રક્ત રમત પ્રકરણ_૧

રક્ત રમત  પ્રકરણ_૧

લેખક: વર્ષા પાઠક


‘સર, તમે વિચારો તો ખરા કે કોઈ પોતાની સગી નાની બહેનને કેવી રીતે મારી શકે? હું ખરેખર કંઇ નથી જાણતી, તમે કહો એના સોગન ખાઉં....'

‘બહેનની તો ખબર નથી, પણ દીકરીને જરૂર મારી શકે. બિલોરી મેડમ, હવે તો ખોટું બોલવાનું બંધ કરો.અમને ખબર છે કે ઉત્સવી તમારી નાની બહેન નહીં, સગી દીકરી હતી.એમ આઈ રાઈટ ઓર એમ આઈ રાઈટ? ' પોલીસ કમિશનર વાસુકિએ એનું ફેવરિટ વાક્ય ઉચ્ચાર્યું.

ટેબલની બીજી તરફ બેઠેલી બિલોરી સારંગ હોઠ ભીડીને નીચું જોઈ ગઈ. પહેલીવાર વાસુકિને ખ્યાલ આવ્યો કે બિલોરી ચહેરાથી દેખાતી હતી એટલી યુવાન નહોતી. ખભા સુધી પથરાયેલા એના સ્ટ્રેઈટ સિલ્કી બ્રાઉન વાળમાં ગોલ્ડન હાઈલાઈટ્સ ચમકતી હતી, પણ એના ગ્રે રૂટ્સ દેખાવા લાગેલા અને ગળા પરની સ્કિન થોડી ઢીલી પડી ગયેલી. તેમ છતાં બીજી કેટલી સ્ત્રીઓ બિલોરી જેટલી આકર્ષક લાગતી હશે? સ્લિમ એન્ડ ટ્રીમ ફિગર, નમણો નાકનકશો, સહેજ શ્યામળી પણ ડાઘાડુઘી વિનાની ત્વચા,મોટી પાણીદાર આંખો, ગુલાબી હોઠ અને એની પાછળ ચમકતા સફેદ નાના દાંત...... અને સૌંદર્યના ઘમંડને બદલે ચહેરા પર ઝલકતી નિર્દોષતા.

આવી સ્ત્રી મદદનો સાદ પાડે તો કયો પુરુષ ખુદને વશમાં રાખી શકે? બાજુમાં બેઠેલા સિનિયર ઇન્સ્પેક્ટર જોગે હળવી ખાંસી ખાધી. ફરીવારવાસુકિએ ખુદને યાદ દેવડાવ્યું કે સુંદર પણ ભલીભોળી, માસૂમ લાગતી બિલોરીએશું કરેલું અને કરાવેલું.

એણે આગળ ચલાવ્યું. ‘મેડમ, સોગન કોના ખાશો? હસબંડ નંબર વન, પ્રહર કુકરેજાના, જે અત્યારે પોન્ડિચેરીમાં છે? કે હસબંડ નંબર ટુ, જીમી નાયર ફ્રોમ ચંદીગઢ? કે હસબન્ડ નંબર થ્રી અધિરથ સારંગ, જેને હજી આજ સવાર સુધી ખબર નહોતી કે તેર વરસથી એ જેને સાળી માનતો હતો, એહકીકતમાં એની સાવકી દીકરી હતી અને એની વાઈફ.......'વાસુકિએ વાક્ય અધૂરું છોડ્યું. એ પોલીસ ઓફિસર હતો, જાણતો હતો કે અપરાધ સાબિત ન થાય ત્યાં સુધી કોઈને ખૂની ન કહેવાય.

જોકે પત્રકારો, ખાસ કરીને ટીવી ચેનલ્સવાળાને આવો કોઇછોછ નહોતો નડતો. એમણે તો બિલોરી સારંગ પર બહેનનીની હત્યારીનું લેબલ મારી દીધેલું. અને આજે સાંજે, ઇન્ટ્રોગેશન રૂમમાંથી બહાર નીકળીને પોલીસ કમિશનરવાસુકિ ખુલાસો આપશે કે મરનાર ઉત્સવી, બિલોરી સારંગની બહેન નહીં પણ પુત્રી હતી, ત્યારે તો હાહાકાર મચી જવાનો.

શહેરમાં સનસનાટીનો માહોલ તો સવારથી હતો. ‘મુંબઈ પોલીસે બિલોરી સારંગ પર એની બહેન ઉત્સવીની હત્યા કરવાનો આરોપ મૂકીને વહેલી સવારે એની ધરપકડ કરી.' એ સાંભળતાંની સાથે મીડિયાકર્મીઓકામે લાગી ગયા. 

આમ તો મુંબઈમાં રોજની ત્રણ-ચાર હત્યાઓ થાય છે, અને નેશનલ ટીવી ચેનલ્સ પર તો એનો નાનોસરખો ઉલ્લેખ પણ ભાગ્યે જ થાય. પરંતુ બિલોરી કોઈ મામૂલી વ્યક્તિ નહોતી.નેશનલ લેવલના મેગેઝિને ત્રણેક વર્ષ પહેલાં ઇન્ડિયન મીડિયાની ટોપ ટેન મોસ્ટ પાવરફુલ વિમેનના લિસ્ટમાં બિલોરી સારંગનું નામ લખેલું. અધિરથ સારંગ જેવા સક્સેસફુલ મીડિયા ટાઈકુનની એ ગ્લેમરસ, હાઈપ્રોફાઈલ વાઈફ અને બિઝનેસ પાર્ટનર હતી. એમની કંપની મેજિક બોક્સ મલ્ટિમીડિયાએ બનાવેલી ત્રણ ટીવી સિરિયલ્સ અત્યારે ટીવી પરથી પ્રસારિત થતી હતી. એમાંથી બેનાં ટીઆરપી રેટિંગ્સ ખરાબ રીતે ગબડી રહ્યા હોવાનું કહેવાતું હતું, પણ બિલોરીએ આ વાતને ઈર્ષાળુ હરીફોએ ફેલાવેલી અફવામાં ખપાવી દીધેલી. એટલું જ નહીં, નજીકના ભવિષ્યમાં પોતાની ચેનલ શરૂ કરવાનો ઈરાદો પણ જાહેર કરી દીધેલો. 

જોકે છેલ્લા લગભગ દોઢેક વર્ષથી મેજિક બોક્સનું મેજિકઝાંખું પડી રહ્યું હોવાની ઘુસપુસ ચાલતી હતી. કંપની આર્થિક ભીંસમાં આવી ગઈહોવાની અટકળો થતી હતી. વાતમાં કેટલી સચ્ચાઈ હતી, એ જોકે હજી બહારના લોકો નહોતા જાણતા. બિલોરીનો ઠસ્સો હજી બરકરાર હતો.

આજે  સવારે એ એક ભૂતપૂર્વફેશન મોડેલે શરૂ કરેલી અપમાર્કેટ હેલ્થ ક્લબનું ઉદ્ઘાટન કરવા ગયેલી. પોલીસએને પકડીને સાનબાગ પોલીસ સ્ટેશને લઇ આવી. અને જોવાની વાત તો એ કે અહીં એની પૂછપરછ કરવા માટે પોલીસ કમિશનર વાસુકિ ગોકર્ણ પોતે હાજર હતા.

બપોરસુધીમાં વાત બહાર આવી ગઈ કે બિલોરી સારંગ પર એની નાની બહેન ઉત્સવીની હત્યાનો આરોપ મુકાયેલો. સાનબાગ પોલીસ સ્ટેશનની ફરતે  જાણે મેળો ભરાઈ ગયો.

અંદર ઇન્ટ્રોગેશન રૂમમાં બિલોરીની ઊલટતપાસ માટે કમિશનર વાસુકિ ઉપરાંત બીજા બે હાઈરેન્કિંગ ઓફિસર્સ બેઠેલા. ત્યાં શું સવાલ જવાબ થઇ રહ્યા હતા, એ તો પોલીસ સ્ટેશનમાં ડ્યૂટી બજાવતા બીજા કર્મચારીઓ પણ નહોતા જાણતા.

પણન્યૂઝચેનલ્સ પરથી જાતજાતની વાતો પ્રસારિત થવા લાગેલી. જોકે થોડા કલાક પછી જે ધડાકો થવાનો હતો, એની તો હજી કોઈને કલ્પના સુધ્ધાં નહોતી.

ઇન્ટ્રોગેશન રૂમમાં બેઠેલી બિલોરીએ છેવટે ઊંચું જોયું ત્યારે જોકે એના ચહેરા પર કોઈ ભય કે અનિશ્ચિતતાના ભાવ નહોતા. ‘મેં ઉત્સવીનું મર્ડર નથી કર્યું'એણે સ્વસ્થ અવાજે કહ્યું.

'ચાલો, એટલું તો કબૂલો છોને કે ઉત્સવીનું મર્ડર થયું છે?'વાસુકિએ સહેજ આગળ ઝૂકીને કહ્યું.

‘એવું તમે કહો છો. બાકી હું તો હજીયે એવું જ માનું છું કે ઉત્સવી યુએસમાં છે.'બિલોરીએ સહેજ પણ ખચકાયા વિના કહી દીધું.

'યુએસમાં ક્યાં?'વાસુકિએ પૂછ્યું.

'આઈ ડોન્ટ નો, અહીંથી ગયા પછી એણે મારી સાથે કોન્ટેક્ટ નથી રાખ્યો.'

'કેમ?'

ખબર નથી. આમેય એ પહેલેથી થોડા વિચિત્ર સ્વભાવની છે.'

બિલોરી હજી ઉત્સવી માટે ‘હતી'નહીં, પણ ‘છે'જેવો શબ્દપ્રયોગ કરતી હતી, એની નોંધ વાસુકિએ લઈ લીધી. વર્ષોથી લોકોને મૂરખ બનાવતી રહેલી આ સ્ત્રી, સહેલાઈથી કોઈ બીજાની જાળમાં ફસાય એમ નહોતી.

‘એટલી વિચિત્ર, કે તમારે એને મારી નાખવી પડી?'

‘સર, કેટલીવાર કહું કે મેં એનું મર્ડર નથી કર્યું. ભલે ગમે તેવી હોય પણ મારી...'ક્ષણિક ખચકાટ બાદ બિલોરીએ એનું વાક્ય પૂરું કર્યું.‘એ મારી દીકરી છે.'

‘અને લકી?'વાસુકિએ ભવાં ઊંચકીને પૂછ્યું.

‘લકી....લક્ષ્યજિત મારો દીકરો છે.'બિલોરીએ કબૂલી લીધું.કમસેકમ આ બાબતમાં ખોટું બોલવાનો કોઈ અર્થ નહોતો, એટલું તો એ સમજી ગયેલી.

‘એની ઓળખ પણ અત્યાર સુધી તમે તમારા નાના ભાઈ તરીકે જ આપતાં રહેલાં ને?'વાસુકિએ પૂછ્યું.

‘હા'તરત જવાબ મળ્યો.

‘કેમ?'

એ મારી અંગત બાબત છે. સંજોગો એવા હતા કે મારે મારાં બાળકોને મારાં ભાઈબહેન તરીકે ઓળખાવવાં પડ્યાં. અને એ કોઈ ગુનો નથી'બિલોરીએ ખભા ટટ્ટાર કરીને કહી દીધું.‘સંતાનોની ઓળખ છુપાવવી એ ગુનો નથી, પણ એમની હત્યા કરવી એ ગુનો છે, બહુ મોટો ગુનો.'વાસુકિના ચહેરા પર કરડાકી આવી.

‘પાછી એની એ જ વાત.'બિલોરીએ સખત અકળામણના ભાવ સાથે કહ્યું. ‘હત્યા થઇ હોય તો લાશ ક્યાં છે? અને તમે કહો છો એમ ખરેખર કોઈએ ઉત્સવીનું મર્ડર કર્યું હોય તો કમસે કામ એની ડેડબોડી જોવાનો અધિકાર તો મને છે ને ....હું એની મા છું.'આ છેલ્લા શબ્દો બોલતી વખતે એનો અવાજ તરડાઇ ગયો અને ચહેરા પર પીડાની લકીરો ખેંચાઈ ગઈ. 

વાસુકિ ચુપ રહ્યો. બિલોરીએ એની દુઃખતી રગ પર આંગળી મૂકી હતી. હત્યા થઇ એવું કહેવાતું હતું, પણ લાશનો હજી સુધી પત્તો નહોતો. બિલોરી કદાચ આ વાત જાણતી હતી, એટલે જ હજી સુધી એણે પોલીસની પૂછપરછને દાદ નહોતી આપી.

પણ આ વિચાર મનમાં દાબી રાખીને વાસુકિએ સહેજ વધુ કડક અવાજે કહ્યું, 'બધું જોવા મળશે. ડેડબોડી, હત્યાનું હથિયાર, હત્યાનું સ્થળ....અને હા, હત્યા કરવામાં તમારો સાથ આપનારની મુલાકાત પણ કરાવી દઈશું. બસ,એ હવે અહીં પહોંચતો જ હશે.'એને રિસ્ટવોચમાં જોવાનો દેખાવ કર્યો.

‘કોણ?'બિલોરીની આંખમાં ફરકી ગયેલો આછો ભય વાસુકિએ જોઈ લીધો.

‘તમારો ડ્રાઈવર.'વાસુકિએ જવાબ આપ્યો.

‘મારો ડ્રાઈવર...કોણ રવિ?'

'ના, તમારો જૂનો ડ્રાઈવર યુસુફ.'

‘યુસુફ...ઈમ્પોસિબલ...એ તો, એ તો....'બિલોરીની જીભ થોથવાઈ ગઈ.

‘એ તો શું?'વાસુકિએ પૂછ્યું.

‘એ તો અમારે ત્યાંથી બે-ત્રણ વર્ષ પહેલાં નોકરી છોડીને જતો રહેલો. અને પછી સાંભળેલું કે એક એક્સિડેન્ટમાં માર્યો ગયો.'

‘એક્સિડેન્ટ થયેલો, પણ યુસુફ જીવતો રહ્યો.

‘આઈ સી, અને હવે આટલા વરસે એને અચાનક યાદ આવ્યું કે મારી સાથે મળીને એણે ઉત્સવીનું મર્ડર કરેલું. અને એ પાગલનું સાંભળીને તમે મને પકડી લાવ્યા. આઈ કાન્ટ બિલીવ ધીસ.'બિલોરી નાટ્યાત્મક ભાવે માથા પર હાથ મૂકીને બોલી.

‘પાગલ...યુસુફ પાગલ હતો?'વાસુકિએ પૂછ્યું.

"નોટ એક્ઝેક્ટલી પાગલ, પણ ઘણીવાર સાવ ઢંગધડા વિનાની હરકત કરી નાખતો.'

‘મતલબ?'

‘આહ...'બિલોરીએ કપાળે આંગળી ઘસીને યાદ કરવાની કોશિશ કરી.'નોકરી માંગવા આવ્યો ત્યારે એણે અનમેરિડ હોવાનો દાવો કરેલો, પણ પછી ખબર પડી કે પરણેલો હતો અને બે છોકરાનો બાપ હતો.'

‘ઘણા લોકો નોકરીની અરજીમાં પોતાનું મેરિટલ સ્ટેટસ છુપાવે છે. એમાં એને પાગલ થોડો કહેવાય?’

‘હા, યાદ આવ્યું. એકવાર એણે એવું કહીને અઠવાડિયાની છુટ્ટી લીધી કે ગામમાં રહેતી એની બહેન મરી ગયેલી.

સાસરિયાંના ત્રાસને કારણે એણે આપઘાત કરેલો. પછી ખબર પડી કે એને કોઈ બહેન નહોતી.'

‘ઘણા લોકો નોકરીમાંથી રજા લેવા આવી વાર્તાઓ ઘડી કાઢતા હોય છે.'

‘પણ કોઈ પોતાની બહેનને આમ ખોટેખોટે મારી નાખે?'

‘એને લાગ્યું હશે કે આવું કહે તો જ રજા મળશે.'

‘સર, તો અત્યારે પણ એણે આવા જ કોઈ કારણસર ઉત્સવીના મર્ડરની સ્ટોરી ઘડી કાઢી હશે. જે માણસ પોતાની બહેનની આત્મહત્યાની વાર્તા બનાવી શકે, એ કોઈ બીજાની બહેન કે દીકરીના મર્ડર વિષે પણ ગપ્પાં મારી શકે. એવા માણસની વાત તમે માની લીધી?'

વાસુકિને ભાન થયું કે બિલોરીએ કેટલી સિફતપૂર્વક વાસુકિના શબ્દોનો ગાળિયો બનાવીને એના જ ગળામાં નાખી દીધેલો. એને યુસુફના શબ્દો યાદ આવી ગયા. ‘સાહેબ, બિલોરી મેડમ જેવી ખતરનાક બાઈ મેં મારી જિંદગીમાં નથી જોઈ.

એણે જ ઉત્સવી દીદીનું મર્ડર કર્યું, અને મને ખાતરી છે કે પછી મારો એક્સિડેન્ટ કરાવવામાં પણ એનો જ હાથ હતો. કોણ જાણે બીજાં કેટલાં જણ એનો શિકાર બન્યાં હશે.

‘સર, ફરીથી કહું છું કે તમે તમારો અને મારો ટાઈમ બરબાદ કરી રહ્યા છો.' બિલોરીએ ઘડિયાળમાં જોઈને કહ્યું. અને પછી ઉમેર્યું, ‘સાંજે મારે એક બહુ ઈમ્પોર્ટન્ટ મિટિંગ અટેનકરવાની છે.'

‘ઓલ રાઈટ, તમે ઉત્સવી સાથે એકવાર મારી વાત કરાવી દો, એટલે પછી આપણે બધાં છૂટાં.' વાસુકિએ શાંતિથી કહ્યું.

‘કેટલીવાર કહેવાનું કે ઉત્સવી યુએસમાં છે, એનાથી વધુ હું કંઈ નથી જાણતી.' બિલોરીએ ભારોભાર કંટાળા સાથે કહ્યું.

‘તમે એની મા છો.....'

‘મા છું, જેલર કે ચોકીદાર નહીં. ઉત્સવી બાવીસ વરસની મેચ્યોર, ઇન્ટેલિજન્ટ છોકરી છે. એને સ્વતંત્રપણે પોતાના નિર્ણયો લેવાનો અધિકાર છે.'

‘અને એમાંથી એક નિર્ણય એવો હતો કે ઘરના લોકો સાથે કોન્ટેક્ટમાં ન રહેવું.' વાસુકિ બોલ્યો. એના પ્રતિભાવમાં બિલોરીએ મૂંગા મૂંગા માત્ર ખભા ઉછાળ્યા.

‘આવું કરવા પાછળ કોઈ કારણ તો હશે ને?'

‘હોય તો હું નથી જાણતી.'

‘તમે જાણવાની કોશિશ પણ ન કરી?'

શરૂઆતમાં કરેલી. એને ઈ-મેઈલ મોકલેલા, પણ એણે જવાબ ન આપ્યા. અને પછી તો મેં મોકલેલા મેઈલ્સ બાઉન્સ થયા. ફેસબુક પર એનો કોન્ટેક્ટ કરી જોયો, પણ રિસ્પોન્સ નમળ્યો. લાસ્ટ ઈયર ફેસબુક પર એના ફોટા જોઇને મેં મન મનાવી લીધું કે ઉત્સવી જ્યાં હતી ત્યાં સાજીસારી ને ખુશ હતી. 

પણ પછી તો એનું એ ફેસબુક અકાઉન્ટ પણ ડીએક્ટિવ થઇ ગયું. ખબર નહીં, એણે કોઈ બીજા નામ પર અકાઉન્ટ બનાવી લીધું હશે. તમારી સાઈબર ટીમને કહો, ચેક કરી જુએ. ઉત્સવી મળે તો એને કમસેકમ એટલો મેસેજ આપજો કે હું એને મીસ કરું છું.' બિલોરીનો અવાજ ભારે થઇ ગયો.

વાસુકિએ હોઠ કરડ્યા. આ પણ મિસ્ટરી હતી. યુસુફ કહેતો હતો કે સવા બે વરસ પહેલાં ઉત્સવીની હત્યા થયેલી. પણ એ જે મહિના અને તારીખની વાત કરેલી, એના પછી લગભગ છમહિના સુધી ઉત્સવીનું ફેસબુક અકાઉન્ટ લાઈવ રહેલું. હા,એના પર એ બહુ એક્ટિવનહોતી. પરંતુ એનું કારણ પણ એણે લખેલું, કે નવી લાઈફમાં એ બહુ બીઝી હતી.

યુસુફખાતરીપૂર્વક કહેતો હતો કે ઉત્સવી મરી ગયેલી.મરેલી વ્યક્તિ કઈ નવી લાઈફ શરૂ કરી શકે? ક્યાંક એવું તો નહોતું ને કે યુસુફ હજીયે ખોટું બોલતો હતો?

આ વિચાર મનમાં ઊગતાની સાથે વાસુકિએ ડામી દીધો. ક્યાંક એ પોતે પણ બિલોરીનો શિકાર નહોતો બની રહ્યો ને? મહિનાઓથી પોલીસે કરેલી મહેનત કહેતી હતી કે દાળમાં જરૂર કંઈ કાળું હતું, અને જે હતું એ ભયાનક હતું. માસૂમ ચહેરો ધરાવતી બિલોરી અનેક જણને રમાડી રહી હતી, એમાં વાસુકિને શંકા નહોતી.

વાતની શરૂઆત અઢી મહિના પહેલાં થયેલી. બબ્બન નામનો એક લોકલ ગુંડો દારૂ પીને બારમાં મારામારી કરતા પકડાયેલો. આવું એણે પહેલીવાર નહોતું કર્યું, પણ આ વખતે એણે ખોટા, અર્થાત્ એનાથી મોટા ગુંડા સાથે પંગો લઈ લીધેલો. પેલાએ બબ્બનને માર્યો તો નહીં પણ પોલીસ લોકઅપમાં મોકલી દીધો, અને પોલીસે બબ્બનને બીજા બે-ત્રણ, વધુ ગંભીર અપરાધોમાં ફિટ કરવાની તૈયારી કરી નાખી.




ક્રમશ.  





ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Ad Code