તલપ

લઘુકથા :- તલપ

લેખક:- માણેકલાલ પટેલ



ગામની બાજુમાં આવેલી તલાવડી સૂકાઈ જાય ત્યારે નાની કિયારી ગાળી ભીખાજી એમાં શક્કરટેટી વાવતા. 

આ ભીખાજીની છાપ ભગતની.

રાત્રે એ ભજન ગાય ત્યારે એમની ઝુંપડીમાં અવારનવાર પાંચ- છ જણની ટોળકી જામતી. ભગતને પણ એ ગમતું. 

ભગતની વહુ ભીખી બોલકી બહુ. રાત્રે મળતી ટોળકી વિશે સાંભળીને એ

મનોમન ખીજાઈ પણ જતી :-" આ ભગતનેય કોઈ કામધંધો નથી તે નવરાંને ભેગા કરીને આખી રાત તબલાં કૂટ્યા કરે છે ?! મારે આંટો દેવા

જવું હોય તો પણ કેમ જવું ?"

પણ, ભગત તો એમની ધૂનમાં જ મસ્ત રહેતા. 

એક રાતે એ ટોળકીમાંનો એક નામે કાનો થોડો વહેલો ઊભો થયો અને 

ભગતને કહ્યું :-" આજે ભજન જામ્યાં છે તો હું ઘરે જઈ ચા લેતો આવું." તલાવડીમાંથી બહાર નીકળી એણે પાછળ જોયું. અંધારામાં કંઈ દેખાયું તો નહીં પણ ગવાઈ રહેલા ભજનના

શબ્દો એના કાને પડતા હતા. એ હસતાં હસતાં ગામ બાજુ વળ્યો. પણ, એના ઘરે જવાને બદલે એ

 ભગતના ઘરબાજુ ગયો . ત્યાં પહોંચી એણે સાંકળ ખખડાવી. ભરઉંઘમાંથી ભીખીએ ઉઠી બારણું ખોલ્યું અને સામે કાનાને ઉભેલો જોઈ સહેજ શહેમાઈને પૂછ્યું :-" કાનાભૈ ! અટાણે, તમે ?"

 ઘરમાં પેસતાં એણે કહ્યું :-" ભાભી ! ચા પીવાનું મન થયું તે....."

ભીખી સમજી ગઈ. એ બોલી:-" આવો,બેસો ! " અને રસોડામાં જઈ તપેલી પર ઢાંકેલું છીબું ઊંચું કરી જોયું અને એણે હોઠ મરડ્યા.ઘડીભર રોકાઈ પછી લોટો લઈ

બહાર નીકળતાં કહ્યું :-" હું દૂધ લઈ આવું !"

કાનાની તલપ વધતી ગઈ. એ હસ્યો :-" જલદી આવજો !" 

ભીખીને આવતાં થોડી વાર થઈ એટલે 

એ અધીરો થઈ ગયો. "દૂધ લેવામાં આટલું મોડું ?" પછી એ મનમાં બબડ્યો :-" ચાનું તો બહાનું છે. જલદી આવે તો........" 

અને શેરીના અંધારામાં આવતો પગરવ સાંભળી એનો ઉન્માદ વધી ગયો. પણ, જેવો એ પગરવ બારણામાં અને ત્યાંથી છેક ઘરમાં પહોંચી આવ્યો ત્યારે ભીખીને બદલે સામે એની વહુ કાશીને ઉભેલી જોઈને એના પગ નીચેથી જાણે ધરતી ખસવા લાગી !



 માણેકલાલ પટેલ. 





ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Ad Code