રક્ત રમત પ્રકરણ_૨

 રક્ત રમત  પ્રકરણ_૨

લેખક: વર્ષા પાઠક 


ગભરાયેલા બબ્બને પોલીસસાથે સોદાબાજી કરી. પોતાને છોડી મૂકવાની શરત સાથે એણે પોલીસને ઇન્ફર્મેશનઆપી કે, એના એરિયામાં રહેતો યુસુફ નામનો માણસ મુંબઈની કોઈ બહુ મોટી વ્યક્તિને બ્લેકમેઈલ કરવાનો પ્લાન બનાવી રહ્યો હતો. સામેની વ્યક્તિ બહુ શ્રીમંત, વગદાર અને પ્રખ્યાત હતી. પણ એણે પોતાના જ ફેમિલી મેમ્બરનું ખૂનકરેલું અને એમાં યુસુફે સાથ આપેલો.

આવું કરવા માટે યુસુફને મોટી રકમ મળેલી, પણ આ પૈસા વાપરવાની તક મળે એ પહેલાં તો એ એવા જોરદાર અકસ્માતનો ભોગ બની ગયો કે, ત્રણ મહિના હોસ્પિટલમાં રહેવું પડ્યું અને છેવટે બેમાંથી એક ટાંગ લઈને ઘેર આવ્યો.

બબ્બનના કહેવાનુસાર યુસુફને ખાતરી હતી કે એ જેની સાથે મર્ડર પ્લાનમાં સામેલ થયેલો, એમણે જ પછી યુસુફને પણ ઉડાવી દેવાની સાજીશરચેલી, જેથી પેલા ખૂનનું કોઈ સાક્ષી ન રહે. સખત ગભરાઈ ગયેલો યુસુફ ત્યારે તો એની પત્ની અને ત્રણ વરસના દીકરાને લઈને વતનભેગો થઇ ગયો. પણ બે વરસમાં પૈસા ખલાસ થઈ ગયા એટલે મુંબઈ પાછો આવ્યો. પણ ચાલીસ વરસના ઓછું ભણેલા લંગડાને કોણ કામ આપે?

યુસુફની હાલત ખરાબ હતી. છેવટે એને વિચારઆવ્યો કે એની આવી દુર્દશા કરનાર પાસેથી જ કિંમત વસૂલવી જોઈએ.પણ એકલે હાથે આકામ કરવાની હિંમત કે તાકાત એનામાં નહોતી, એટલે એ બબ્બનભાઈ પાસે ગયો. ભાઈને પ્લાન પસંદ પડી ગયો, પણ અમલમાં મૂકે એની પહેલાં આ બધી ગરબડ થઇ ગઈ.

બબ્બનની વાત સાંભળીને પોલીસ યુસુફને ઉપાડી લાવી. પણ એની પાસેથી સચ્ચાઈ ઓકાવવાનું સહેલું નહોતું. પહેલા તો એણે આખી વાતનો જ ઇનકાર કર્યો. યુસુફ લંગડો હતો અને એટલો દૂબળો પાતળો, અશક્ત લાગતો હતો કે ધોલધપાટ કરવા જતા ક્યાંક એના રામરમી જાય એવો ડર હતો.

છેવટે પોલીસે રસ્તો શોધ્યો. યુસુફને કહ્યું કે એ જે ઝૂંપડામાં રહેતો હતો, ત્યાં ગોદડી નીચેથી પોલીસને દેશી તમંચો અને બસ્સો ગ્રામ જેટલું કોકેઇન મળેલું. બંને ગંભીર ગુના હતા.

યુસુફ ભાંગી પડ્યો. જાણતો હતો કે પોલીસ એને ફસાવી રહી હતી, પણ છટકવું મુશ્કેલ હતું. છેવટે એણે પણ બબ્બનની જેમ પોલીસ સાથે સોદાબાજી કરી. કહ્યું કે બે વરસ પહેલાં થયેલી હત્યાનો એ સાક્ષી હતો, પણ હત્યા કરનાર બીજા હતા.

'બીજા કોણ?' એવા પ્રશ્નના જવાબમાં યુસુફે જે નામ આપ્યાં, એ સાંભળીને હેબતાઈ ગયેલા પીએસઆઈએ એના સિનિયરને કહ્યું. એણે ઝોનલ એસીપીનો નંબર ઘુમાવ્યો. એસીપી દોડીને શહેરના પોલીસ કમિશનર પાસે પહોંચ્યા. યુસુફ જેવા ગરીબ માણસને પકડતી કે ઝૂડતી વખતે પોલીસે કાયદાથી ડરવાની જરૂર ન પડે.

પણ એણે જેની સામે આંગળી ચીંધેલી, એ હતી બિલોરી અધિરથ સારંગ, અને એવી વ્યક્તિનું તો નામ લેતાં પણ પોલીસે સો વાર વિચારવું પડે.

પોલીસ કમિશનર વાસુકિ ગોકર્ણ સામે હાજર કરાયો, ત્યાં સુધીમાં તો યુસુફ શારીરિક અને માનસિક રીતે એટલો પડી ભાંગેલો કે એને શાંત પાડવામાં કલાક ગયો. સામાન્ય સંજોગોમાં કોઈ આરોપી આ રીતે વર્તે તો એ નાટક કરતો હોવાની શંકા ઊપજે, પણ યુસુફની હાલત જોઇને અનુભવી સિનિયર ઓફિસર્સ સમજી ગયા કે યુસુફ અત્યંત ડરી ગયેલો. આગલા દિવસોમાં એણે કહેલી વાત વાસુકિ સામે દોહરાવી, એમાંયે પુષ્કળ લોચા વાળ્યા. 

‘સાહેબ, સાચું કહું છું, મેં કોઈનું ખૂન નથી કર્યું..... હું તો ગરીબ ડ્રાઈવર, મારું કામ તો ગાડી ચલાવવાનું..... એ લોકોએ પાછળની સીટમાં શું કર્યું, એ મને ખબર નથી....... હું તો બહાર ઊભેલો ....પછી સતારા પાસે ઘાટમાં અમે બેગ ફેંકી દીધી..... કંઈ બોલવા જાત તો મને પણ એ લોકો નીચે ખીણમાં ફેંકી દેત......મને તો હવે તમે વિના વાંકે જેલમાં ધકેલી દેશો.....મારાં બૈરીબચ્ચાં રખડી જશે.......

કાળો કકળાટ કરી રહેલા યુસુફને વાસુકિએ પોતે શાંત પાડ્યો. પહેલા વધુ ડરાવ્યો કે સાચું નહીં બોલે તો એને જેલમાં નહીં, ફાંસીના માંચડે મોકલી દેવાશે. અને પછી સહાનુભૂતિપૂર્વક સમજાવ્યો કે, બીજા કોઈના વાંકે એણે મરવાની જરૂર નહોતી.

ઊલટું પોલીસને સહકાર આપવા બદલ, કાનૂન એના પર રહેમ દાખવશે. ભય અને લાલચનું મિશ્રણ, યુસુફનું મોઢું ખોલાવી ગયું.

એના કહેવા પ્રમાણે અઢી વરસ પહેલાં, નવેમ્બરની ત્રીસ તારીખે બિલોરીએ યુસુફને ઓપેરા હાઉસ પર આવેલા બોમ્બે વ્હીલ્સ ગેરેજમાં મોકલેલો. યુસુફને આ તારીખ યાદ રહી ગયેલી, કારણ કે બીજે દિવસે, એટલે કે ફર્સ્ટ ડિસેમ્બરની રાતે એનો એક દોસ્ત નોકરી માટે દુબઈ જતો હતો, એને એરપોર્ટ મૂકવા જવાનું હતું. બિલોરીએ એને કહેલું કે કામ પતાવીને બપોરથી રજા લઈ લેજે. 

બોમ્બે વ્હીલ્સમાં સારંગ ફેમિલીની ત્રણેય કાર સર્વિસિંગ માટે જતી  હતી.અને કોઈવાર જરૂર પડે તો ત્યાંથી એ લોકો રેન્ટલ કાર પણ મંગાવતા હતા. ગેરેજનો માલિક નોશીર દોટીવાલા, સારંગ ફેમિલીને સારી રીતે જાણતો હતો એટલે કાર સાથે પોતાનો જ ડ્રાઈવર મોકલવાનો આગ્રહ નહોતો રાખતો. એ દિવસે પણ યુસુફ ત્યાંથી હોન્ડા સિટી લઈ આવ્યો.

એના કહેવા  પ્રમાણે સાંજે છએક વાગે ગાડીમાં બિલોરી મેડમને  લઈને એ દાદરમાં આવેલી એક હોટેલમાં ગયો, જ્યાં એમની સાથે કોઈ સાહેબ જોડાયા. યુસુફે એ માણસને એ પહેલાં ક્યારેય નહોતો જોયો.એ લોકો પછી બાન્દ્રામાં નેશનલ કોલેજ પાસે ગયા, જ્યાં એક જ્યૂસના સ્ટોલ પાસે ઉત્સવી એમની રાહ જોતી હતી.

બિલોરીએ ગાડીમાંથી નીકળીને ઉત્સવી સાથે શું વાતચીત કરી, એ યુસુફે નહોતું સાંભળ્યું, પણ એને એટલું સમજાયું કે ઉત્સવી ગાડીમાં બેસવા આનાકાની કરી રહી હતી. પણ પછી માની ગઈ. પેલો માણસ યુસુફની બાજુમાં ગોઠવાયો. પાછળ ઉત્સવી સાથે બેઠેલી અને બિલોરીએ કહ્યું, ‘માર્વેના બંગલે લઇ લે.’

યુસુફ માટે એડ્રેસ જાણીતું હતું. અધિરથ સારંગનું ઘર સાઉથ મુંબઈમાં હતું, પણ  પાંચ-છ વર્ષ પહેલાં મઢ આયલેન્ડ તરીકે ઓળખાતી જગ્યાએ એણે વીક એન્ડ હોમ તરીકે એક બંગલો ખરીદેલો. મુંબઈમાં હોવા છતાં મુંબઈ બહાર પહોંચી ગયાની લાગણી કરાવે એવી આ જગ્યા હતી. છેલ્લા એક વર્ષમાં જોકે મેડમ અને સાહેબને લઈને ત્યાં ગયાનું યુસુફને યાદ નહોતું.

સાંજના સમયે રસ્તા પર ટ્રાફિક બહુ હતો. લિંક રોડ પરથી માર્વે તરફ ગાડીએ ટર્ન  લીધો ત્યારે લગભગ આઠ વાગી ગયેલા. આગળ જતા  રોડ પર ટ્રાફિક પાંખો થતો ગયો. અને પછી તો રોડલાઈટ્સ પણ નહીંવત્ હતી.

થોડે આગળ પહોંચ્યા ત્યારે રસ્તાની બીજી તરફ એક નાની ટપરી જેવી જગ્યા દેખાઈ. બિલોરીએ એને સખત તરસ લાગી હોવાનું કહીને ગાડી રોકી. પેલો માણસ ઊતર્યો અને ત્યાં જઈને કોલ્ડ ડ્રિન્કની ત્રણ બોટલ્સ લઈ આવ્યો. ઉત્સવીએ પીવાની ના પાડી તો બિલોરીએ એવું કહ્યું, ‘હું તને ઝેર નથી આપી દેવાની', ઉત્સવી જવાબમાં કંઈ બબડી પણ પછી બોટલ લઈને ગટગટાવી ગઈ.

રસ્તો ખરાબ હતો એટલે યુસુફ ધીમે ધીમે ગાડી ચલાવતો હતો. અંદર બેઠેલા લોકો મૂંગામંતર હતા. વાતાવરણ સુમસામ હતું પણ દસેક મિનિટ્સ પછી ઉત્સવીએ અચાનક ઘોઘરા સાદે ચીસ પાડી, ‘યુસુફ, સ્ટોપ.’

ચમકી ગયેલા યુસુફે બ્રેક મારી અને ગાડીને સાઈડ લઈને ઊભી રાખી.

આગળ પાછળ કોઈ નહોતું, અને રોડ પર અંધારું હતું. રીયર વ્યૂ મિરરમાં યુસુફે એટલું જોયું કે ઉત્સવી વાંકી વળીને, બંને હાથ માથા પર રાખીને કંઈ બબડી રહી હતી. યુસુફને એમાંથી યુ બીચ......ડ્રગ....કીલિંગ જેવા છૂટાછવાયા શબ્દો સંભળાયા. એને લાગ્યું કે  કદાચ  ઉત્સવીની તબિયત અચાનક બગડી ગયેલી.  બિલોરીએ એની કમર ફરતે હાથ વીંટાળી રાખેલો. યુસુફ જોકે કંઈ બોલવા જાય, એ પહેલાં એની બાજુમાં બેઠેલા માણસે આદેશ આપ્યો, ‘જા, બહાર બોનેટ ખોલીને ઊભો રહે.’

યુસુફ ગૂંચવાયો. ગાડીમાં કોઈ પ્રોબ્લેમ નહોતો ઊભો થયો. પણ પાછળથી બિલોરી બોલી, ‘તને કહ્યું એમ કર. જલદી.'ચિઠ્ઠીના ચાકરે આદેશનું પાલન કર્યું. પેલો માણસ ગાડીમાંથી ઊતરીને પાછળની સીટ પર ગયો. યુસુફના કહેવા પ્રમાણે પછી ગાડીની અંદર શું થયું, એની એને ખબર નહોતી. એ તો બોનેટ ખોલીને અંદર નજર ખોડીને ઊભો રહેલો. બાજુમાંથી બે કાર પસાર થઇ ગઈ પણ કોઈએ ઊભા રહેવાની તસ્દી લીધી નહીં. ત્યાર બાદ પાંચ મિનિટ ગઈ કે પંદર, એ હવે યુસુફને યાદ નહોતું. પણ પછી બિલોરીએ વિન્ડોમાંથી ડોકું કાઢીને દબાયેલા અવાજે સાદ પાડ્યો, ‘યુસુફ'.

વાસુકિની સામે એ ખોફનાક રાતનું વર્ણન કરી રહેલા યુસુફની જીભ અહીં પહોંચીને ઝલાઈ ગઈ. સ્વાભાવિક હતું. આ તબક્કે, અપરાધમાં એની ભાગીદારી શરૂ થઇ હતી.

ઇન્ટ્રોગેશન રૂમમાં વાસુકિ એની સામે બેઠેલી બિલોરી ભણી તાકી રહ્યો. હત્યા કરતી વખતે એણે પોતાની દીકરીના હાથ પગ પકડી રાખ્યા હશે કે પછી, પોતે જ ગળું દબાવ્યું હશે? યુસુફનું કહેવું સાચું હોય તો ઉત્સવીના કોલ્ડ ડ્રિન્કમાં ઘેનની દવા ભેળવી દેવાયેલી. તેમ છતાં, ગળે ટૂંપો દેવાયો ત્યારે એણે તરફડિયાં માર્યાં તો હશે જ. બિલોરીના હાથ ક્ષણભર પણ ધ્રુજ્યા નહીં હોય? અને પછી આખી રાત એણે કેવી રીતે કાઢી હશે?

યુસુફના કહેવા પ્રમાણે એના માટે તો જિંદગીની એ સહુથી લાંબી અને ડરામણી રાત હતી. પેલા માણસને અંધેરીમાં એક ટેક્સી પાસે છોડીને એ બિલોરીને, વાલકેશ્વરમાં આવેલા એના બંગલે મૂકવા ગયો. ‘આજે રાતે તું અહીં ગાડીમાં જ સૂઈ રહેજે, કાલે સવારે છ વાગે આપણે નીકળવાનું છે.'

આવો આદેશ આપીને બિલોરી ઘરમાં જતી રહી. યુસુફના મોતિયા મરી ગયા. એ જ વખતે ગાડીની ડિકીમાં કઈ ખખડાટ સંભળાયો. ‘મેડમ ...'યુસુફની રાડ ફાટી ગઈ.

'યુસુફ કહે છે કે તમે મઢ જતા રસ્તા પર ઉત્સવીનું ગળું દબાવીને, એના બોડીને ડિકીમાં નાખી દીધું .પણ ખબર છે,હકીકતમાં એ ત્યારે મરી નહોતી. ઘેર આવ્યા ત્યાં સુધી એ બેહોશ પણ જીવિત હતી?' વાસુકિએ કહ્યું.

'આઈ સી, તો પછી ઊભી થઈને ચાલવા કેમ ન માંડી? કમસે કમ મદદ માટે બૂમ તો પાડી શકી હોત ને? ઘર હતું, ઘરમાં માણસો હતા, ગેટ પર વોચમેન હતો.....કોઈકે તો એનો અવાજ સાંભળ્યો હશે ને?' બિલોરીએ સામે પૂછ્યું.

વાસુકિએ ખાંસી ખાવાના બહાને થોડો સમય લીધો. આ પણ એક વિચિત્રતા હતી. ડ્રાઈવર યુસુફના કહેવા પ્રમાણે એણે એ રાતે ખરેખર ડિકીમાંથી કંઈ અવાજ સાંભળ્યો હતો. ગભરાઈને એણે એટલા મોટા સાદે રાડ પાડેલી કે ગેટ પર બેઠેલો વોચમેન પણ 'ક્યાં હુઆ'ની સામી બુમ પાડીને એની જગ્યાએથી ઉભો થઇ ગયો. પણ ઘરના દરવાજેથી પાછી ફરેલી બિલોરીએ હાથ ઊંચો કરીને એને રોકી પાડ્યો. અને પછી યુસુફ પાસે આવીને દાંત ભીંસીને પૂછ્યું, 'શું થયું?'

પોલીસ સામે એ રાતને યાદ કરતા યુસુફે કહેલું, ' હું તો ફફડી ગયેલો.પણ એ બાઈ ખરી હિંમતવાળી હતી. પોતાના હાથે એણે ડિકી ખોલીને મને કહ્યું, જોઈ લે'

'અને તે શું જોયું?' વાસુકિએ પુછેલા પ્રશ્નના જવાબમાં યુસુફ બોલ્યો હતો, 'સાચું કહું સાહેબ, હું તો આંખો મીંચી ગયેલો.' ડ્રાઈવરના કહેવા પ્રમાણે પછી એ,'ઊંઘ નથી આવતી' એવું બહાનું કાઢીને આખી રાત ગેટ પર નાઈટ ડ્યુટી બજાવતા વોચમેન સાથે બેસી રહ્યો.

ઘણીવાર સાહેબ કે મેડમે વહેલી સવારે નીકળવાનું હોય તો યુસુફ આગલી રાતે ઘેર જવાને બદલે બંગલા પર જ રોકાઈ જતો, એટલે વોચમેનને કંઈ અજુગતું ન લાગ્યું.અહી સરવન્ટ્સ ક્વાર્ટર્સમાં ચાર પાંચ લોકો સુઈ શકે એટલી જગ્યા અને સગવડ હતી. 

'આટલો અવાજ સાંભળીને ઘરમાં કોઈ જાગી નહોતું ગયું?' વાસુકિએ પૂછ્યું તો જવાબ મળ્યો,' સારંગ સાહેબ એ સવારે કોઈ કામે દિલ્હી ગયેલા. હું જ એમને એરપોર્ટ મૂકવા ગયેલો. કિચન પાસેના રૂમમાં કાન્તાબાઈ સુએ છે પણ એ તો એકવાર સુઈ જાય પછી ઢોલનગારા વાગે તોયે ઉઠે નહિ.' 

રાતે માંડ ત્રણચાર કલાક સૂઈ શકતા વાસુકિને કહેવાનું મન થયું કે નસીબદારને જ આવી ઊંઘ આવે, પણ એણે ચૂપ રહીને યુસુફને બોલવા દીધો. પોલીસ લઈ આવી આવ્યો ત્યારે અડધા મરેલા લાગતા યુસુફની જીભ ચાલવા માંડી હતી.

'સવારે છ વાગે નીકળવાની વાત થયેલી, પણ મેડમે મને ચાર વાગે ફોન કરીને ગાડી કાઢવાનું કહ્યું. અમે લોકો પછી પેલા સાહેબને દાદર લેવા ગયા. પાછલી સીટ પર એ લોકો ધીમે ધીમે કંઈ વાત કરતા હતા, એ તો મને સંભળાઈ નહી, પણ થોડીવારમાં એટલું સમજાઈ ગયું કે બંને વચ્ચે કોઈ ચણભણ થઇ રહી હતી.

મને થોડુંથોડું ઈંગ્લીશ આવડે છે. એકવાર પેલા સાહેબ ગુસ્સાવાળા અવાજે મોટેથી બોલી ગયા, "દર વખતે મને ફસાવીને તું છટકી જાય છે" અને મેડમે કહ્યું,"દીકરીને સંભાળવાની જવાબદારીમાંથી કોણ છટકી ગયું, હું કે તું ? અને આ બધું હું કોના માટે કરું છું?".પછી પેલા સાહેબ ચુપ થઇ ગયા.'

યુસુફને અહી બોલતો અટકાવીને વાસુકિએ પૂછેલું,'કોની દીકરીની વાત થતી હતી?' યુસુફે આ બાબતમાં અજ્ઞાન દર્શાવતા કહ્યું,'કોણ જાણે? મને તો એટલી ખબર છે કે મેડમ અને સારંગ સાહેબને એક દીકરી છે, જે ક્યાંક બહાર ભણવા ગઈ છે.'

'પછી શું થયું?' વાસુકિએ ઘટનાનો દોર સાંધ્યો. યુસુફે પછી ઉતાવળે વાતનો અંત લાવવો હોય એમ ટૂંકમાં કહી દીધું કે, એ લોકો પછી મુંબઈથી ત્રણેક કલાકના અંતરે આવેલા માલશેજ ઘાટ પર ગયા, અને ત્યાં એક જગ્યાએથી ઉત્સવીનું બોડી નીચે ખીણમાં ફેંકી દીધું. એને ચોક્કસ જગ્યા યાદ નહોતી, પણ ઘાટ પર વીસ પચીસ મિનીટ્સ ડ્રાઈવ કર્યા બાદ બિલોરીએ એને રોકાવાનું કહેલું, એવો આછો પાતળો ખ્યાલ હતો.' અને સાહેબ, ત્યાં સુધીમાં થોડો થોડો વરસાદ પણ પાડવા લાગેલો.' એણે વધારાની માહિતી આપી.

'તમે ત્રણ જણે મળીને લાશનો નિકાલ કર્યો?' વાસુકિએ પાકું કરવા પૂછ્યું. અહી યુસુફે સહેજ અટકીને જવાબ આપ્યો,' હું તો પાછો મેડમના કહેવાથી ગાડીનું બોનેટ ખોલીને ઉભો રહ્યો. એ લોકોએ ડિકીમાંથી લાશ કાઢીને નીચે ફેંકી.'

આવું બોલીને કપાળ પરથી પસીનો લુછી રહેલા યુસુફને વાસુકિ જોઈ રહ્યો. અપરાધીના અવાજ અને હાવભાવ પરથી સાચજૂઠના પારખા કરવાને ટેવાયેલા પોલીસ ઓફિસરને લાગતું હતું કે યુસુફ આ તબક્કે ખોટું બોલતો હતો કે પછી કંઈક છુપાવતો હતો. પણ એણે બોલવા દીધો.' પછી હું પેલા સાહેબને એરપોર્ટ અને મેડમને એમના બંગલે મૂકીને મારે ઘેર જતો રહ્યો.ઘરમાં મારો ચહેરો જોતાની સાથે બીવીને શંકા પડી જશે, એવા ડરથી હું તો માથે ઓઢીને સુઈ ગયો. દોસ્તને મૂકવા એરપોર્ટ પણ ગયો નહિ.' યુસુફે પોતાની મનોસ્થિતિ વર્ણવતા કહ્યું હતું.

યુસુફનું કહેવું હતું કે એ રાતે ખરેખર એને તાવ ચઢી ગયેલો. પછીના બે દિવસ નોકરી પર નહોતો જઈ શક્યો. ત્યારે જ એણે નક્કી કરી નાખ્યું કે હવે આ નોકરી ચાલુ રાખવાનું અશક્ય હતું. 'ત્રીજે દિવસે મેં ફોન કરીને કહ્યું કે ગામ જવું છે. પગાર લેવા ગયો, ત્યારે મેડમે પૂછ્યું કે કોઈને વાત તો નથી કરીને? ના પાડીને હું તો ત્યાંથી ભાગ્યો.'

'કેટલા પૈસા લઈને ભાગ્યો?' વાસુકિએપૂછ્યું, ત્યારે યુસુફ પહેલા તો ચુપ થઇ ગયો, અને પછી નરમઘેસ જેવા અવાજે બોલ્યો, 'પાંચ લાખ.' અને પછી બોલ્યો, ' એ જ દિવસે બિસ્તરા પોટલા બાંધીને નીકળી જવાની જરૂર હતી. પણ રાતોરાત નીકળી જઈએ તો કોઈને શંકા પડે એટલે બીજા દસ પંદર દિવસ ખેંચી કાઢવાનું વિચાર્યું. એમાં આ ટાંગ ગુમાવવાનો વારો આવ્યો.'

નોકરી છોડ્યાના ચાર દિવસ પછી ,રાતે મોડેથી યુસુફ રસ્તા પર જતો હતો, ત્યાં એક ટેમ્પો એને ટક્કર મારીને જતો રહ્યો. એ વખતે ત્યાં બહુ ઓછા લોકો હતા, જે હતા એમાંથી કોઈએ ટેમ્પોનો નંબર જોયો નહિ. યુસુફને હોસ્પિટલભેગો કરાયો. પોલીસે હીટ એન્ડ રનનો કેસ નોંધ્યો, પણ વધુ તપાસ કરી નહી. યુસુફને ખાતરી હતી કે બિલોરીએ જ એને મારવાની કોશિશ કરાવેલી.

અત્યારે ઇન્ટરોગેશન રૂમમાં બેઠેલી બિલોરીના ચહેરા પર કોઈ અપરાધભાવ નહોતો.'સર, તમે કહો છો એમ મેં ખરેખર મઢ આયલેન્ડ જતા રસ્તા પર ઉત્સવીને મારી નાખી હોય, તો પછી ત્યાંજ એની લાશ ફેંકી દેતા મને કોણ રોકવાનું હતું? હું પાગલ છું કે ડેડબોડીને પાછી ઘેર લાવીને આખી રાત ગેરેજમાં પાર્ક કરી રાખું?'

વાસુકિએ ટેબલ પર આંગળીથી ટકોરા માર્યા. દલીલમાં દમ તો હતો, પણ બિલોરીની સામે એક ડગલું પણ પાછું ભરવામાં જોખમ હતું. એણે બીજી દિશાએથી બાઉન્સર ફેંક્યો ,' તમે એટલું તો કબુલો છો ને કે, એ સાંજે, અને બીજે દિવસે બપોર સુધી તમે જિમી નાયર સાથે હતા?'

કોઈ કુશળ બેટ્સમેનની જેમ સામો ફટકો મારતા બિલોરી બોલી, 'હા,પણ એક્સ હસબન્ડને મળવું એ કોઈ ગુનો છે?' અને પછી ઊંડો શ્વાસ લઈને છોડતા બોલી,' અને બધાંને ખબર છે કે જિમી એન્જલનો, આઈ મીન મારી નાની દીકરી એન્જેલિનાનો બાપ છે. અધિરથે એન્જલને દત્તક લીધી છે.'

વાસુકિના દિમાગનો પારો ચઢવા લાગ્યો.ગુસ્સા પર કાબુ રાખીને એણે કહ્યું, 'પણ કોઈને એ ખબર નહોતી, અધિરથને પણ નહી કે ઉત્સવી તમારી મોટી દીકરી હતી. અને હા, લોકોને હજી સુધી એ પણ ખબર નથી કે નાની દીકરીના બાપ સાથે મળીને તમે મોટી દીકરીનું મર્ડર કર્યું છે.'

બિલોરી કંઈ બોલવા જાય એ પહેલા વાસુકિએ બીજો પ્રશ્ન ફંગોળ્યો,' બાય ધ વે, ઉત્સવીના પિતા કોણ છે? એમને ખબર છે કે દીકરી હવે આ દુનિયામાં નથી રહી, તમે એને મોતને ઘાટ ઉતારી દીધી છે?'

'ઈનફ' બિલોરીની આંખમાંથી તણખાં ઝર્યા. ખભા ટટ્ટાર કરીને એણે ટેબલ પર પોતાની બે હથેળી મૂકતા કહ્યું, 'હવે હું તમારા એકેય સવાલનો જવાબ નહિ આપું. જે પૂછવું હોય એ હવે મારા વકીલને પૂછજો.'

'ઓકે'કહીને વાસુકિ એની જગ્યાએથી ઊભો થયો. અને રૂમની બહાર નીકળ્યો. એ તો ક્યારનો આ ડિમાન્ડ માટે તૈયાર હતો. બિલોરીએ અત્યાર સુધી વકીલ બોલાવવાની માગણીનહોતી કરી, એ જ નવાઈની વાત હતી. કદાચ એ સ્ત્રીને પોતાની હોશિયારીમાં વધુ પડતો વિશ્વાસ હતો. 




ક્રમશ.  





ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Ad Code