રક્ત રમત પ્રકરણ_૩
લેખક: વર્ષા પાઠક
સવારે એક હેલ્થ કલબના ઓપનિંગમાટે ગયેલી બિલોરીને પોલીસ પકડી લાવી, ત્યારે પહેલા તો એણે માત્ર આશ્ચર્ય વ્યક્ત કરેલું.'પોલીસને મારી પૂછતાછ કરવી છે.....પણ શેના માટે?'મોટી મોટી આંખોને ઘુમાવતા એણે પૂછેલું.
અને પછી ખબર પડી કે ઉત્સવીની હત્યા કરવાના આરોપસર એણેપોલીસ કમિશનરના સવાલોનો સામનો કરવાનો હતો, ત્યારે બિલોરી ડઘાઈ ગયેલી. ધાર્યું હોત તો એ ત્યારે જ વકીલને ફોન કરી શકી હોત.
પણ કદાચ બીજા સામાન્ય લોકોની જેમ એને પણ લાગ્યું હશે કે જેણે ગુનો કર્યો હોય, એ જ વકીલની મદદ માગે. એ તો નિર્દોષ હતી.
ઊલટું એણે તો જાણેસામેવાળાની દિમાગી હાલત પર શંકાકરતી હોય એવા ભાવ સાથે કહેલું, 'ઉત્સવીનું મર્ડર.....યુ મસ્ટ બી કીડિંગ' મુંબઈના પોલીસ કમિશનર વાસુકિ ગોકર્ણ પોતે પૂછપરછ કરવાના હતા, એ જાણ્યા પછી જોકેબિલોરીને પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજ તો આવી જ ગયો હશે.
પણ એને પોતાની જાત પર ભરોસો હતો. શરૂઆતમાં એની વર્તણૂક એવી જ હતી જાણે પોલીસવાળા એને ભૂલથી લઇ આવ્યા હોય અને બધીયે ગેરસમજ થોડી વારમાં દૂર થઇ જવાની હતી.
થોડીથોડી વારે એ પોતાની રિસ્ટવોચમાં જોતી રહેલી, જાણેકહેતી હોય કે જલદીપતાવો. મારેહજી બીજાં ઘણાં કામ છે. બિલોરીના કમનસીબે પોલીસ કમિશનરને એવી કોઈ ઉતાવળ નહોતી. થોડી જ વારમાં સ્માર્ટબિલોરીને ખ્યાલ આવી ગયો કે એણે ધારેલું, એના કરતાં ઘણું ઘણું વધારે પોલીસ જાણતી હતી.
પરંતુ આ ખ્યાલ આવ્યા પછીયેએ ભાંગી નહોતી પડી. લગભગ ચાર કલાકથી એ પોલીસ કમિશનરના પ્રશ્નોનો સામનો કરી રહી હતી, પણ હજી સુધી એણે એવો કોઈજવાબ નહોતો આપ્યો, જેના આધારે પોલીસ એને સાણસામાં લઇ શકે.
સગાં સંતાનોને ભાઈબહેન તરીકે ઓળખાવવાની શરમ સ્વીકારતી વખતે એણે પોતાની જાતને કોઈ ચાલબાજ નારીને બદલે અબળાતરીકે રજૂ કરી, જેણે મજબૂરીના માર્યા આવું કરવું પડ્યું હોય. અને એ સાચું કહેતી હતી. દીકરીને બહેન તરીકે રજૂ કરવી એ કોઈ કાયદાકીય અપરાધ નહોતો.
અને એ સાચું કહેતી હતી. દીકરીને બહેન તરીકે રજૂ કરવી એ કોઈ કાયદાકીય અપરાધ નહોતો. અપરાધ હતો એ દીકરીની હત્યા કરવી. પણ એની કબૂલાત કરવાનું બાજુએ રહ્યું, બિલોરી તો હજી એ જ વાત પકડીને બેઠીહતી કે ઉત્સવી જીવતીજાગતી અમેરિકામાં બેઠી હતી.
"સર, કાવસજી બાના પોતે આવ્યા છે.'ઇન્સ્પેક્ટરકુરેશીએલોબીમાં ઊભેલા કમિશનર પાસે આવીને કહ્યું. વાસુકિએ માથું હલાવ્યું. એણે આવા કોઈ મોટા વકીલની જ અપેક્ષા રાખી હતી. અધિરથ સારંગ પોતાની પત્નીમાટે કોઈ નાનોમોટો વકીલ થોડો રોકે? કાવસજી બાનાની ગણના દેશના ટોપ ક્રિમિનલ લોયર્સમાં થતી હતી.
જોકે દુનિયાનો શ્રેષ્ઠ વકીલ પણ આજે તો બિલોરીને છોડાવી શકવાનો નહોતો. એની હાજરીમાં જ પોલીસ હવે બિલોરીની સત્તાવાર ધરપકડ કરશે. એક રાત તો બિલોરીએ પોલીસ લોકઅપમાં ગાળવી જ પડશે. આવતી કાલે મેજિસ્ટ્રેટ સમક્ષ એને રજૂ કરીને પોલીસ રિમાન્ડ માંગે, ત્યારે બાનાએ એની તમામ કાબેલિયત કામે લગાડવી પડશે.
જરૂરી પેપરવર્કની જવાબદારી જુનિયર ઓફિસર્સ પર નાખીને વાસુકિ, પોલીસ સ્ટેશનમાં એના માટે ખાલી કરાયેલી ચેમ્બર ભણી જતો હતો ત્યાં વળી ઇન્સ્પેકટર કુરેશીએ આવીને પૂછ્યું, 'સર, બહાર મીડિયાવાળાએ ઘેરો નાખ્યો છે. એમને કંઈ કહેવું છે?' વાસુકિએ થોડો વિચાર કરીને જવાબ આપ્યો, 'આપણા તરફથી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નહિ આપીએ, પણ મીડિયાને એટલી જાણ તો થઇ જ ગઈ છે કેબિલોરી સારંગ પર ઉત્સવી વોરાની હત્યાનો આરોપ મુકાયો છે.
એ લોકોહવે એ પણ શોધી કાઢશે કે ઉત્સવી એની બહેન નહિ સગી દીકરી હતી.'
'રાઈટ સર'કુરેશી સમજી ગયો કેઆજે પોલીસ ભલે 'નો કમેન્ટ'કહે પણ પાછલે બારણેથી અંદરની વાત બહાર લીક કરી દેવાની હતી. કોર્ટમાં કેસ ચાલે, જજ ફેંસલો સુણાવેએ પહેલાં પોતાની રીતે સાચાખોટા તર્ક કરીને આરોપીને કસૂરવાર ઠરાવી દેવા બદલ ભલે પત્રકારો બદનામ થતા હોય, પણ અડધાથી વધુ કિસ્સામાં આવા 'ટ્રાયલ બાય મીડિયા'સરકસની શરૂઆત પોલીસના આશીર્વાદથી થતી હોય છે.
'ઓફ ધ રેકોર્ડ ઇન્ફર્મેશન'ના નામે સાચી ખોટી માહિતી પોલીસવાળા આપતા રહે અને મીડિયાની મદદથી જનતા સુધી પહોંચાડતા રહે. કાવસજી બાના અને એમના વકીલોની ફોજ ભલે ગમે તેટલા ધમપછાડા કરે, પણઆવતીકાલથી એની ક્લાયન્ટને લોકો 'બેટી કી કાતિલ'તરીકે ઓળખાતા થઇ જ જવાના. જોકે એની સાથે પોલીસ પર બીજા પ્રકારનું પ્રેશર આવવાનું શરૂ થઇ જશે ,એનો ખ્યાલ વાસુકિને બરાબર હતો. ચેમ્બરમાં આવીને પહેલા તો એ બે ગ્લાસ પાણી ઘટઘટાવી ગયો. અને પછી ખુરસીમાં બેસીને ટેબલ પર પગ લંબાવ્યા. થોડા સરખાયે રિલેક્સ થવા માટે કદાચ આ છેલ્લો દિવસ હતો. અધિરથ સારંગની પહોંચ ઉપર સુધી હતી. ભલું હશે તો વકીલની પહેલાં એણે કોઈ મિનિસ્ટરને ફોન કરી દીધો હશે. આવતીકાલથી, કદાચ આજ રાતથી 'બિલોરી બચાઓ'મિશન શરૂ થઇ જશે. આ જ કારણસર પોલીસે ભલેછેલ્લા અઢી મહિનાથી કેસની તપાસ શરૂ કરી દીધી હોય, પણ અત્યાર સુધી વાત બહાર પાડવા નહોતી દીધી. અને એ અઢી મહિનામાં બિલોરી સારંગ વિષે પોલીસે જેટલી માહિતી ભેગી કરેલી એ ભલભલાના દિમાગને ચકરાવે ચઢાવી દે એવી હતી. સાંભળતા અને વાંચતા પણ થાકી જવાય, ગૂંચવાઈ જવાય, એવી જિંદગી આ સ્ત્રી અત્યાર સુધી કેવી રીતે જીવી હશે? વાસુકિને ફરી એકવાર આ વિચાર આવી ગયો. કાવસજી બાના પણ અત્યારે એનું મોટું માથું ખંજવાળી રહ્યો હશે, આ કલ્પના વાસુકિના હોઠ પર આછું સ્મિત મૂકી ગઈ.
'મિસ્ટર બાના, પોલીસને કહ્યું એ જ હું તમને પણ કહું છું, અને કોર્ટમાં પણ કહીશ કે મેં ઉત્સવીનું મર્ડર નથી કર્યું. હું નિર્દોષ છું.'બિલોરીએ શબ્દેશબ્દ છૂટો પાડતાં કહ્યું. કાવસજી બાના એને જોઈ રહ્યા. સડસઠ વર્ષની જિંદગીમાંથી લગભગ ચાલીસ વર્ષ એમણે અપરાધીઓને નિર્દોષ સાબિત કરવામાં કાઢ્યાં હતાં. હત્યાનો આરોપ ભલભલાને ભાંગી નાખે, અને અહી તો ખુદ પોલીસ કમિશનર ચાર કલાકથી ઊલટતપાસ લઇ રહ્યા હતા.પણ બિલોરી સ્વસ્થ હતી. બાનાનો અનુભવ કહેતો હતો કે, આવા સંજોગોમાં રીઢા ગુનેગાર જ આટલી સ્વસ્થતા જાળવી શકે.
પરંતુ બિલોરીને હત્યારી ગણવા માટે હજી એનું મન ખચકાતું હતું, અને એ પણ સગી દીકરીની હત્યારી? હા, એટલું કબૂલવું પડે કે, અહીં આવ્યા પછી જ્યારે એમને ખબર પડી કે, મુંબઈમાં એમના સહિત બીજા અનેક લોકો જેને બિલોરીની બહેન માનતા હતા, એ એની દીકરી હતી, ત્યારે બાનાને હળવો આંચકો જરૂર લાગેલો.
અને સહુથી મોટો આંચકો તો અધિરથ સારંગને લાગવાનો હતો.બાનાને આ કેસની જવાબદારી સોંપતી વખતે એણે કેટલી ખાતરીપૂર્વક કહેલું,'આઈ એમ શ્યોર કે પોલીસને ભયાનક ગેરસમજ થઇ છે. ઉત્સવી સાથે ભલે નાનીમોટી તકરાર થતી હોય, પણ બિલોરી એને સગી દીકરીની જેમ સાચવતી હતી.'
થોડી જ વારમાં અધિરથને જાણ થવાની હતી કે ગેરસમજનો શિકાર પોલીસ નહિ, એ પોતે હતો. ગેરસમજ કે છેતરપિંડી? બાનાએ નાક પરથી સરી જતા ચશ્માં સરખા કરીને બિલોરી સામે જોયું. આ સચ્ચાઈની જાણ થયા પછી એબિલોરીની પડખે ઊભો રહેશે? પોલીસ કહેતી હતી કે અધિરથ તો બિલોરીનો ત્રીજો પતિ હતો.
બીજા નંબરના પતિ જિમી નાયર સાથે મળીને બિલોરીએ ઉત્સવીની હત્યા કરેલી.પહેલો પતિ, એટલે કે ઉત્સવીનો બાપ ક્યાં હતો? અને ખૂણે ખાંચરેથી કોઈ ચોથો પાંચમો નહીં નીકળી આવે ને? આ સવાલને તત્પૂરતો મનમાં જ દબાવી દઈને, બાનાએ કહ્યું, 'મિસિસ સારંગ, ડોન્ટ વરી. મને આશા છે કે આવતીકાલે તમને જામીન મળી જશે.'
બિલોરીએ આગળ ઝૂકીને બાનાના હાથને સ્પર્શ કરતા, અત્યંત સોફ્ટ અવાજે કહ્યું, 'પ્લીઝ બિલિવ મી, હું ખૂની નથી. નાનુંમોટું જૂઠાણું કહ્યું હશે, પણ મારી મજબૂરી હતી. એમાં મારું જ નહિ, મારા બાળકોનું પણ ભલું હતું. અધિરથને મળ્યા પછી મને લાગ્યું કે હવે અમે સલામત હતા. પણ.......'બોલતાં બોલતાં બિલોરી રડી પડી.
'મને બહુ ડર લાગે છે, પ્લીઝ પ્લીઝ હેલ્પ મી......'થોડીવાર પહેલાનીસ્વસ્થ સ્ત્રી હવે નિર્દોષ,ગભરુ બાળક જેવી લાગતી હતી. બાનાનો હાથ એણે એટલા જોરથી પકડી લીધેલો, જાણે ડૂબતા માણસનેછેલ્લો સહારો મળ્યો હોય. એઘડીએ કોઈ બિલોરીને હાથ પણ લગાડવા આવ્યું હોત તો સડસઠ વર્ષના કાવસજી બાના રૌદ્ર રૂપ ધારણ કરીને લડવા માટે તૈયાર થઇ જાત.
બીજે દિવસે કોર્ટમાં જોકે કાવસજી બાનાથી ઉંમરમાં નાના અને બોલવામાં નબળા લાગતા પબ્લિક પ્રોસિક્યુટરની જીત થઇ. મેજિસ્ટ્રેટે બિલોરી સારંગને 14 દિવસની પોલીસ કસ્ટડીનો આદેશ આપ્યો. જામીન કેસની સુનાવણી વખતે અધિરથ સારંગ કોર્ટમાં હાજર નહોતો.
ઇન ફેક્ટ, પોતાની કહી શકાય એવી કોઈ વ્યક્તિ બિલોરીને ત્યાં નજરે ન પડી. મેજિસ્ટ્રેટે આદેશ આપ્યો, પછી માત્ર બિલોરીના વકીલે એની પાસે આવીને કહ્યું,'હિંમત નહિ હારતા. આપણે ઉપર અપીલ કરશું.'
પોલીસ લોકઅપમાં પાછી ફરેલી બિલોરીને કમસે કમ એટલો સધિયારો હતો કે અધિરથ સારંગે એના માટે મોટો મોંઘો વકીલ રોકવા જેટલી મહેનત કરી હતી. બિલોરી કદાચ અપરાધી હોય, તોયે હજી એની પત્ની હતી.
'પત્ની જ નહિ, બિઝનેસ પાર્ટનર'બિલોરીએ જાતને યાદ દેવડાવ્યું. આ ઘડીએ એ ભલે એકલી હોય, પણ બાપડી બિચારી નહોતી. 'બિલોરી, આ લડાઈ પણ તારે એકલે હાથે લડવાની છે, અને જીતવાની છે'એણે મન મક્કમ કરી લીધું.
આગલે દિવસે એ થોડી નબળી પડી ગયેલી, પણ પછી આખી રાત એણે વિચારોમાં ગાળી. પોલીસ ગમે તેટલી વાર્તાઓ ઘડી કાઢે, પણ એમની પાસે ઉત્સવીની લાશ નહોતી, એ હકીકત હતી. અને જેની લાશનો પતો ન હોય, એની હત્યા માટે બિલોરીને કઈ રીતે સજા કરી શકાય?
'આવવા દે આજે એ વાસુકિના બચ્ચાને'બિલોરી સવારે દાંત ભીંસીને લડાઈ માટે તૈયાર થઇ. પણ સાંજ સુધી એને પૂછપરછ માટે તેડું આવ્યું જ નહીં.
પોલીસવાળાની આ કઈ નવી ચાલ હતી, એનો વિચાર કરતા કરતા બિલોરીનું માથું દુખવા લાગ્યું. છેવટે એનાથી રહેવાયું નહિ. લોકઅપ પાસેથી પસાર થઇ રહેલી એક કોન્સ્ટેબલને એણે નજીક બોલાવીને પૂછ્યું, 'કમિશનર આવ્યા નથી?'પેલીએ જવાબ આપ્યો, 'સવારથી આવ્યા છે. તમારા હસબન્ડની પૂછતાછ ચાલે છે.'
'અધિરથની?'બિલોરીને નવાઈ લાગી.
'ના, એની પહેલાવાળો, જિમી નાયર'કહીને કોન્સ્ટેબલે ત્યાંથી ચાલતી પકડી પણ એના હોઠ પર રમી ગયેલું કટાક્ષસભર સ્મિત બિલોરીએ જોઈ લીધું. એના હાથની મુઠ્ઠીઓ વળીગઈ. પાંજરામાં પુરાયેલી સિંહણને બધાં કાંકરીચાળો કરી જાય.'મને એકવાર બહાર નીકળવા દો'એ મનોમન બબડી. પણ પછી તરત દિમાગ બીજી દિશામાં દોડી ગયું.'જિમી .....એ નબળો માણસ અત્યારે પોલીસ સામે શું બકી રહ્યો હશે?'
'સર, સાચું કહું છું, હું નિર્દોષ છું.'જિમીએ હાથ જોડીને કહ્યું.
વાસુકિ ભાવશૂન્ય ચહેરે એની સામે જોઈ રહ્યો. અત્યાર સુધીમાં એ એવા કોઈ અપરાધીને નહોતો મળ્યો, જેણે મળતાંની સાથે આવા શબ્દો ઉચ્ચાર્યા ન હોય. ફુલ સ્પીડમાં ચાલી રહેલા પંખા નીચે પણ જિમી નાયર પરસેવે રેબઝેબ થઇ રહ્યો હતો. બહારના કોઈને જાણનહોતી કે જિમી છેલ્લા દસ દિવસથી મુંબઈ પોલીસના કબજામાં હતો.
યુસુફે અઢી મહિના પહેલાં બોલવાનું શરૂ કર્યું, એ પછી જિમીનું પગેરું કાઢવામાં પોલીસને ઝાઝી મહેનત નહોતી કરવી પડી. દાદરની ગુલશન હોટેલમાં 29 નવેમ્બરની સવારે જિમી નાયર પોતાના નામે જ ઊતર્યો હતો. નિયમાનુસાર હોટેલવાળાએ એના ફોટો આઈડી તરીકે ડ્રાઈવિંગ લાઈસન્સની કોપી કરીને રાખી દીધેલી. ફોટામાં એના માથા પર વધુ વાળ હતા, પણ યુસુફે એને ઓળખી કાઢ્યો.
ત્યાંથી એરપોર્ટ પહોંચેલી પોલીસને માહિતી મળી કે 1 ડિસેમ્બરની સાંજે જિમી નાયર નામના પેસેન્જરે ચંદીગઢ જતી ફ્લાઈટ પકડેલી. ડ્રાઈવિંગ લાઈસન્સમાં જિમીના ઘરનું એડ્રેસ હતું. મુંબઈ પોલીસે ચંદીગઢપોલીસ સાથે મળીને પ્લાન બનાવ્યો.
એક વહેલી સવારે ત્યાંના પોલીસવાળા જિમીને ઘેર આવ્યા, અને પકડીને પોલીસ સ્ટેશને લઇ ગયા. ગુનો? તો કહે કે 29 નવેમ્બરની વહેલી સવારે બાનોબાગ એરિયામાં એક જ્વેલરીના શોરૂમમાં મોટી ચોરી થઈ હતી. બદમાશોએ ત્યાં ડ્યૂટી કરતા વોચમેનને ગંભીરપણે ઘાયલ કરેલો, જે હજી કોમામાં હતો. આ અપરાધમાં જિમીનો હાથ હોવાની માહિતી પોલીસને મળેલી. જિમી હેબતાઈ ગયો. વર્ષોથી એરિયલ એસ્ટેટનું કામકાજ કરતો હતો.
આ લૂંટ વિષે એણે તો સાંભળ્યું પણ નહોતું. એણે કહ્યું કે 29 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી તો એ બિઝનેસના કામે મુંબઈમાં હતો. પોલીસે કહ્યું કે એ કદાચ લૂંટ કરવા નહિ ગયો હોય પણ પ્લાનમાં સામેલ હતો, અને ચોરીનો માલ સગેવગે કરવાના ઈરાદા સાથે મુંબઈ ગયો હશે.
એમણે પછી જિમી મુંબઈમાં શું કામ ગયેલો, ત્યાં કોને મળેલો એની પૂછપરછ માંડી. જિમીએ નાછૂટકે કહેવું પડ્યું કે એ એક નવા બિઝનેસ માટે એની ભૂતપૂર્વ પત્ની સાથે વાતચીત કરવા મુંબઈ ગયો હતો. પત્નીનું નામ? બિલોરી સારંગ.
મુંબઈ પોલીસને ત્યારે ખબર પડી કે જિમી નાયર, બિલોરીનો ભૂતપૂર્વ પતિ હતો. ચંદીગઢપોલીસે જિમીની વાત ગળે ન ઊતરી હોવાનો દેખાવ કર્યો. એમણે જિમીને બેસાડી રાખીને માનસિક ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું. એ હકીકત છે કે નિર્દોષ લોકો પોલીસથી વધુ ગભરાતા હોય છે. અને કમસે કમ આ રોબરી કેસમાં તો જિમી સાવ બેકસૂર હતો. પોલીસે જેટલું પૂછ્યું, એને કેસ સાથે સંબંધ છે કે નહિ, એ વિચાર્યા વિના જિમી બોલતો ગયો.
લૂંટ અને હુમલાના કેસમાં પોતાની નિર્દોષતા સાબિત કરવા મરણિયા થયેલા જિમીએ વગર પૂછ્યે માહિતી આપી કે બિલોરી સાથેના ત્રણ વર્ષના લગ્નજીવન દરમિયાન એમને એક દીકરી પણ જન્મેલી. અને, અધિરથ સારંગે એને દત્તક લીધેલી. એન્જેલિના અત્યારે કેનેડામાં ભણતી હતી. જીમીએ એ પણ કહી દીધું કે એ બિલોરીનો પહેલો નહિ, બીજો પતિ હતો. બિલોરીના પહેલા પતિનું ઠામઠેકાણું એ નહોતો જાણતો પણ ત્રીજા એટલે કે વર્તમાન પતિ અધિરથ સારંગ સાથે એને સારા સંબંધ હતા.
હકીકતમાં આ બધું કહેવાની જરૂર નહોતી, પણ સખત ડરી ગયેલા માણસની જીભ કાં સાવ ઝલાઈ જાય, અને કાં ન બોલવાનુંયે બોલી નાખે. મનાલીમાં રહેતાંબિલોરીનાં માબાપનું સરનામું પણ જિમીએ આપી દીધું.
પોલીસે જિમીને એક રાત લોકઅપમાં રાખીને છોડી દીધો. પણ કડક ચેતવણી આપી કે આ વિષે કોઈને વાત કરવી નહિ. એ હજી શંકાના ઘેરામાં તો હતો જ. રિયલ એસ્ટેટમાં એણે કરેલા થોડા ગેરકાનૂની ડીલિંગ વિષે પણ પોલીસ જાણતી હતી. રોબરી કેસ વિષે કોઈની સાથે ફોન પર વાત કરતા પણ પકડાયો તો એની ખેર નહોતી.
ધમકી સાવ પોકળ હતી, અને એને કાયદાનો કોઈ આધાર નહોતો, પણ જિમી નાયરે આરોપીના રૂપમાં જિંદગીમાં પહેલીવાર પોલીસ સાથે પનારો પાડવાનો આવેલો. ડરનો માર્યો એ સરખું વિચારવાની શક્તિ ગુમાવી બેઠેલો. બિલોરી સાથે ડિવોર્સ લીધા બાદ એણે બીજાં લગ્ન નહોતાં કર્યાં, એટલે ઘરમાં કોઈને કંઈ કહેવાનો સવાલ નહોતો આવતો. એણે બિલોરીને પણ ફોન ન કર્યો.
બહુ પાછળથી એણે વાસુકિ સામે કબૂલ્યું કે, મુંબઈથી નીકળતી વખતે બિલોરીએ એને કડક સૂચના આપેલી કે કોઈ પણ સંજોગોમાં એણે રૂબરૂમાં કે ફોન પર પણ બિલોરીનો કોન્ટેક્ટ નહોતો કરવાનો. જરૂર પડી તો બિલોરી એનો સંપર્ક કરવાની હતી. વળી, જિમી માની બેઠેલો કે ચંદીગઢના રોબરી કેસ સાથે એની મુંબઈની મુલાકાતને કોઈ સંબંધ નહોતો. સ્થાનિક પોલીસને ખોટી માહિતી મળેલી, અને આ વાત બિલોરીને કહીને કોઈ અર્થ નહોતો સરવાનો. એઘેર જઈને ચુપચાપ બેસી ગયો. ચાર દિવસ ઓફિસમાં પણ ગયો નહિ.
ચંદીગઢપોલીસે ખોટા કેસમાં જિમીને ભીડાવ્યો, ત્યારે મુંબઈ પોલીસે ધાર્યું હોત તો ત્યાં જઈને ઉત્સવીના મર્ડર કેસમાં જિમીની ધરપકડ કરી શકત, પણ એમણે એવું કર્યું નહિ. જિમી જેવા માણસને ડરાવવો એક વાત હતી, પણ બિલોરી સારંગ જુદા ક્લાસમાં આવતી હતી.
માત્ર શંકા કે યુસુફ જેવા અદના ડ્રાઈવરે આપેલા સ્ટેટમેન્ટના આધારે એને પકડે તો કોઈ શાણો વકીલ બીજે દિવસે એને છોડાવી જાય. અને ભૂતપૂર્વ પતિ એની વિરુદ્ધમાં કોઈ સ્ટેટમેન્ટ આપે, તોયે અદાલત એમાં કેટલો વિશ્વાસ મૂકે? અને ખાટલે મોટી ખોડ એ કે, ઉત્સવીની લાશ હજી નહોતી મળી.
યુસુફને માત્ર એટલું યાદ હતું કે એમણે માલશેજ ઘાટ પર કોઈ જગ્યાએથી ઉત્સવીની લાશ ફેંકેલી, અડસટ્ટે જે જગ્યા બતાવી ત્યાં ઊંડી ખીણ અને ગીચ ઝાડીઝાંખરાં હતાં. દિવસોની શોધખોળ દરમિયાન એક પુરુષની અડધી બળેલી લાશ, અને તાજા જન્મેલા બાળકની લાગતી ખોપડી મળી આવી. થોડે દૂર બીજાં હાડકાં મળ્યાં.
આમાંથી કોઈનો સંબંધ ઉત્સવી સાથે નહોતો લાગતો. હા, સ્થાનિક પોલીસનું કામ વધી ગયું. માલશેજ ઘાટની ખીણો અને જંગલ સેંકડો એકરમાં ફેલાયેલાં હતાં. સદીઓ દરમિયાન બીજી તો કેટલીયે લાશો ત્યાં ફેંકાઈ હશે. અત્યાર સુધી બધાએ આંખ આડા કાન કરેલા, પણ આ વખતે સર્ચ પાર્ટીઓ ઊંડે ને ઊંડે ઊતરી. એમણે બિલોરી અધિરથ સારંગની દીકરીને શોધવાની હતી.
દીકરીની લાશ મળવાની બાકી હતી, પણ માતાના ભૂતકાળની અલમારીમાંથી એક પછી એક હાડપિંજર બહાર આવી રહ્યાં હતાં. મનાલીમાં એનાં માબાપ અને નાનો ભાઈ રહેતો હોવાની વાત એણે મુંબઈમાં ચલાવેલી. પણ બિલોરીનાં માબાપ સાથે રહેતો યુવાન કહેતો હતો કે ઉત્સવી એની બહેન હતી, બિલોરી એ બંનેની મા હતી. અને નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં એ પણ મુંબઈમાં હતો.
મુંબઈની અંદર રહીરહીને જાગેલા બાંદ્રા પોલીસ સ્ટેશનમાંથી માહિતી આવી હતી કે, બે વરસ પહેલાં એમને ત્યાં ઉત્સવી વોરા નામની યુવતી ગુમ થયાની ફરિયાદ આવી હતી. અને ફરિયાદ કરનાર યુવાન અમેય સારંગ હતો, અધિરથ સારંગનો દીકરો. એણે ઉત્સવીનો બોયફ્રેન્ડ હોવાનો દાવો કરેલો.
વાસુકિ અને એમની એમની ટીમને લાગ્યું કે, હવે ઢીલ કરવામાં જોખમ હતું. પણ જરા સરખીયે ગંધ આવતાની સાથે પંખી ઊડી જશે. એમણે પહેલા જિમી નાયરને સકંજામાં લીધો. મુંબઈ પોલીસ સામે ટકવાની એ માણસની તાકાત નહોતી. એણે કબૂલી લીધું કે ઉત્સવીની હત્યા થયેલી. દસ દિવસ સુધી આ વાત જોકે પોલીસે દબાવી રાખી. અને પછી બિલોરી સારંગનો વારો આવ્યો.
'સર, પ્લીઝ મારી વાત માનો. હું એ લોકો સાથે હતો પણ ઉત્સવીની હત્યામાં મારો કોઈ હાથ નથી.'વાસુકિની સામે ફરી એકવાર જિમી નાયરે પોતાની નિર્દોષતાનો સૂર છેડ્યો.'એ સાંજે બિલોરીના મઢ આયલેન્ડવાળા બંગલામાં જવા માટે અમે સાથે નીકળ્યા એ વાત સાચી. પણ રસ્તામાં મારી આંખ મળી ગઈ. પછી શું થયું એ હું નથી જાણતો.
મોડેથી જાગ્યો ત્યારે બિલોરીએ કહ્યું કે એણે યુસુફ સાથે મળીને ઉત્સવીને મારી નાખેલી અને લાશ ડિકીમાં હતી.' 'અને તમે પાછા નિરાંતે હોટેલ પર આવી ગયા'વાસુકિએ ભ્રમર ઊંચી કરતા પૂછ્યું.
'શું કરું? હું સખત ડરી ગયેલો.' 'ડરેલો માણસ રાતોરાત બસ, ટ્રેન, ફ્લાઈટ, જે મળે એ પકડીને ઘરભેગો થઇ જાય. તમે તો બીજે દિવસે લાશની સાથે માલશેજ ઘાટ ગયા.'
'સર, મારી મજબૂરી હતી.’
'કેવી મજબૂરી?'
જિમી નીચું જોઈ ગયો અને પછી ધીમે અવાજે બોલ્યો, 'બિલોરીનું કહ્યું ન માનું તો એ મને પણ મારી નાખતાં અચકાય નહિ, અને મારી દીકરી એના કબજામાં હતી. પછી એનું શું થાય?'
'ઓહો, આટલાં વર્ષે તમને દીકરીની ફિકર થઇ'વાસુકિએ ઘૃણાભેર કહ્યું અને જિમીના પ્રતિભાવની રાહ જોયા વિના હાથ હલાવ્યો, 'પછી તમે ત્રણેય જણે મળીને ઉત્સવીની લાશ ઘાટ પરથી નીચે ફેંકી દીધી.'
'નો નો સર, મેં તો લાશને હાથ લગાડવાની ના પાડી દીધી. પછી ઉત્સવીએ મને કારનું બોનેટ ખોલીને ઊભા રહેવાનું કહ્યું, જેથી આવતાજતા લોકોને લાગે કે ગાડી ખરાબ થઇ ગઈ છે. એણે યુસુફ સાથે મળીને લાશ નીચે ફેંકી.'
વાસુકિએ આંખો ચોળી. હવે કદાચ બિલોરી કહેશે કે યુસુફ અને જિમીએ મળીને ઉત્સવીને મારી નાખી. એ પોતે તો હત્યા, અને પછી લાશના નિકાલ વખતે કારનું બોનેટ ખોલીને ઊભી રહેલી.'
'સર, કાર બિલકુલ ઠીકઠાક હતી. અમે લોકો તો નાસિકમાં એક પ્રોપર્ટી જોવા ગયેલા. જીમીને ત્યાં હોટેલ બનાવવી હતી. મને કોઈ ઈન્ટરેસ્ટ નહોતો, પણ એણે બહુ રિક્વેસ્ટ કરી, અને ઉત્સવીએ પણ કહ્યું કે એ બહાને એક લોંગ ડ્રાઈવ થઇ જશે. એને ઘાટના રસ્તા બહુ ગમે છે.'બિલોરીએ કહ્યું.
પોલીસ રિમાન્ડનો બીજો દિવસ હતો. બિલોરી નહોતી જાણતી કે જિમીએ પોલીસને શું કહેલું. આગલે દિવસે પોલીસે બિલોરીની કોઈ પૂછપરછ નહોતી કરી. એ કદાચ માનતા હશે કે, અનિશ્ચિતતા તેને ભાંગી નાખશે. પણ એ બાપડા બિલોરીને નહોતા જાણતા. એમણે તો અજાણપણે બિલોરીને વધુ વિચારવાનો સમય આપેલો.
અત્યારે સામે બેઠેલો વાસુકિ ગોકર્ણ એને પહેલાં જેટલો ડરામણો નહોતો લાગતો. બિલોરીએ ઊંડો શ્વાસ ખેંચ્યો. હવામાં તરતી કોઈ આછી સુગંધ એના નાકમાં પહોંચી. એણે વાસુકિ સામે જોયું. અચ્છા, તો સાહેબ આજે કોઈ સરસ મજાનું આફ્ટરશેવ કે કોલોન લગાડીને આવ્યા છે.
બિલોરીએ પોતાના ગળા પર ધીમેથી હાથ ફેરવ્યો. 'સર, ઉત્સવીને પહાડોમાં ટ્રેકિંગ કરવાનો પણ બહુ શોખ છે. શી ઈઝ વન એડવેન્ચરસ ગર્લ. એ દિવસે અડધે રસ્તે પહોંચ્યા, ત્યાં મારી ઓફિસમાંથી એક અર્જન્ટ કૉલ આવ્યો, અને મેં પાછા ફરવાની વાત કરી તો ઉત્સવીએ કહ્યું કે, તું ટેક્સી પકડીને જતી રહે. મેં એવું જ કર્યું. એ લોકો પછી ક્યાં ગયાં, શું કર્યું, એ હું નથી જાણતી. મેં પૂછ્યું પણ નથી.'
વાસુકિએ આ નવી વાર્તા ધીરજપૂર્વક સાંભળી, અને પછી પૂછ્યું, 'ત્યાર બાદ તમે ક્યારે મળ્યા?'
બિલોરીએ છત સામે જોઇને યાદ કરતી હોવાનો દેખાવ કર્યો. અને પછી લાચારભાવે માથું ધુણાવતા બોલી, 'મને યાદ નથી. આમેય અમારું મળવાનું બહુ ઓછું થતું હતું. ઉત્સવી એના બોયફ્રેન્ડ સાથે રહેવા ગઈ એ મને નહોતું ગમ્યું. અમેય ઠીક છોકરો નહોતો.'
'એ અધિરથ સારંગનો દીકરો છે.'વાસુકિએ યાદ દેવડાવ્યું. બિલોરીએ ખભા ઉછાળ્યા. 'તો શું થઇ ગયું? અધિરથ પણ એનાથી પરેશાન રહેતો હતો. ઘણા સમયથી અમેય જુદો રહેવા જતો રહેલો.'
'અને પછી ઉત્સવી એની સાથે રહેવા ગઈ?'
જવાબમાં બિલોરીએ હાથ ઉછાળ્યા, જાણે આ બાબતમાં એ કશું કહી શકવાની સ્થિતિમાં નહોતી. અને પછી એ હોઠ કરડીને બોલી, 'ઉત્સવી ક્યાં છે, એ અમેય જરૂર જાણતો હશે. એને પૂછો. 'એણે તો બે વરસ પહેલાં ઉત્સવી ગુમ થયાની ફરિયાદ કરેલી.'વાસુકિએ કહ્યું. 'રિયલી?'બિલોરીના હોઠ સ્મિતમાં વંકાયા. 'એવું ન બને કે એણે જ ઉત્સવીને ગુમ કરી દીધી હોય?' 'યુસુફ અને જિમીએ ક્યાંય એનું નામ નથી આપ્યું.'વાસુકિ બોલ્યો.
'શક્ય છે કે, એ ત્રણ જણે મળીને ઉત્સવીને ગુમ કરી દીધી હોય.'બિલોરીએ કહ્યું, અને પછી અચાનક યાદ આવ્યું હોય એમ આંખો ઝીણી કરીને એણે હાથ ઊંચો કર્યો, 'વેઈટ, હવે મને આછું આછું યાદ આવે છે. અમે માલશેજ ગયા, એ પછી ઉત્સવી મને મળી જ નથી. એ મને માત્ર ફોન પર મેસેજીસ મોકલતી. હું ફોન કરું તો ઉપાડતી નહોતી. એકબે વાર અમેય સાથે મારી વાત થઇ, એણે મને કહી દીધું કે ઉત્સવીને મારી સાથે વાત નહોતી કરવી.
કદાચ એણે જ ઉત્સવીને ચાવી મારેલી. ઈન ફેક્ટ, ઉત્સવી અમેરિકા જતી રહી, એની જાણ મને અમેય પાસેથી જ થયેલી. બટ નાઉ આઈ થિંક, એ ખોટું બોલતો હતો. એને પૂછો, પ્લીઝ એને પૂછો, મારી ઉત્સવી ક્યાં છે.....' આવેશભેર બોલતાં બોલતાં બિલોરીનો અવાજ તરડાઇ ગયો. એ ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
બિલોરીનું આક્રંદ ભલભલાને પીગળાવી દે એવું હતું. આવું રુદન તો કાં સાવ નિર્દોષ કરી શકે અને કાં એક અચ્છી એક્ટ્રેસ. ઇન્ટ્રોગેશન રૂમમાં વાસુકિની સાથે બીજા બે પોલીસ ઓફિસર્સ, ઇન્સ્પેક્ટર નાવેદ કુરેશી અને ઇન્સ્પેક્ટર રેણુ પરમાર પણ હાજર હતાં.
બિલોરી સામે જોઈ રહેલી રેણુના ચહેરા પર કોઈ ભાવ નહોતો, પણ કુરેશી ખોળામાં રાખેલા પોતાના હાથ તરફ જોઈ રહ્યો હતો. ક્યાંક એને બિલોરી પ્રત્યે સહાનુભૂતિ તો નહોતી જાગી રહી ને? આ શક્યતા વાસુકિને સહેજ નારાજ કરી ગઈ. પણ પછી એને અચાનક યાદ આવ્યું કે આજે અહીં આવતા પહેલાં શું પહેરવું એની અવઢવમાં એણે પોતે બેવાર શર્ટ બદલેલા. વર્ષો પછી આવું થયેલું. શું કામ થયેલું, એ વાસુકિ નહોતો જાણતો. કે પછી કારણ જાણીનેય તરત એણે મનમાં ઊંડેઊંડે દબાવી દીધેલું. ‘પ્લીઝ, સ્ટોપ ક્રાઈંગ.'એણે જરૂર કરતાં વધુ કઠોર અવાજે કહ્યું. પણ બિલોરીએ રડવાનું ચાલુ રાખ્યું. વાસુકિ એની સામે જોઈ રહ્યો. બિલોરી ભલે ઐશ્વર્યા રાય જેવી સુંદર સ્ત્રીઓના વર્ગમાં ન આવતી હોય, પણ એનામાં એવું કંઈક તો હતું, જે પુરુષોને એની તરફ ખેંચી જતું હતું, નબળા પાડી દેતું હતું. અધિરથ સારંગ હવે કહેતો હતો કે આટલા વરસ એની પત્નીએ એને અંધારામાં રાખેલો, પણ હકીકત એ હતી કે, સત્ય નજર સામે હતું, તોયે એણે આંખ મીંચામણા કરવાનું પસંદ કરેલું. એના દીકરા અમેયના કહેવા પ્રમાણે પિતા સાથે ઝઘડો કરીને એ ઘરની બહાર નીકળ્યો, ત્યારે એણે અધિરથને કહેલું કે, ઉત્સવી, બિલોરીની બહેન નહિ પણ દીકરી હતી. અમેયને આ વાત ઉત્સવીએ કહી દીધેલી. પરંતુ ત્યારે અધિરથે આ માનવાનો ઇનકાર કરી દીધેલો. હવે પોતાનો બચાવ કરતા એ કહેતો હતો કે, ‘તમારો દીકરો અને પત્ની, જુદીજુદી વાત કરતા હોય તો તમે કોની વાત માનો?' એમાંયે પત્ની બિલોરી જેવી હોય તો? અરે, જિમી તો ભૂતપૂર્વ પતિ હતો. બિલોરી સાથેનું લગ્નજીવન ખરાબે ચઢી ગયું, એ પછી એણે કંઈ બહુ શાંતિ કે પ્રેમપૂર્વક ડિવોર્સ નહોતા આપ્યા.
દીકરીના કબજા માટે પણ બેઉં જણ વચ્ચે ખાસ્સી લડાઈ ચાલેલી, જેમાં એ હારી ગયેલો. તેમ છતાં આટલા વર્ષે બિલોરીએ બોલાવ્યો, અને જિમી દોડી આવ્યો. એટલું જ નહિ, એક નિર્દોષ યુવતીની હત્યામાં પણ સામેલ થયો. એ વાત જુદી હતી કે બિલોરી હવે દોષનો ટોપલો જિમીના માથે ઢોળી રહી હતી. જિમી, યુસુફ અને હવે અમેય સામે એણે આંગળી ચીંધેલી.
ઉત્સવીએ છેવટે રડવાનું અટકાવીને ઊંચું જોયું. અને તરત વાસુકિએ પૂછતાછનો તંતુ સાંધ્યો. ‘અમેય કહે છે કે એણે છેલ્લીવાર જીવતીજાગતી ઉત્સવીને તમારી સાથે જોયેલી. યુસુફ પણ આ વાતનો સાક્ષી છે કે મઢ આયલેન્ડ જવા માટે તમે ઉત્સવીને બાન્દ્રાથી લેવા ગયા, ત્યારે એ અમેય સાથે ઊભી હતી.'
‘ઉત્સવી અને અમેય એ દિવસે સાથે હતાં, એ તો મને પણ યાદ છે.'કહીને બિલોરીએ જમણી હથેળીથી આંખો લૂછી, અને પછી વાસુકિની સામે જોઈને ઉમેર્યું, ‘ઇન ફેક્ટ, એ દિવસે અમેય અને જિમીએ એકબીજાને જે રીતે હેલો કહ્યું, હાથ મિલાવ્યા, એ જોઇને મને સહેજ નવાઈ લાગેલી.' ‘કેમ?'વાસુકીએ પૂછ્યું.
‘હું તો ત્યાં સુધી એવું માનતી હતી કે એ લોકો પહેલીવાર મળેલા.પણ એમનું બિહેવ્યર એવું હતું, જાણે એકબીજાને પહેલેથી ઓળખતાં હોય. હવે લાગે છે કે, એવું જ કંઈક હશે. એમણે મળીને.....'
વાસુકિએ બિલોરીની કહાણી પર બ્રેક મારતાં પૂછ્યું, ‘ઉત્સવી, જિમીને ઓળખતી હતી?'
‘ના 'બિલોરીની જીભ સહેજ થોથવાઈ, પણ એણે તરત જાત પર કાબૂ મેળવી લીધો. ‘હા, ઘણા સમય પહેલાં જિમી મુંબઈ આવ્યો, ત્યારે મેં જ એમની ઓળખાણ કરાવેલી.'
‘અને બસ, એટલી એક ઓળખાણના આધારે એ જિમી સાથે માલશેજ જવા તૈયાર થઇ ગઈ?'
‘હું પણ સાથે હતી ને'બિલોરીએ યાદ દેવડાવ્યું. ‘અને તમને કહ્યું તો ખરું કે ઉત્સવીને ઘાટના રસ્તા પર લોંગ ડ્રાઈવ માટે જવાનું બહુ ગમે છે. એટલે જ એ દિવસે હું એને મારી સાથે લઇ ગઈ.'
‘પણ, આગલે દિવસે કયા ઘાટ પર જવાનું હતું? એ તમારી સાથે મઢ આયલેન્ડ શું કામ આવી?'વાસુકિએ એને વાતમાં પકડી પાડી. ‘ના, મઢ તો એ......'બિલોરીને બોલતાં બોલતાં ખાંસી ચઢી આવી. ટેબલ પર પડેલો ગ્લાસ ઉપાડીને એણે ધીમે ધીમે પાણી પીધું. ખાલી ગ્લાસ નીચે મૂકીને એ હાથથી મોઢું લૂછતી હતી, ત્યાં પાછો એને ખાંસીનો હુમલો આવ્યો. ‘પ્લીઝ, થોડું પાણી મળશે?'એણે કુરેશી સામે જોઇને તૂટક તૂટક અવાજે પૂછ્યું.
ક્રમશ.

0 ટિપ્પણીઓ