડવી પડેલી. બિલોરીની સાથે મોકલેલી ઇન્સ્પેક્ટર રેણુને એણે જોકે સખત શબ્દોમાં તાકીદ કરેલી કે આરોપીને જરૂરી સારવાર આપીને તરત પાછી લઇ આવવી. પણ હવે લાગતું હતું કે પૂછપરછમાં બ્રેક પાડવો જ પડશે.

‘ઓલ રાઈટ' છેવટે વાસુકિએ કચવાતે મને કહેવું પડ્યું. જોકે પછી એનાથી બોલ્યા વિના ન રહેવાયું, ‘ડોક્ટર, બી કેરફુલ. એ બાઈ નાટક કરવામાં ઉસ્તાદ છે.' ‘શ્યોર સર' યુવાન ડોક્ટરે આટલું કહીને ફોન મૂક્યો.

એને જોકે નહોતું લાગતું કે બિલોરી સારંગ નાટક કરતી હતી. કોઈ વ્યક્તિ પોતાની મરજીથી ખુદનું બ્લડપ્રેશર ઉપર નીચે ન કરી શકે. અને જે રીતે એ રડી રહી હતી, એના પરથી સાફ લાગતું હતું કે એની માનસિક પરિસ્થિતિ પણ બહુ નાજુક હતી.

આવા સંજોગોમાં એને પોલીસ સ્ટેશને પાછી મોકલવામાં જોખમ હતું. ડોક્ટર પોતાની કેબિનમાંથી નીકળીને પાછો બિલોરીના રૂમમાં ગયો. રૂમની બહાર બેઠેલો કોન્સ્ટેબલ હથેળીમાં તમાકુ ચોળી રહ્યો હતો. હોસ્પિટલમાં સિગારેટ પીવાની મનાઈ હતી, દેશી તમાકુ ખાવાની નહિ. કંટાળાજનક ડ્યુટીમાં સમય પસાર કરવા માણસે કંઈક તો કરવું પડે ને. 

અંદર પથારીમાં સૂતેલી બિલોરી કંઈક બબડી રહી હતી. ડોક્ટરે નીચે ઝૂકીને સાંભળવાની કોશિશ કરી. છૂટાછવાયા શબ્દો એના કાને પડ્યા' ઉત્સવી...ક્યાં ગઈ...આવી જા.....લવ યુ બચ્ચા......' એની બંધ આંખમાંથી આંસુ નીકળી રહ્યાં હતાં. ડોક્ટરથી સહજભાવે બિલોરીના કપાળ પર હાથ મુકાઈ ગયો. બિલોરીની આંખો અડધીપડધી ખૂલી.' સર, મેં મારી દીકરીને નથી મારી, એ તો યુએસમાં....' બોલતાં બોલતાં એ પાછી ઘેનમાં સરી પડી.

ડોક્ટર થોડો દૂર ખસીને પેશન્ટને જોઈ રહ્યો. લોકો કહેતા હતા કે આ સ્ત્રીએ એની દીકરીનું ખૂન કરેલું, પણ કોણ જાણે કેમ, એનું મન અત્યારે આ વાત માનવા તૈયાર નહોતું થતું. બેહોશીમાં માણસ ખોટું ન બોલી શકે. રૂમનો દરવાજો ખુલ્યો અને અંદર દાખલ થયેલી નર્સે પૂછ્યું, ‘એની પ્રોબ્લેમ?' ‘નો નો' કહીને ડોક્ટર બહાર નીકળી ગયો. પાછળ નર્સ પણ ગઈ.

બિલોરીએ થોડીવાર રાહ જોઇને આંખો ખોલી. પથારીમાં પડ્યા પડ્યા એ કંટાળી ગયેલી. જોકે પોલીસ સ્ટેશનની લાકડાની ખુરસી, અને લાકડાથીયે સખત ચહેરો ધરાવતા વાસુકિ પાસે પાછા ફરવાની એને કોઈ ઉતાવળ નહોતી. એની સારવાર કરનારા ડોક્ટરના ચહેરા પર ઝલકી ગયેલી સહાનુભૂતિ બિલોરીએ જોઈ લીધેલી. અત્યારે પણ એણે કેટલી કાળજીથી બિલોરીના કપાળે સ્પર્શ કરેલો. એ કદાચ કોઈક રીતે મદદરૂપ થઇ શકશે.

થોડીવાર પહેલાં એણે આપેલું ઘેનનું ઇન્જેક્શન જોકે ખાસ અસર નહોતું કરી શક્યું. બિલોરીએ ઊંઘવાનો દેખાવ કરવામાં ખાસ્સી મહેનત કરવી પડેલી. રૂમની બહાર ખખડાટ થયો, અને બિલોરી પાછી આંખો મીંચી ગઈ. રૂમનું બારણું ખુલ્યું નહિ. પણ કોઈ અદીઠ દરવાજેથી ભૂતકાળનાં સ્મરણ અંદર ધસી આવ્યાં.

‘બિલ્લી, મને તો લાગે છે કે તું જન્મી ત્યારથી તારી મમ્મીએ દૂધની સાથે તને ચરસગાંજો કે એનાથીયે કોઈ સ્ટ્રોંગ ચીજ પિવડાવવાનું ચાલુ કર્યું હશે. એટલે જ હવે તારા પર કોઈ ડ્રગની અસર નથી થતી.' રવિએ આવું કહીને બિલોરીના હાથમાંથી સિગારેટ લેવાની કોશિશ કરી પણ એમાં સફળતા ન મળી. બિલોરીએ ઊંડો કશ લઈને નાકમાંથી ધુમાડા કાઢ્યા અને બોલી, ‘મારી માનું ચાલત તો એ મને દૂધમાં ગંગાજળ નાખીને પિવડાવત. એમ કહે ને કે તું ચીપ ક્વોલિટીનો કચરા જેવો માલ ઉપાડી આવે છે, એટલે નશો નથી આવતો.'

‘ચીપ ક્વોલિટી?' રવિએ આ વખતે તો બિલોરી પાસેથી સિગારેટ ઝૂંટવી જ લીધી.' એક તો મફતમાં મોજ કરવી, અને ઉપરથી કીચકીચ.'

‘એય મિસ્ટર, લેટ મી રિમાઇન્ડ યુ, હું મફતમાં કંઈ નથી લેતી. મોજ તો તું પણ કરે છે.' બિલોરીના અવાજમાં ધાર આવી ગઈ. ‘અરે અરે તું નારાજ થઇ ગઈ? હું તો મજાક કરું છું.' રવિએ તરત માફી માંગી લીધી. અને પછી, પૂરી થવા આવેલી સિગારેટનો છેલ્લો કશ ખેંચીને દૂર ફેંકતા બોલ્યો, ‘જો, હું તારા માટે શું લાવ્યો છું?' 

‘શું?' બિલોરીએ પોતાની આતુરતા પર કાબૂ રાખીને બેપરવાહીના દેખાવ સાથે પૂછ્યું. રવિએ જીન્સના પોકેટમાંથી નાનકડું બોક્સ કાઢીને બિલોરીના હાથમાં મૂક્યું. ધડકતા દિલે બિલોરીએ બોક્સ ખોલ્યું. અંદર નાનકડું પેન્ડન્ટ હતું. થોડા દિવસ પહેલાં, બિલોરીએ એક ઈમિટેશન જ્વેલરીની શોપમાં અદ્દલોઅદલ આવું પેન્ડન્ટ જોયેલું, કદાચ એ જ હતું. ‘કેવું લાગ્યું ?' રવિએ જાણે મહામૂલો ડાયમન્ડ આપ્યો હોય, એવી રીતે પૂછ્યું.

‘બ્યુટીફૂલ' બિલોરીએ કૃત્રિમ ઉત્સાહ દાખવતા કહ્યું. આવી સસ્તી ગિફ્ટ લાવનારા બોયફ્રેન્ડને કદાચ બિલોરી ઉદારભાવે માફ કરી દેત, પણ પછી રવિએ ઉચ્ચારેલા શબ્દો એના લમણે ઘા કરી ગયા.' ખોઈ નહિ નાખતી. બહુ મોંઘી ચીજ છે. ડેડીની તિજોરી પર ધાડ પાડીને આ ખરીદ્યું છે, તારા માટે.'‘ઓહ માય ગોડ, તેં મારા માટે ઘરમાં ચોરી કરી?' બિલોરીએ આંખો પહોળી કરીને પૂછ્યું.

‘તો શું થઇ ગયું? તારા માટે તો જાન પણ હાજર છે.' કહેતા રવિ ઘાસમાંથી ઊભો થયો અને પછી રિસ્ટવોચમાં જોઇને બોલ્યો, ‘ચલ, દીનુ હવે દુકાને જતો રહ્યો હશે. આજે તો એ મોડે સુધી કામ કરવાનો. સાંજ સુધી એનું આખું ઘર આપણું જ છે.'

બિલોરી ઊભી ન થઇ. છેલ્લા લગભગ છ મહિનાથી આ સિલસિલો ચાલુ હતો. શહેરના આઉટસ્કર્ટ પર આવેલા એના ફ્રેન્ડ દીનુના મકાનમાં પહેલીવાર રવિ એને લઇ ગયો ત્યારે બિલોરીએ થોડો સંકોચ, થોડો ડર અનુભવેલો, પણ પછી આદત પડી ગઈ. અઠવાડિયે એકવાર, ક્યારેક બે-ત્રણવાર પણ એ લોકો ત્યાં જતાં.

એવું નહોતું કે બિલોરીને એ બધું નહોતું ગમતું, પણ આજે પહેલીવાર એને રવિના ઈરાદા પર આછી શંકા જાગી રહી હતી. મોટા બાપનો દીકરો ખરેખર એક ગેરેજવાળાની છોકરી સાથે લગ્ન કરવાનો હતો? રવિ કહેતો હતો કે બસ, થોડો સમય રાહ જોવાની હતી.એકવાર એ પોતાની કરિયરમાં સેટલ થઇ જાય, પછી એને કોઈની રોકટોક નહોતી નડવાની.

પણ, રવિને સેટલ થતાં કેટલી વાર લાગવાની હતી, એ બિલોરી નહોતી જાણતી. કદાચ રવિને પોતાને પણ ખાતરી નહોતી. મનાલીના જીવનધોરણ અનુસાર કહો તો રવિનો બાપ પૈસાવાળો હતો. ચોવીસ રૂમ્સ ધરાવતી એની હોટેલ સારી ચાલતી હતી. સિઝનમાં તો ત્યાં રૂમ મળવાનું મુશ્કેલ હતું. પણ રવિને આ બિઝનેસ બોરિંગ લાગતો હતો.

એક સમયે એને ફિલ્મ એક્ટર બનવું હતું. અને એ ગોલ્ડન ચાન્સ મળે ત્યાં સુધી પછી ટીવી સિરિયલ્સમાં કામ કરવાની એની તૈયારી હતી. પણ સામેવાળા પણ તૈયાર હોવા જોઈએ ને. મુંબઈમાં બે વરસ રહ્યો, પણ ક્યાંય મેળ ન પડ્યો. બાપે છેવટે પૈસા મોકલવાનું બંધ કર્યું. પોતાના જોર પર ટકી રહેવાની તાકાત કે નિયત રવિ પાસે નહોતી. એ મનાલી પાછો આવ્યો. પછી એણે એક જણ સાથે પાર્ટનરશિપમાં હેલ્થ ક્લબ શરૂ કરી.

સાત આઠ મહિનામાં લાખના બાર હજાર કરીને ત્યાં તાળું માર્યું. હવે એ પિતાની હોટેલમાં ધરમૂળથી ફેરફાર કરીને એને ફેન્સી રિસોર્ટમાં ફેરવી નાખવાનાં સપનાં જોતો હતો, પણ એના જ શબ્દોમાં કહો તો અડિયલ બુઢ્ઢો માનતો નહોતો. ત્રીસ વરસનો થઇ ગયેલો રવિ એના માબાપનું એકનું એક સંતાન હતો એટલે હજી સુધી એને કોઈએ ઘરમાંથી કાઢી મૂકવાની વાત નહોતી કરી.

રવિ એની મોટરસાઈકલ લઈને મનાલીમાં રખડ્યા કરતો. એકવાર મોડી સાંજે રવિ એની ખોટવાઈ પડેલી બાઈક લઈને જુગલકિશોર વોરાના ગેરેજમાં આવ્યો. કામમાં વ્યસ્ત જુગલજી માટે એમની સત્તર વરસની દીકરી બિલોરી, ઘેરથી ચાનાસ્તો લઈને આવેલી. એને રવિમાં પ્રિન્સ ચાર્મિંગનાં દર્શન થયાં, પહેલી જ મુલાકાતમાં એ આ હેન્ડસમ, સ્માર્ટ યુવાનના પ્રેમમાં પડી ગઈ.

રૂઢિચુસ્ત, મધ્યમવર્ગીય પરિવારમાં ઉછરેલી બિલોરીએ એ પહેલાં નહોતી જોઈ, એવી રંગબેરંગી દુનિયાનાં દર્શન રવિએ એને કરાવ્યાં. બિલોરી પ્રેમમાં ગળાડૂબ હતી. ડ્રગ્સથી માંડીને સેક્સ સુધી, બધુંયે એને મન રવિના પ્રેમનો જ હિસ્સો હતો. મનોમન એણે પોતાનું નામ બિલોરી વોરામાંથી મિસીસ બિલોરી રવિ વર્મા કરી નાખેલું. 

સાત મહિના આમ ને આમ વીતી ગયેલા. પણ અચાનક એક વહેલી સવારે બિલોરી ઝબકીને જાગી ગઈ. પહેલીવાર એને લાગ્યું કે એની દુનિયામાં બધું ઠીકઠાક નહોતું. ‘કોલેજમાંથી છૂટીને ફ્રેન્ડને ઘેર જવાની છું. ઘેર આવતા મોડું થશે.' કહીને એ ઘરમાંથી નીકળી ત્યારે માએ પણ એની સામે થોડી વિચિત્ર નજરે જોતાં કહેલું, ‘આજકાલ તું બહુ રખડે છે, હં.'

‘ચાલને હવે, શું વિચારમાં પડી ગઈ?' રવિએ બિલોરીનો હાથ ખેંચીને એને ઊભી કરી. ‘રવિ, એક વાત કહેવી છે.' બિલોરીએ ધીમેથી કહ્યું.

‘અરે, જે વાત કરવી હોય એ ત્યાં પહોંચીને કરજે ને, અહીંથી તો નીકળ.' રવિએ થોડી અધીરાઈથી કહ્યું. બિલોરીએ આસપાસ જોયું. લીલુંછમ ઘાસ, રંગબેરંગી ફૂલ, દૂર દેખાતા પહાડ, ઉપર ખુલ્લું ભૂરું આકાશ.... અહીંથી જવાનું એને મન નહોતું થતું. અને આજે જે વાત કરવી હતી, એના માટે આનાથી વધુ સુંદર, બીજી કઈ જગ્યા હોઈ શકે?

બિલોરીએ ધીમેથી કહ્યું, ‘રવિ, આઈ એમ પ્રેગ્નન્ટ'.

‘હાહાહા.....તું મા બનવાની છે, અને હું બાપ..... ગ્રેટ ન્યૂઝ ...ચાલ જલદી, લેટ્સ ગો એન્ડ સેલિબ્રેટ નાઉ ' કહીને રવિ જોરથી હસ્યો અને બિલોરીનો હાથ ખેંચવા ગયો, પણ પછી બિલોરીનો ચહેરો જોઇને અટકી ગયો. એનું હાસ્ય ધીમે ધીમે વિલાઈ ગયું. બિલોરી હોઠ ભીડીને એને તાકી રહી.

‘યુ આર જોકિંગ, રાઈટ?' છેવટે રવિએ મૌન તોડ્યું. ‘ના, સાચું કહું છું. દર મહિને ચાર-પાંચ તારીખે મારા પિરિયડ્સ આવી જાય છે, પણ આજે વીસ તારીખ થઇ ગઈ.....' બિલોરીએ માથું ધુણાવ્યું. અનેપછી ઉમેર્યું. ‘આજકાલ રોજ સવારે ઊઠું ત્યારે મને ઊલટી જેવું થાય છે..'

 સાંભળીને રવિએ પોતાને થતી ઊલટી રોકવી હોય એમ મોઢા પર હથેળી દબાવી દીધી. હિન્દી ફિલ્મ જોનારા દરેક હિન્દુસ્તાની છોકરાને એટલી જાણ થઇ ગઈ હોય કે, સવારના પહોરમાં છોકરી આવું કરે એટલે માની લેવાનું કે એ સારા સમાચાર આપવાની છે. જોકે એ કુંવારી હોય તો આનાથી વધુ ખરાબ બીજા કોઈ સમાચાર હોઈ ન શકે.' માય ગોડ, આ તો પ્રોબ્લેમ થઇ ગયો.' એ બબડ્યો.

બિલોરી કંઈ બોલી નહીં. થોડો વિચાર કરીને છેવટે રવિએ કહ્યું, ‘ડોન્ટ વરી, મારા એક ફ્રેન્ડની બહેન નર્સ છે. બાજુના ગામમાં એક પ્રાઈવેટ હોસ્પિટલમાં કામ કરે છે. એ આપણી હેલ્પ કરશે.'

‘કેવી હેલ્પ?' બિલોરીએ પૂછ્યું.

‘આ મુસીબત ઊભી થઇ છે, એનો હલ તો કાઢવો પડશે ને.' રવિ થોડો અકળાઈને બોલ્યો, અને પછી એણે કૃત્રિમ લાગતું સ્મિત આપીને કહ્યું, ‘ચિંતા નહીં કર. સાવ ઈઝી પ્રોસિજર છે. ચાર-પાંચ કલાકમાં તો તું ઘેર આવી જઈશ. કોઈને ખબર પણ નહી પડે.'

‘તું અબોર્શનની વાત કરે છે?' બિલોરી ભડકી.

‘હાસ્તો. બીજો શું રસ્તો છે?'

‘આપણે મેરેજ કરી લઈએ.'

‘મેરેજ?' હવે ભડકવાનો વારો રવિનો હતો.

‘હા, આજે નહિ ને કાલે કરવાનાં જ હતાં ને.'

‘પણ ઘરવાળા...'

‘એમને કહેવાની જરૂર નથી. છોકરું આવે ત્યારે કહી દેવાનું કે ટાઈમથી પહેલાં આવી ગયું'.

‘અરે, તું છોકરાની વાત લઈને ક્યાં બેઠી? મારાં માબાપ લગ્ન માટે જ તૈયાર નહિ થાય.'

‘તું કહેતો હતો ને કે, મનાવી લઈશ?' બિલોરીએ યાદ દેવડાવ્યું.

‘હા, પણ એના માટે થોડો ટાઈમ જોઈએ. રાતોરાત બધું ન થાય.'

‘તો પછી એક જ રસ્તો છે' બિલોરીએ કહ્યું.

‘તને એ જ તો સમજાવું છું કે.....' બિલોરીએ રવિની વાત અડધેથી કાપી નાખતાં કહ્યું, ‘આપણે ભાગીને લગ્ન કરી લઈએ.' ‘તું ગાંડી થઇ ગઈ છે?' 

‘કેમ, તું જ કહેતો હતોને કે પ્યાર કિયા તો ડરના ક્યા?' બિલોરીને પહેલીવાર દીનુના ઘરમાં લઈ જતી વખતે રવિ આવું બોલ્યો હતો. આજે બિલોરીએ એ શબ્દો દોહરાવ્યા.

‘ડરતો નથી પણ માતાપિતાના નિસાસા લઈને આપણે સુખી નહીં થઈએ.' ભારતના અનેક છોકરાઓ એમની પ્રેમિકાને દગો આપવા માટે વરસોથી જે બહાનું કાઢતા આવ્યા છે, એ રવિએ પણ દર્શાવ્યું.

પરંતુ બિલોરી મજબૂત હતી.‘થોડો વખત કદાચ સંબંધ નહીં રાખે, પણ પછી પીગળી જશે. તું તારાં માબાપનો એકનો એક દીકરો છે, અને મનેય ક્યાં બીજાં ભાઈબહેન છે? બધું ઠીક થઇ જશે.' એણે ખાતરીપૂર્વક કહ્યું.

રવિ કંઈ બોલી ન શક્યો.

 ‘બોલ, શું કરવું છે?' બિલોરીએ પૂછ્યું.

‘મને સહેજ વિચારવા તો દે' રવિએ સહેજ ચિઢાઈને કહ્યું. પણ પછી બિલોરીની આંખમાંથી ટપટપ ખરવા લાગેલાં આંસુ જોઇને એણે થોડી ઉદારતા દાખવી ‘ચાલ, હવે રડવાનું બંધ કર. અને, હા તારી ઈચ્છા ન હોય તો આજે માંડી વાળીએ.'

બિલોરીને ખરેખર ઈચ્છા નહોતી થતી પણ હવે એ ડરી ગયેલી.

રવિને ખુશ રાખવાનો આ એક જ રસ્તો હતો એવું માનીને એણે આંખો લૂછી નાખતાં કહ્યું, ‘ના ના, ચાલ જઈએ.' દીનુના ઘરમાં એ દિવસે પહેલીવાર રવિના પ્રેમમાં બિલોરીને જંગાલિયતની ઝાંકી થઈ. એણે દાંત ભીંસીને સહન કરી લીધું. રવિને બાંધી રાખવા માટે એ કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર હતી.

આખરી નિર્ણય લેવા માટે રવિએ બિલોરી પાસે એક અઠવાડિયાની મુદત માંગી લીધી અને કોઈને આ વાત નહિ કહેવાની તાકીદ ફરી ફરીને કરી. પણ ત્રીજે જ દિવસે એણે બિલોરીને મળીને ખુશખબર આપ્યાં કે, એને એક ફિલ્મની ઓફર મળી હતી અને પાકું થઇ જાય, તો પછી એને બિલોરી સાથે લગ્ન કરતા કોઈ નહિ રોકે.

સાંભળીને બિલોરી ખુશ તો બહુ થઇ, પણ ખુશી વ્યક્ત કરવામાં થોડી કાચી પડી. એની તબિયત બગડવા લાગી હતી. રોજની મોર્નિંગ સીકનેસ એને પરેશાન કરતી હતી, અને ઘરના લોકોથી એ છુપાવવાનું વધુ સ્ટ્રેસ આપતું હતું. સદ્નસીબે આ દિવસોમાં એની મા, દિલ્હીમાં રહેતા એના ભાઈની તબિયત વિશે પરેશાન હતી.

બિલોરીના મામાને કેન્સર હોવાનું નિદાન થયેલું. છેલ્લા લગભગ પંદર દિવસથી એ ભાઈભાભી પાસે હતી. પણ હવે પાછી આવી ગયેલી. જોકે, આખરે મા હતી. ‘તને ઠીક નથી?' એણે ફિકર દાખવી ત્યારે બિલોરીએ ખાવાપીવામાં કંઈ આવી ગયું હોવાનું કહીને વાત ટાળી દીધી, પણ લાંબો સમય આ નહિ ચાલે એવો ભય એને હતો.

‘અરે, તારે હેરાન થવાની જરૂર નથી. આ દવા લઈ આવ્યો છું. આજે રાતે જ સૂતાં પહેલાં આખોય ડોઝ દૂધમાં નાખીને પી લેજે. તારી બધી તકલીફ દૂર થઇ જશે.' રવિએ ખિસ્સામાંથી એક બોટલ કાઢીને આપી.

‘શું છે?' બિલોરીએ આછી શંકા સાથે પૂછ્યું. ‘ઝેર નથી. ડોક્ટરે કહ્યું કે આ પીવાથી તબિયત પણ સુધરશે.'

‘કયા ડોક્ટરે?'

‘અરે બાબા, છે દીનુનો એક ઓળખીતો. તને ભરોસો ન હોય તો લાવ ફેંકી દઉં.' રવિનો પિત્તો ગયો.‘લે, મેં તો અમસ્તું પૂછ્યું.' બિલોરી ઓછપાઈ ગઈ.

રવિના ચહેરા પર કુમાશ આવી ગઈ. એણે બિલોરીના ગાલને હળવેથી સ્પર્શતા કહ્યું, ‘જો, મારે હવે તારું જ નહીં, આપણા બાળકનું પણ ધ્યાન રાખવાનું છે. મેં અબોર્શનની વાત કરી, એ બદલ તારી માફી માગું છું. જોઈએ તો મને બે લાફા મારી લે પણ મારા પર ભરોસો રાખ.' એના અવાજમાં એટલો સ્નેહ છલકાતો હતો કે બિલોરીની આંખો ભીની થઈ ગઈ. રવિ પર શંકા કરવા બદલ એનું દિલ એના પર જ ગુસ્સે થઈ ગયું.

જોકે રાતે એણે દવાની બોટલ હાથમાં લીધી ત્યારે દિલ પર દિમાગે કબજો લીધો. ઘરના આંગણામાં રોજની જેમ ખાવાનું મળવાની આશાએ કૂતરો આંટા મારી રહ્યો હતો. દૂધ ભરેલી તપેલીમાં આખી બોટલ ઠાલવીને બિલોરીએ કૂતરા સામે ધરી દીધી. પછી આખી રાત એને ઊંઘ ન આવી.

કૂતરો મરી ગયો તો શું કરવું, એ બિલોરી નહોતી જાણતી. પણ સવારે કૉલેજ જવા નીકળી ત્યારે રાતવાળા કૂતરાએ પૂંછડી હલાવીને એને ગુડ મોર્નિંગ કહ્યું. આજે તો એ વધુ સ્ફૂર્તિલો લાગતો હતો. બિલોરીના પગ અને મન, બંનેને જાણે પાંખો આવી ગઈ.

‘રવિને કહીશ કે, દવાની બોટલ હાથમાંથી છટકીને ફૂટી ગઈ, બીજી લાવી આપ, કે પછી સચ્ચાઈ કબૂલીને એની માફી માંગી લઉં?' સાંજ સુધી બિલોરી આ વિચારોમાં અટવાતી રહી. એ સાંજે રવિ તો એને ન મળ્યો પણ ઘેર પહોંચી ત્યારે મા કોઈ મહેમાન સામે બબડી રહી હતી.' કોણ જાણે કયા ભવનો લેણિયાત હશે તે અહીં અમારે બારણે આવીને છેલ્લા શ્વાસ લીધા.' ચક્કર ખાઈને બિલોરી ઘરના દરવાજે ઢગલો થઈ ગઈ. ‘શું થયું' નો સાદ પાડતી એની મા દોડી આવી. આ ઘટનાના દસ જ દિવસમાં બિલોરીનાં લગ્ન થઇ ગયાં.

મનાલીમાં રહેતા આડત્રીસ વરસના દિનેશની પત્ની બે વરસ પહેલાં એને છોડીને ભાગી ગયેલી. એ તો ભલું થજો રવિ વર્મા જેવા દોસ્તનું કે દિનેશ ઉર્ફે દીનુને સત્તર વરસની રૂડીરૂપાળી કન્યા મળી ગઈ. કન્યાના ગળામાં મંગલસૂત્ર પહેરાવતી વખતે મુરતિયાએ એની નાજુક ત્વચા પર જોરથી ચીમટી ખણી. લોહીનું નાનકડું ટીપું નીકળીને ત્યાં જ જામી ગયું. બિલોરીએ હોઠ ભીંસીને ચૂપચાપ પીડા સહી લીધી. દીનુને પણ ત્યારે ક્યાં ખબર હતી કે બહુ જલદી લોહીના ફુવારા ઊડવાના હતા.

બિલોરી નાનપણથી સાંભળતી આવેલી કે ખોટાં ખરાબ કામ કરનાર વ્યક્તિ મર્યા પછી નરકમાં જાય. પણ એણે તો જીવતેજીવત નર્ક જોઈ લીધું. એનું પાપ, કે વાંક કહો તો એટલું જ કે એણે રવિ જેવા માણસને પ્રેમ કરેલો, એની બધીયે વાતમાં વિશ્વાસ રાખેલો. બહુ પાછળથી બિલોરીને સમજાયું કે , રવિ છેલ્લી ઘડીએ ફરી નહોતો ગયો. હકીકતમાં એ માણસની નિયત પહેલેથી ખોટી હતી. બિલોરી સાથે એ ક્યારેય લગ્ન કરવાનો જ નહોતો. વિચાર્યું હશે કે થોડા દિવસ મોજમજા કરીને છોકરીને પડતી મૂકવી. પણ છોકરીએ પ્રેગ્નન્ટ થઇ જઈને લગ્નની જીદ પકડી, અને એમાંથી છુટકારો મેળવવા માટે રવિએ છેલ્લી હદનું પગલું લીધું. એણે બિલોરીને દવાને નામે ઝેર આપી દીધું.

બિલોરી બચી ગઈ પણ ઘરવાળાને વાતની જાણ થઇ ગઈ. મનાલીમાં રહેતા મિડલ ક્લાસ, સીધાસાદા પરિવારને માથે તો આભ તૂટી પડ્યું. માબાપ રાતભર રડ્યાં અને બીજે દિવસે સવારે રવિને ઘેર પહોંચી ગયાં. એની સાથે ઝઘડવા નહિ, એના પગ પકડીને વિનંતી કરવા કે અમારી દીકરી સાથે લગ્ન કરી લે. રવિએ બિલોરીને ઝેર આપેલું, એ વાત વિસારે પાડી દેવાઈ. બિલોરીએ જબરદસ્તી મન મનાવી લીધું કે અણધાર્યા સંજોગોમાં ગભરાઈ ગયેલા રવિએ એને નહિ, બાળકને મારવાનો પ્રયાસ કર્યો હશે. રવિ સાથે લગ્ન કરીને એ બીજું બધું ભૂલી જવા માટે તૈયાર હતી.

પણ રવિએ એમને આંચકો આપ્યો. પોતાના ઘરવાળાની હાજરીમાં કહ્યું કે, બિલોરીને એની સાથે નહિ, એના દોસ્ત દીનુ સાથે સંબંધ હતો. કદાચ રહીરહીને બિલોરીને ભાન થયેલું કે દીનુ ઉંમરમાં મોટો હતો અને પ્રેમિકાના બધા મોજશોખ પૂરા કરવા જેટલું કમાતો નહોતો.

એટલે, બિલોરીએ હવે યંગ એન્ડ રિચ રવિને ફસાવવાનો પ્લાન બનાવેલો. ‘મારી વાત માનવામાં ન આવે તો દીનુને પૂછી જુઓ’ એણે હાથ જોડીને કહ્યું. દીનુને પૂછ્યું તો એણે ગળગળા સાદે કહ્યું કે રવિની વાત સાચી હતી. બિલોરી એના બાળકની મા બનવાની હતી, અને બિલોરીનું મન હવે ભલે બદલાઈ ગયું હોય, પણ એ તો હજીયે એની સાથે લગ્ન કરવા માંગતો હતો.

બસ, બિલોરીનાં માબાપને વધુ કઈ સાંભળવું નહોતું. બિલોરીને જબરદસ્તી દીનુ સાથે પરણાવી દેવાઈ. બિલોરીમાં વિરોધ કરવાની, લડવાની તાકાત નહોતી. એ જાણતી હતી કે રવિએ બહુ મોટી રકમ આપીને દીનુને ખરીદી લીધેલો. અને, આમ જુઓ તો એનાં માતાપિતાએ પણ એક પ્રકારની સોદાબાજી જ કરેલી. બિલોરીને ખાતરી હતી કે એનાં માબાપ સચ્ચાઈથી વાકેફ હતાં, પણ રવિના શ્રીમંત, વગદાર પરિવાર સામે લડવાની, કે કુંવારી માતા બની ગયેલી દીકરીને ઘરમાં રાખવાની હિંમત એ લોકોમાં નહોતી. દીનુ સાથે બિલોરીને પરણાવી દઈને એમણે માથેથી ભાર ઉતારી નાખ્યો. સમાજમાં પોતાની આબરૂ જાળવી રાખવા માટે એમણે દીકરીને કૂવામાં ધકેલી દીધેલી. અને, આવું કરવા બદલ, બિલોરી એમને ક્યારેય માફ નહોતી કરવાની. 

માતાપિતા, પ્રેમી, પતિ, આ બધાં પ્રત્યે ભારોભાર નફરત લઈને બિલોરીએ એનો ઘરસંસાર શરૂ કર્યો. જોકે નવો સંસાર કેવો હશે, એની ઝાંકી તો બિલોરીને એના લગ્નમંડપમાં જ થઇ ગઈ. દીનુ માનતો હતો કે પરાણે એની સાથે પરણેલી બિલોરીને પહેલેથી કાબૂમાં રાખવી જરૂરી હતી. વ્યક્તિને પ્રેમથી પણ વશ કરી શકાય, એ વાત એની સમજની બહાર હતી. એણે હિંસાનું હથિયાર અપનાવ્યું. બિલોરી બધું સહન કરતી રહી. બીજું કરે પણ શું? આવડી મોટી દુનિયામાં એ સાવ એકલીઅટૂલી હતી. પરંતુ પછી એક દિવસ જે બન્યું, એણે તો બિલોરીનાં બીજાં બધાં દુઃખને ઝાંખાં પાડી દીધાં.

બિલોરીની જિંદગીમાં ઝેર ઘોળી દેનાર રવિ, અચાનક એક દિવસ ઘરને બારણે પ્રકટ્યો. ‘દીનુ નથી'બિલોરીએ પોતાના રોષ પર કાબૂ રાખતાં કહ્યું.

‘ખબર છે, મેં જ એને કામ માટે બાજુના શહેરમાં મોકલ્યો છે. તને મળવાનું બહુ મન થતું હતું.'બોલતો રવિ બારણાને ધક્કો મારીને ઘરમાં પ્રવેશી ગયો. બિલોરીને ત્યારે ચોથો મહિનો ચાલતો હતો. એ દિવસે સવારથી એની તબિયત કથળેલી. સામે રવિના માથા પર શેતાન સવાર હતો. એણે પહેલા બિલોરીને પ્રેમથી સમજાવવાનું નાટક કર્યું, અને એમાં સફળતા ન મળી તો જબરદસ્તીનો આશરો લીધો. બિલોરીની ચીસો કોઈએ સાંભળી નહીં. મોડેથી દીનુ ઘેર આવ્યો, ત્યારે એ નશામાં ધૂત હતો. ‘આજે રવિ ઘેર આવેલો.'બિલોરીના સૂઝી ગયેલા હોઠમાંથી હજી આટલા શબ્દો બહાર નીકળ્યા, ત્યાં તો દીનુ બોલ્યો, ‘ખબર છે, તેં જ એને બોલાવેલો.'અને પછી પગમાંથી ચંપલ કાઢીને બિલોરી તરફ ઘા કરતા કહ્યું, ‘આમેય તારા માટે આ ક્યાં નવી વાત છે'.

બિલોરીનું દિમાગ આઘાતથી સુન્ન થઇ ગયું. દીનુ તો જઈને સૂઈ ગયો. બહુ વારે બિલોરીને કળ વળી ત્યારે ભાન થયું કે રવિએ ફરી એકવાર દીનુ સાથે એનો સોદો કરી નાખેલો. રવિ ફરીથી આવશે, એ વાતમાં કોઈ શંકા નહોતી. એના પછી કદાચ કોઈ બીજો આવશે. જીવતેજીવત બિલોરીની યાતનાનો અંત નહોતો આવવાનો. ‘તો શું કરું,મરી જાઉં?'એણે પોતાના પેટ પર હાથ મૂકતા પૂછ્યું. અંદર સૂતેલા બાળકે જવાબમાં હળવી લાત મારી. બિલોરી બેસી પડી. એના માટે આ પહેલો અનુભવ હતો. પણ એણે હર્ષની કોઈ લાગણી અનુભવી નહિ.

ચાર દિવસ વીતી ગયા. ‘આજે રાતે મને ઘેર આવતા મોડું થશે.'કહીને દીનુ ગયો, અને બિલોરીએ રવિના સ્વાગત માટે તૈયારી શરૂ કરી દીધી.

સાંજના અંધારાની સાથે રવિનું આગમન થયું. આ વખતે જોકે એ દરવાજે બેલ મારવાને બદલે સીધો ચાવીથી બારણું ખોલીને અંદર આવી ગયો. દીનુએ જ એને આ સગવડ કરી આપી હશે, એમાં બિલોરીને કોઈ શક નહોતો. એનું સ્મિત જોઇને રવિ થોડો ગૂંચવાયો, પણ બિલોરીએ કબાટમાંથી સસ્તા દારૂની બોટલ કાઢી, ત્યારે એના દિમાગમાં બત્તી થઇ કે બિલોરીને જૂના દિવસો યાદ આવી ગયેલા. બિચારી દીનુ જેવા માણસ સાથે કઈ રીતે સુખી હોઈ શકે? અને પછી તો બિલોરીએ જે પ્રેમ ઢોળ્યો, એણે રવિને જન્નતનો અનુભવ કરાવી દીધો. ‘સ્ત્રીને મૂરખ બનાવવાનું કેટલું આસાન છે.'આવા વિચારોમાં તરબોળ રવિની આંખો ક્યારે મળી ગઈ, અને કેટલો સમય એ સૂતો રહ્યો, એનું એને ભાન ન રહ્યું, પણ આંખો ખૂલી ત્યારે વસ્ત્રહીન દશામાં એ પથારીમાં ચત્તોપાટ પડ્યો હતો અને પલંગના ચાર ખૂણા સાથે એના હાથપગ બંધાયેલા હતા. ચારે તરફ અંધારું હતું. ‘બિલોરી....'એણે સાદ પાડ્યો.

‘જાગી ગયો મારો રવિ?'એક તરફથી અવાજ આવ્યો. અને પછી રૂમમાં સહેજ અજવાળું થયું. નાઈટલેમ્પની રોશનીમાં રવિએ એની સામે ઊભેલી બિલોરીને જોઈ. ‘આ શું માંડ્યું છે?'રવિએ ઘોઘરા અવાજે પૂછ્યું. બિલોરીએ જવાબમાં માત્ર સ્મિત આપ્યું. 

‘કમ ઓન બિલોરી, હમણાં દીનુ આવી જશે.'રવિએ હાથપગ હલાવવાની કોશિશ કરતા કહ્યું. જોકે આવું કરવા જતા ગાંઠો વધુ કસાઈ.

‘દીનુ તો આજે મોડો આવવાનો છે. આપણી પાસે હજી ઘણો ટાઈમ છે.'બિલોરીએ રવિના હોઠ પર આંગળી ફેરવતાં કહ્યું.

‘ઓહ નો'રવિ જોરથી આંખો મીંચી ગયો. એને લાગ્યું કે બિલોરી હજી ધરાઈ નહોતી. પણ રવિમાં હવે વધુ પ્રેમ જતાવવાની તાકાત નહોતી બચી. બિલોરીએ આગ્રહ કરીને પિવડાવેલો દારૂ એના પેટમાં ઉછાળા મારવા લાગેલો.

‘પ્લીઝ, મને ઊલટી થઇ જશે'એણે આજીજી કરી.

‘ઓહ નો'કહીને બિલોરી એના પર ઝૂકી, અને રવિ હજી કંઈ સમજે, એ પહેલાં તો એના મોઢા પર ટેપ મારી દેવાઈ.

‘હવે ઊલટી નહીં થાય.બસ?'બિલોરીએ હસીને કહ્યું. અને વાંકા વાળીને જમીન પરથી કંઈક ઉપાડ્યું.

રવિના શરીરમાંથી ધ્રુજારી પસાર થઇ ગઈ. આ રમત નહોતી. કંઈ અણધાર્યું થવાનું હતું. અને પછી એણે ઝાંખા પ્રકાશમાં બિલોરીના હાથમાં ચમકતી છરી જોઈ.

‘મારા પેટમાં તારું બાળક નથી. બરાબરને?'બિલોરીએ શાંત અવાજે પૂછ્યું. રવિની આંખો ફાટી રહી. એણે જોરથી માથું હલાવ્યું. પણ પછી ભાન થયું હશે કે આનો અર્થ હા કે ના, કંઈ પણ થઇ શકે. એટલે એણે બોલવાનો પ્રયાસ કર્યો પણ મોઢું ખૂલવાની સ્થિતિમાં નહોતું.

‘ડોન્ટ વરી, હું તો ઠીક, આજ પછી બીજી કોઈ છોકરી પણ તારા પર આવો આરોપ મૂકી નહિ શકે. ના રહેગા બાંસ, ના બજેગી બાંસુરી'કહીને બિલોરીએ રવિના ડાબા સાથળ પર છરી મૂકી અને રવિ એનો ઈરાદો સમજી ગયો. જિંદગીમાં આટલો ભય એણે ક્યારેય નહોતો અનુભવ્યો. ભયની પાછળ પાછળ કાળઝાળ પીડા આવી. રવિની ચીસ એના મોઢા પર મારેલી ટેપની પાછળ દબાઈ ગઈ.

‘આનો અગ્નિસંસ્કાર કરું કે દફનાવી દઉં ?'બિલોરીએ એની લોહીલુહાણ હથેળી રવિ સામે ધરીને પૂછ્યું. રવિ ફાટી આંખે જોઈ રહ્યો. ભગવાન પાસે આ ઘડીએ તો એ બેહોશી સિવાય બીજું કંઈ નહોતો માંગવાનો. પરંતુ શરીરનું એક આખુયે અંગ ગુમાવવાની ભયાનક પીડા પછીયે એ હજી ભાનમાં હતો.

‘બોલને શું કરું?'બિલોરીએ પૂછ્યું, અને ત્યાં જ બહાર કૂતરાં ભસવાનો અવાજ આવ્યો. ‘લ્યો, દીનુ પણ આવી ગયો'બિલોરીએ બારી પાસે જઈને હાથમાંથી છૂટો ઘા કર્યો. કૂતરો થોડું ભસીને શાંત થઇ ગયો. આજ જેવું ભોજન એને આ પહેલાં ક્યારેય નહોતું મળ્યું.

‘બિલોરી, આ ઘરનો દરવાજો ખુલ્લો કેમ છે.....'ની રાડો પાડતો દીનુ ઘરમાં પ્રવેશ્યો. લથડિયાં ખાતા પગે એ અંદરના રૂમમાં આવ્યો. આછા અજવાળામાં એણે પલંગ પર પડેલા પુરુષને જોયો. ‘અલ્યા, તું હજી ગયો નથી'એવું બબડીને એણે ટ્યુબલાઈટની સ્વિચ ઓન કરી. અને પછી બીજી જ ક્ષણે એનો બધોયે નશો ઊતરી ગયો.

દીનુ આવ્યો, એની પાછળ પોલીસ આવી,રવિને હોસ્પિટલમાં અને બિલોરીને લોકઅપમાં લઇ જવાઈ. બિલોરીએ પોતાનો કોઈ બચાવ કર્યા વિના ગુનો કબૂલી લીધો. પોલીસે કારણ પૂછ્યું તો કહ્યું નહિ. અદાલતમાં જજસાહેબે પૂછ્યું ત્યારે પણ એણે હોઠ ભીડી રાખ્યા. રવિ અને દીનુએ જે કહ્યું એ બધું ચૂપચાપ સાંભળી લીધું. અદાલતે છેવટે ફરમાવેલી સજા સ્વીકારીને જેલમાં જતી રહી.

રવિને એના પાપની સજા આપવાનું બિલોરીએ નક્કી કર્યું, ત્યારે જ એણે આ સિનારિયો પણ વિચારી લીધેલો. રવિનું જીવન બરબાદ થઇ ગયું, એટલું બિલોરી માટે કાફી હતું. પછીનું જીવન જેલમાં વીતે, કે દીનુના ઘરમાં, એનાથી એને કોઈ ફેર નહોતો પડતો. બિલોરીને જીવનમાં કોઈ રસ નહોતો રહ્યો. પણ એણે ધારેલું, એનાથી સાવ જુદું જ બન્યું. 

નશામાં ધૂત થઈને ઘેર આવેલા દીનુએ એની પથારીમાં લોહીલુહાણ, નિર્વસ્ત્ર અવસ્થામાં પડેલા રવિને જોયો, ત્યારે સ્વાભાવિક રીતે જ પહેલા તો એની રાડ ફાટી ગઈ. અને પછી ખબર પડી કે શું થયેલું, ત્યારે એના પેટમાં જેટલું હતું, એ બધું બહાર આવી ગયું.

ઓકતા ઓકતા એ જમીન પર ઢગલો થઇ ગયો. ‘ઓ મા, ઓ મા'ટૂંટિયું વાળીને, બે ગોઠણ વચ્ચે માથું નાખીને એણે પોક મૂકી. પલંગ પર કણસી રહેલા રવિ અને જમીન પર કકળી રહેલા દીનુ સામે બિલોરી જોઈ રહી. થોડીવાર પછી એણે દીનુને પગથી ઢંઢોળ્યો. ‘મને નહીં મારતી'દીનુ ચિત્કારી ઊઠ્યો. આવા સંજોગોમાં પણ બિલોરીને હસવાનું મન થઇ ગયું. પછી કડક અવાજે એ બોલી, ‘તારા દોસ્તને હોસ્પિટલમાં લઇ જા'

અર્ધબેહોશ અવસ્થામાં પડેલો રવિ નબળા અવાજે બોલ્યો, ‘ના,ના, હોસ્પિટલમાં નહિ...' ‘કેમ, તારે અહીં મરી જવું છે?'બિલોરીએ ઘૃણાભેર પૂછ્યું. દીનુએ પણ રડવાનું અટકાવ્યું. એની સામે જોઇને રવિ તૂટક તૂટક અવાજે બોલ્યો,

‘કોઈને ખબર નથી પાડવી, તું ભંડારીને ફોન કરીને અહીં બોલાવ.’બિલોરીના હોઠ પર સ્મિત આવી ગયું. આવી દશામાં પણ રવિને હોસ્પિટલમાં નહોતું જવું, કારણ કે એ નહોતો ઈચ્છતો કે આખી દુનિયાને એની દુર્દશાની જાણ થઇ જાય. જાનના જોખમે પણ એને પોતાની નવીનકોર નપુંસકતા પર ઢાંકપીછેડો કરવો હતો. ભંડારી, એનો ઓળખીતો ડોક્ટર હતો. બિલોરી કંઈ ન બોલી પણ પુરુષ હોવાને નાતે દીનુ પોતાના દોસ્તની મનોસ્થિતિ સમજી ગયો. એણે ડોક્ટરને ફોન કર્યો.

પછી શું થયું, એનો માત્ર આછો પાતળો ખ્યાલ બિલોરીને હતો, કારણ કે એ તો ત્યાંથી નીકળીને બાથરૂમમાં જતી રહી. રવિના સ્પર્શથી ગંદા થયેલાં અંગેઅંગને એણે ઘસીઘસીને ધોયું. લોહીથી ખરડાયેલા સલવાર કમીઝને ધોવાનો વિચાર આવતાની સાથે એણે પડતો મૂક્યો. ન તો એ પોતાનો ગુનો છુપાવવાની હતી, ન તો આ કપડાં ફરીવાર પહેરવાની હતી.

સાફસુથરી થઈને, કિચનમાં જઈને એણે પોતાના માટે ચા બનાવી. અને પછી કપ લઈને અગાસીમાં જઈને ઊભી રહી.દીનુનું ઘર વસ્તીથી દૂર હતું, એટલે આસપાસ કોઈ ઘોંઘાટ કે ચહલપહલ નહોતી. ડોક્ટર ભંડારી આવ્યા, દસેક મિનિટ પછી રવિને ઊંચકીને એ અને દીનુ બહાર આવ્યા. કારની પાછલી સીટમાં રવિને સુવાડીને , બંને જાણ કારમાં આગળ બેઠા.

અગાસીમાં ઊભેલી બિલોરીને જોયા પછીયે ન જોઈ હોવાનો દેખાવ કરીને એ લોકો ત્યાંથી નીકળી ગયા. અગાસીમાં એક આરામખુરસી હતી. બિલોરી ઘણીવાર સાંજના સમયે ત્યાં બેસીને ઢળતા સૂરજને જોતી.જેલમાં ગયા પછી, ખુલ્લું આસમાન જોવાનો મોકો મળશે? બિલોરીએ સ્વચ્છ આકાશમાં ટમટમી રહેલા તારા સામે જોતા વિચાર્યું. અને પછી ખુરસીમાં જઈને બેઠી. થોડીવારમાં એની આંખો મળી ગઈ. કોઈ ભયાનક સપનાએ એની ઊંઘમાં ખલેલ પાડી નહિ.

બિલોરીની આંખો ખૂલી ત્યારે હજી સૂર્યોદય નહોતો થયો પણ આકાશ હવે કાળાને બદલે ભૂખરું થવા લાગેલું. ઘરની પાછળ એણે ખખડાટ થતો સાંભળ્યો. બિલોરી ઊભી થઈને એ તરફ ગઈ. નીચે એક ખાડો ખોદી રહેલા દીનુને એણે જોયો. દીનુ કદાચ બિલોરી માટે કબર ખોદી રહ્યો હતો, આ વિચાર આવ્યા પછીયે એણે કોઈ ભયની લાગણી અનુભવી નહિ.

કોદાળી બાજુએ મૂકીને પાછા ઘરમાં પ્રવેશેલા દીનુની રાહ જોતી એ ઊભી રહી. પણ દીનુ અગાસીમાં આવ્યો નહિ. થોડીવાર પછી હાથમાં ગાદલું લઈને એ બહાર આવ્યો, એને ખાડામાં નાખીને પાછો ઘરમાં ગયો, બીજીવાર બહાર નીકળ્યો ત્યારે એના હાથમાં તકિયો અને મોટું પોટલું હતું. 

બધું ખાડામાં નાખીને એ પાછો અંદર ગયો અને ત્રીજીવાર બહાર નીકળ્યો ત્યારે એના હાથમાં પ્લાસ્ટિકનું મોટું કેન હતું. ઢાંકણું ખોલીને એણે અંદર ભરેલું બધુયે કેરોસીન ખાડામાં ઠાલવી દીધું, અને પછી દીવાસળી સળગાવીને ખાડામાં ફેંકી. અંદરથી ભડકો ઊઠ્યો. જોતજોતામાં બિલોરીએ કરેલા અપરાધના પુરાવા બળીને રાખ થવા લાગ્યા.

થોડીવાર પછી બિલોરી અગાસીમાંથી ઊતરી ત્યારે દીનુ એમનો બેડરૂમ પાણીથી ધોઈ રહ્યો હતો. આખા ઘરમાં ફિનાઈલની વાસ પ્રસરી ગયેલી. બિલોરી રૂમના દરવાજે આવીને ઊભી રહી ત્યારે દીનુની પીઠ એના તરફ હતી. ઘૂંટણભર બેસીને એ જમીન પર બ્રશ ઘસવામાં વ્યસ્ત હતો. ‘શું કરે છે?'બિલોરીએ જોરથી પૂછ્યું. દીનુએ ચમકીને પાછળ જોયું. એના ચહેરા પર ભય તરવરી ઊઠ્યો. બિલોરીથી બચવું હોય એમ હાથ લાંબા કરીને પાછળ ખસવા ગયો, પણ ત્યાં દીવાલ હતી. એને અઢેલીને દીનુ બેસી પડ્યો. ‘પ્લીઝ... 'એના હોઠ ફફડ્યા.

એ ઘડીએ બિલોરી જાણી ગઈ કે એણે હવે દુનિયામાં કોઇથી ડરવાની જરૂર નહોતી. કાયદાની નજરે ભયાનક ગણાય એવો ગુનો એણે ભલે કર્યો હોય, પણ એને કોઈ સજા નહોતી થવાની. ગુનાનો ભોગ બનેલો પુરુષ શરમનો માર્યો ચૂપ રહેવાનો હતો. અને બીજા પુરુષે પુરાવા નષ્ટ કરીને ગુનામાં પોતાની ભાગીદારી નોંધાવી દીધેલી. એ બંને તો હવે બિલોરીથી ડરતા હતા. પોતાનો અપરાધ કબૂલી લેવાનો, ચૂપચાપ જેલમાં જવાનો વિચાર બિલોરીએ ત્યાં ને ત્યાં માંડી વાળ્યો.

બિલોરી બીજા રૂમમાં જતી રહી. એકાદ કલાક પછી, દીનુ એની પાસે આવ્યો. હવે એ થોડો સ્વસ્થ લાગતો હતો. ‘બિલોરી, જે થયું એ આપણે કોઈને કહેવાની જરૂર નથી.'એણે નરમ અવાજે કહ્યું.

‘પેલો તો કહી દેશે ને'બિલોરીએ યાદ દેવડાવ્યું. ‘ના, એ પણ નહિ કહે.'દીનુએ કહ્યું અને પછી આ વાતની ખાતરી આપતો હોય એમ ઉમેર્યું, ‘એને બીજા શહેરની હોસ્પિટલમાં લઇ ગયા છે. ભંડારીને પણ ચૂપ રહેવા સમજાવી લીધો છે. કોઈ પૂછે તો કહી દેશે કે, રોડ એક્સિડન્ટમાં થોડી ઈજા થઇ ગઈ એટલે હોસ્પિટલમાં એડમિટ કરવો પડ્યો.'

‘અચ્છા'બિલોરી આટલું જ બોલી. થોડીવાર ચૂપ રહીને દીનુ બોલ્યો, ‘તું પણ હવે છૂટી છે.'‘મતલબ?'બિલોરીએ સહેજ નવાઈ સાથે પૂછ્યું. દીનુએ આછી ઉધરસ ખાઈને ધીમા અવાજે કહ્યું, ‘તારે હવે તારા માબાપને ઘેર જતાં રહેવું હોય, તો મને વાંધો નથી.'

‘પણ મને વાંધો છે'બિલોરી બોલી. પેટ પર હાથ મૂકીને એણે પૂછ્યું, ‘બાપ તરીકેની જવાબદારીમાંથી તારે છટકી જવું છે?' ‘ના, ના'દીનુની જીભે લોચા વળી ગયા. ‘તને પૈસા જોઈતા હોય તો....'એનું વાક્ય અડધેથી કાપી નાખતા બિલોરી બોલી, ‘મને પૈસાની નહિ, પતિની જરૂર છે.'અને પછીના શબ્દો એણે મનમાં જ દબાવી દીધા ‘હજી થોડા વખત માટે.'

દીનુ કોઈ દલીલ ન કરી શક્યો. એ દિવસ પછી જોકે ઘરમાં મારઝૂડ બંધ થઇ ગઈ. થોડા દિવસ તો ઘરમાં લગભગ મૌનનું સામ્રાજ્ય પથરાયેલું રહ્યું. બિલોરી જે બનાવે, એ દીનુ ખાઈપી લેતો. પોતાની પથારી હવે એ બીજા રૂમમાં કરતો હતો. થોડા દિવસ પછી બજારમાંથી ચીજવસ્તુ લાવવા માટે બિલોરીએ પૈસા માંગ્યા તો, દીનુએ જરૂરતથી વધુ આપીને કહ્યું, ‘ડોક્ટર પાસે પણ જઈ આવજે. તું હમણાં બહુ નબળી પડી ગઈ લાગે છે.'સાંભળીને બિલોરીને થોડું સારું લાગ્યું, પણ એણે પ્રતિભાવ આપવાનું ટાળ્યું. જોકે પછીના દિવસોમાં દીનુમાં આવી રહેલા ફેરફાર એણે જોયા.

એ બિલોરીનું ધ્યાન રાખતો હતો, એને વધુ કામ નહોતો કરવા દેતો. ઘણીવાર બજારમાંથી બિલોરીને ભાવતી મીઠાઈ લઇ આવતો. એકવાર તો બિલોરી સાથે ડોક્ટર પાસે પણ ગયો. અને ડોક્ટરે બિલોરીને ડિલીવરી સુધી સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી, એનું પાલન કરાવવાની જવાબદારી દીનુએ પોતાના માથે લઇ લીધી. 







ક્રમશ.  




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Ad Code